ધીરુ પરીખ ~ મિત્રો આપણે * Dhiru Parikh

મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?

આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?

કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ !

મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !

કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !

ધીરુ પરીખ

જે દિલથી નીકળે એ શબ્દો સીધા હૃદયસોંસરવા ઉતરે. બહુ ઓછી કવિતાઓ આવી હોય છે. એમાંની આ એક. કવિ શ્રી ધીરુભાઈ પરીખની સ્મૃતિને વંદન.  

OP 31.8.22

***

આભાર

04-09-2022

આભાર મેવાડાજી, વારિજભાઈ, મીનાબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ સૌ મિત્રોનો આભાર.

Meena Jagdish

03-09-2022

`વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છેʼ એમ કહીને કવિ મિલન અને વિદાય….અને એ કારણે થતા વિષાદને સાવ જ નકારી કાઢે છે…..🙏🏻🙏🏻🙏🏻

સાજ મેવાડા

31-08-2022

વાહ, સરસ વિચારો

Varij Luhar

31-08-2022

શબ્દ દેહે ક્યારેય વિદાય નથી થવાના તેવા સર્જક આદરણીય શ્રી ધીરુભાઈ પરીખની દિવ્ય ચેતનાને વંદન 🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: