બળવંતરાય ઠાકોર

પુષ્કળ કવિતા માત્ર પોચટ; આંસુ સારતી

ઘણી કવિતા એ માત્ર ખોટા ઓપ, અસત્પ્રભા

ઘણી કવિતા તો માત્ર બલિહારી ભાષાતણી

કવિતાના વળિ થોક ટોળે ટોળે વાયુમાં

જુસ્સા જે, જે શોક, નર્યા જ પડઘા તેહના… – બ.ક.ઠાકોર

કવિ બ.ક.ઠાકોર મુખ્યત્વે કવિ છે. કવિતા પ્રત્યે અખંડ નિષ્ઠા અને જાગૃતિ બતાવી છે, જેમાંથી એમણે પોતાની જાતનેય બાકાત નથી રાખી. એમની વિવેચનશક્તિ ઘણી તેજ હતી એટલે તેમણે પોતાની આરંભની રચનાઓ કદી પ્રગટ નહીં કરવાનું નક્કી કરેલું. તેમણે 1888માં શરૂ કરેલું ‘આરોહણ’ ખંડકાવ્ય છેક બાર વર્ષે 1900ના ચોમાસામાં પૂરું કરેલું. ‘આરોહણ’ પૂરું થયા પછી જ એમને પાકો વિશ્વાસ બેઠો કે ‘હું કવિ થઈ શકીશ.’ સાચા કવિ થવા માટે તેમના જેટલી મહેનત અને જાગૃતિ ભાગ્યે જ કોઈ કવિમાં જોવા મળે.  

અર્થપ્રધાન, વિચારપ્રધાન કવિતા એ કવિનું લક્ષ્ય હતું. ‘નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ એ તેમનું જીવનસૂત્ર હતું. તેમને ‘પેરેડાઈઝ લોસ્ટ’ જેવી કોઈ મહાન રચના કરવી હતી પરંતુ તેઓ તેમાં સફળ ન થયા. પરંતુ લઘુ અને મધ્યમકદની કૃતિઓમાં તેઓ સફળ રહ્યા. તેઓ માનતા કે ‘જગતની શ્રેષ્ઠ કવિતામાં જે પોતાનું પદ કવિતા લેખે મેળવી શકે તે જ ખરેખર કોઈ પણ ભાષાની શ્રેષ્ઠ કવિતા.’

શરૂઆતમાં તેઓ કાન્તની કવિતાથી પ્રભાવિત હતા પરંતુ પછી પોતાની પ્રતિભાના બળે જ આગળ વધતાં રહેવાનું તેમણે નક્કી કર્યું. એને માટે એમણે પરંપરાનો ત્યાગ કર્યો. કેમ કે મિલ્ટનના ‘પેરેડાઈઝ લોસ્ટ’ જેવુ મહાકાવ્ય રચવું હોય તો તેને માટે પ્રવાહી પદ્યની જરૂર હતી. ગુજરાતીમાં એવું કોઈ સાધન નહોતું. છંદનો ત્યાગ કરવામાં એ માનતા નહોતા. પદ્ય જોઈએ જ અને એ પદ્ય નમનીય (elastic) અને વિચારના દોરને વહન કરે એવું હોવું જોઈએ. એને માટે એમને માત્રામેળ કરતાં અક્ષરમેળ છંદો વિશેષ અનુકૂળ લાગ્યા.

અર્વાચીન ગુજરાતી કવિતાનો ચોથો તબક્કો (વીસમી સદીના ત્રીજા દસકાની મધ્યથી) બ.ક. ઠાકોરની કાવ્યભાવના અને કવિત્વશૈલીના પ્રભાવથી શરૂ થયો ગણાય. પૃથ્વી છંદનો પ્રયોગ દીર્ઘ કાવ્ય કે મહાકાવ્ય માટે ઉત્તમ સાધન નીવડી શકે તેમ છે એ બ.ક. ઠાકોરે જ પહેલવહેલું પ્રયોગ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું તે એમની વિશેષતા અને પછીની પેઢીના કવિઓ માટે એ અનુકરણીય બન્યું, જે ગુજરાતી કવિતાના ઈતિહાસનું એક મહત્વનું વળાંકબિન્દુ. એમની કવિત્વશક્તિનો પૂરો પરિચય તેમના ‘આરોહણ’ નામના ચિંતનાત્મક ખંડકાવ્યમાં મળે છે. જે તેમણે બાર વર્ષે પૂરું કરેલું. ગુજરાતી કાવ્યકળાનું ઊર્ધ્વ આરોહણ આ ખંડકાવ્યથી થયું એમ મનાય છે.  

લય, પ્રાસ, છંદ, ભાષા, શૈલી જેવી બાબતોમાં બ.ક. ઠાકોરની કવિતા ક્રાંતિકારક બની રહી છે. યતિવિહીન છંદોની રચના એ તેની પહેલી વિશિષ્ટતા. પૃથ્વી છંદના શિથિલ યતિનો લાભ લઈ તેમણે સળંગ રચનાનો અખતરો કર્યો, જે સમય જતાં કવિપ્રિય બન્યો. કવિતામાં અર્થના માધુર્ય પર લક્ષ રાખવું જોઈએ અને એમ, પરંપરાને માન્ય હોય કે ન હોય પરંતુ એમણે શ્લોકની પંક્તિસંખ્યામાં, વાક્યરચનામાં, પ્રાસમાં, અલંકારયોજનામાં અનેક ફેરફારો કર્યા છે.‘કવિતા નિયમ માટે નથી પણ નિયમો કવિતા માટે છે.’એમ તેઓ માનતા અને તેથી તેઓ પ્રયોગશીલ કવિ કહેવાયા. કવિતામાં ઊર્મિતત્ત્વની સાથે ચિંતનની ખાસ હિમાયત કરીને તેમણે બુદ્ધિપ્રધાન રચનાઓ આપી છે તેથી તેમના ઊર્મિકાવ્યો ‘ચિંતનોર્મિકાવ્ય’ ગણાય છે.            

છંદ અને લયના બંધન ગાવા માટે અનુકૂળ હોવા છતાં સાચી કવિતાના સ્વયંભૂ પ્રવાહમાં અંતરાયરૂપ નીવડે છે એવું એમનું દૃઢ મંતવ્ય હતું. એટલે કવિ કહેતા, “કવિતા એટલે અગેય પણ મધુર અને નિયંત્રિત રીતે સતત વહેતી સળંગ પદ્યરચના. સંગીત અને કવિતા તત્ત્વત: ભિન્ન કળાઓ છે. સંગીતમાધુર્ય તાલમેળથી સધાય છે; વાણીમાધુર્ય તેનાથી ભિન્ન એવી શુદ્ધ અગેય પદ્યરચના વડે સધાય છે અને એ જ ખરું કવિતામાધુર્ય છે.”

ગુજરાતી કાવ્યસાહિત્યને બ.ક. ઠાકોરનું બીજું મૂલ્યવાન પ્રદાન તે સોનેટ. અંગ્રેજીના સોનેટ જેવાં સંખ્યાબંધ સોનેટો રચીને તેમણે આ કાવ્યપ્રકારનો ગુજરાતીમાં ઘણો ફેલાવો કર્યો. તેમનો સોનેટસંગ્રહ ‘મ્હારાં સોનેટ’ આજ સુધી એ પ્રકારના સાહિત્યમાં શ્રેષ્ઠ છે. કવિએ નવીન કાવ્યવિભાવનાનાં આચાર્ય તરીકે પણ નોંધપાત્ર સેવા બજાવી છે. એમણે કવિતાશિક્ષણનું કાર્ય કર્યું છે. ‘લિરિક’ અને ‘કવિતાશિક્ષણ’ જેવાં પુસ્તકોમાં તેમણે ઉત્તમ કવિતા વિશેની પોતાની વિભાવના સ્પષ્ટ કરી છે.‘કવિનું કર્તવ્ય’ કાવ્યમાં તેઓ કહે છે,

સલાહ કવિ આપું જો સ્મરણ કાવ્ય કરતાં ધરે

ન વસ્તુ કદિ શોધ કાવ્યતણું આત્મચિત્તાંતરે

વિશાળ જનતા વિલોક મમતાથી, સંતોષથી

વિસાર નિજ હર્ષશોક, ભૂલી જા નિજાત્મા મથી.

