કવિ ઇંદુલાલ ગાંધીના વિખ્યાત કાવ્ય ‘આંધળી માનો કાગળ’ની કહાણી ~ રજનીકુમાર પંડ્યા Indulal Gandhi Rajanikumar Pandya
આંધળી માનો કાગળ
અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત,
પૂનમચંદના પાનિયા આગળ, ડોશી લખાવતી ખત
ગગો એનો મુંબઈ ગામે, ગિગુભાઈ નાગજી નામે.
લખ્ય કે માડી! પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ.
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ!
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગિગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા, રાતે હોટેલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે, પાણી જેમ પૈસા વેરે.
હોટેલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ!
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઈ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહીં તે દી’ પીઉં છું એકલી છાસ,
તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી’ દળણાંપાણી કરતી ઠામેઠામ
આંખ વિનાની આંધળી, હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળી દીવા, મારે અહીં અંધારા પીવા.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માંગવા વારો..
~ ઇન્દુલાલ ફુલચંદ ગાંધી
*****
દીકરાનો જવાબ
ફાટયાં– તૂટ્યા જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત
વાંચી તારાં દુખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.
પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાની મા
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !
ભાણિયો તો માડી, થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ
એક જોડી મારા લૂગડામાં એને આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.
દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ
રાત ને દિવસ રળું તોયે મારું ખાલી ને ખાલી પેટ
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.
જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડિયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.
ભીંસ વધીને ઠેલાંઠેલા, રોજ પડે હડતાળ
શે’રના કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.
કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ
તારાં અંધાપાણી લાકડી થાવાના, મેં લીધા ખચખાણ
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.
*****
જેનો એકનો એક દીકરો મુંબઈ કમાવા ચાલ્યો ગયો છે અને ત્યાં ગયા પછી એના કોઈ વાવડ નથી એવી એક આંધળી ગામડિયણ માતાનો વેદનાનીતર્યો પત્ર ગીતમાં આલેખનારા ગઈ પેઢીના પ્રસિદ્ધ કવિ ઇંદુલાલ ગાંધી અને એ પત્રનો એવો જ વેદનાસભર જવાબ લખનારા કવિ તે પણ ઇંદુલાલ ગાંધી!
મોરબી પાસેના મકનસર ગામમાં જન્મેલા આ કવિ ફક્ત ચાર અંગ્રેજી સુધી અહીં ભણીને પછી બાપ ફૂલચંદભાઈના ધંધાને કારણે નાની ઉંમરથી જ કરાચી જઈને વસેલા ને ત્યાં ભણવાને બદલે એક હોટેલની બહાર પાનબીડીનો ગલ્લો કરીને બેસી જવું પડેલું એમને. આવા કપરા કાળના દિવસોમાં એમની કિશોરાવસ્થા વીતી. છતાં આવા જ દિવસોમાં એમણે આ આંધળી માનો કાગળ જેવા અમર ગીતની રચના કરી. આ ગીત ક્યાંક છપાયું હશે અને એમાં એટલું પ્રચલિત થઈ ગયું કે કરાંચીમાં કોલમ્બિયા રેકર્ડ કંપનીએ કવિની મંજૂરી વગર, કોઈ પાસે ગવડાવીને એની રેકર્ડ બહાર પાડી નાખી ! રેકોર્ડનું સિંધ અને સિંધ બહાર ગુજરાતમાં પણ એનું ધૂમ વેચાણ થયું.
કવિને તો આની ખબર જ નહીં, પણ એક દિવસ પાન પર કાથો-ચૂનો ચોપડતાં ચોપડતાં એમને જ કાને આ રેકર્ડનો શોર પડ્યો. એમના હાથ થંભી ગયા. જેના દરવાજે પોતાનો ગલ્લો હતો એ જ હોટેલના વાજા પર આ ગીત વાગતું હતું! એ વકીલ પાસે દોડ્યા ને વકીલે રેકર્ડ કંપનીને નોટિસ આપી. રેકર્ડ કંપની પાંચ હજાર વળતર આપવા તૈયાર થઈ, પણ કંપનીએ સામો વળતરનો દાવો પેલા ગાયક કલાકાર પર માંડ્યો કે જેણે એ ગીત પોતાનું છે એમ કહીને રેકર્ડ કંપની પાસેથી રૉયલ્ટી લીધેલી. ઇન્દુભાઈને એ તો મંજૂર જ નહોતું કે પેલો ભલે લુચ્ચો રહ્યો, પણ ગરીબ ગાયક કલાકાર દંડાય, એટલે એમણે દાવો પાછો ખેંચી લીધો. ને રૉયલ્ટીના નામે રામનું નામ લીધું. ઊલટાનું ‘આંધળી માનો કાગળ’ના જવાબરૂપે નવું ગીત લખી આપ્યું.
એ પછી ઇન્દુભાઈ સાહિત્યજગતમાં લગભગ ક્ષિતિજ પર જ ચાલ્યા ગયા, પણ રાજકોટની સવાસો વરસ જૂની લેંગ લાઇબ્રેરીના ‘સુરંગ’ નામના સાહિત્ય કાર્યક્રમમાં એ જતા અને થોડા પ્રવૃત્ત રહેતા. 1983ની સાલમાં લેંગ લાઇબ્રેરીએ ‘ઇન્દુલાલ ગાંધીની કવિતા’ નામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના રીડર વિદ્વાન પ્રોફેસર ડૉ. બળવંત જાની પાસે એમની કવિતાનું સંકલન તૈયાર કરાવી બહાર પાડ્યું. માત્ર ચૂંટેલાં સિત્તેરેક જેટલાં ગીત-કાવ્યો, ગઝલો એમાં હતાં. બાકી તો એમના અગિયાર કાવ્યસંગ્રહો, પાંચેક વાર્તાસંગ્રહો અને સાતેક નાટ્યસંગ્રહોનું સમગ્ર સંકલન કોણ બહાર પાડે?
‘ઇન્દુલાલ ગાંધીની કવિતાનું એસ્થેટિક્સ’ નામના એ જ પુસ્તકમાં સંગ્રહાયેલા લેખમાં વિદ્વાન સાહિત્યકાર બળવંત જાનીએ કવિ ઇન્દુલાલ ગાંધીની સાચી આંતરછબિ આલેખી આપી. એ પુસ્તક સાથે થેલી આપીને એમનું સન્માન કર્યું તો જવાબમાં ઇન્દુલાલે સમગ્ર કવિતાના કૉપીરાઇટ લેંગ લાઇબ્રેરીને ધરી દીધા. સ્થળ પર જાણે કે ઋણ ચૂકવ્યું.
~ રજનીકુમાર પંડયા (ટૂંકાવીને)
*****
ખુબ જાણીતી બન્ને રચનાઓ વર્ષો થી ગવાતી સંભળાતી રચના આને તો બસ માણવા ની હોય
શ્રી રજનીકુમારના લેખને ટૂંકાવી આ ફલક પર એમનાં જાણીતા બે કાવ્યોના ઈતિહાસ વિષે જાણીનૂ કવિના ઉદાર ચરિત્રનો પરિચય મળે છે. ધન્યવાદ.
એ સમયનું વતન વિછોહની વેદનાનું કાવ્ય ગણાય. જેને આપણે એ સમયની Diaspora કૃતિ ગણાય.
એક સમયે ભજનિક અબ્રાહમ ભગત આ ગીત ગાતા અને બંને ગીત લોકપ્રિય હતા.
ઘણું જાણવા મળ્યું.
અભરામ ભગત ના અવાજ મા ગીત ખુબ જાણીતુ બન્યું હતુ હરીશભાઈ અે જુની યાદ તાજી કરાવી
વાહ.. આંધળી માનો કાગળ અને પુત્રનો પત્ર બન્ને એકસાથે
વાંચીને હ્રદય વિચારતું થઈ જાય કેમ કે અધુરી વાતો સત્ય સુધી
પહોંચાડે નહીં