સસ્તી લોકપ્રિયતા માટે તેઓ કદી દોડ્યા નથી. વિચારપ્રધાન અને પરલક્ષી કવિતાનો આગ્રહ રાખવા છતાં ઉત્તમ કાવ્યકૃતિ માટે તેમણે સુસ્પષ્ટ, કલ્પનોત્થ, મધુરસુષ્ઠુ, તેજોમય, હૃદયવેધી અને ભવ્યગંભીર એમ છ વિશેષણો આવશ્યક ગણ્યાં છે તે બતાવી આપે છે કે તેમની કાવ્યભાવના ઉદાત્ત અને સર્વગ્રાહી છે.       

**********

સર્જનક્ષેત્ર : કવિ, વિવેચક, નાટયકાર, ઈતિહાસકાર, અનુવાદક, સંશોધક, સંપાદક… 

કાવ્યસંગહો 

1 ભણકાર ધારા પહેલી અને બીજી (1917 અને 1935)

3. મ્હારાં સોનટ, 1935

4. ભણકાર (સમગ્ર)

5. આપણી કવિતાસમૃદ્ધિ (1931,1939) સંપાદન

પ્રેમનો દિવસ’ 1913

આ ઉપરાંત ગદ્યસાહિત્યમાં અનુવાદો, નાટક, રૂપાંતરિત વાર્તાઓ, વિવેચનસંગ્રહો, જીવનચરિત્ર આદિ મળીને અનેક પુસ્તકો.    

**********

કવિ બળવંતરાય ઠાકોર ‘સેહની’

જન્મ : 23 ઓક્ટોબર 1869, ભરુચ

માતા-પિતા : જમાનાબા કલ્યાણરાય ઠાકોર

જીવનસાથી : ચંદ્રમણી ઠાકોર

સંતાનો : બે પુત્ર અને એક પુત્રી

અવસાન : 2 જાન્યુઆરી 1952 મુંબઈ

કર્મભૂમિ : મહદ અંશે પૂણે. 

OP 23.10.2020

***

Sarla Sutaria

19-07-2021

બળવંતરાય ઠાકોર વિશે જાણીને કવિ પ્રત્યે અહોભાવ થઈ ગયો. કેટલી નિષ્ઠા કવિત્વ પ્રત્યે! 🙏

છબીલભાઈ ત્રિવેદી

19-07-2021

બળવંતરાય ઠાકોર ની ખુબજ રસપ્રદ માહિતી આપી આવા કવિઓ વિશે જાણવા ની ઈંતેજારી કાવ્યવિશ્ર્વ પુરી કરે છે તેનો આનંદ અને ગૌરવ પણ છે આપ ખરેખર અભિનંદન ના અધિકારી છો આભાર લતાબેન

સરલા સુતરિયા

28-10-2020

લતાબહેન, એક વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન કેટકેટલું સર્જન કરી શકે એ વિચારે અહોભાવથી મસ્તક નમાવું છું.
તમે મૂર્ધન્ય કવિ શ્રી બ.ક. ઠાકોર સાહેબની જીવન ઝરમર આલેખી મારા જેવા વાચકોને એમનાથી પરિચિત કર્યાં છે. ખૂબ ધન્યવાદ બેના.

2 Responses

  1. બ. ક. ઠાકોર સાહિત્ય જગત નો અેવો તારલો છે જે સાહિત્ય ના આકાશ મા હમેશા ચમકતો રહેશે કવિ શ્રી ની ચેતના ને પ્રણામ આભાર લતાબેન

  2. કવિ બ.ક. ઠાકોર તો સોનેટથી ખાસ ઓળખાયા. મને પણ એમના સોનેટોએ ધણી પ્રેરણા આપી છે. સ્મૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: