ગઝલનો મિજાજ : શકીલ કાદરી
ગઝલનો મિઝાજ – શકીલ કાદરી
આજકાલ ગઝલ સાહિત્યવિવેચનમાં ‘મિઝાજ’ શબ્દ ઠીકઠીક પ્રમાણમાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે. આ શબ્દ અંગે વિદ્વાનોમાં ભારે પરસ્પર વિરોધી મંતવ્યો જોવા મળે છે. ઉર્દૂનો ‘મિઝાજ’ શબ્દ ગુજરાતી ભાષામાં ‘ મિજાજ ‘ રૂપે રૂઢ થયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ‘મિઝાજ’નો સામાન્ય અર્થ સમજયા વિના ‘મિઝાજ’ની ચર્ચા કરવામાં આવી રહી છે, એટલે ‘ગઝલનો મિઝાજ ’ શી ચીજ છે એની સમજ મેળવવા માટે સૌ પ્રથમ તો તેના સામાન્ય અર્થો જાણી લેવા જરૂરી છે. ‘મિઝાજ’ના સામાન્ય અર્થ – Temperament, પ્રકૃતિ, સ્વભાવ કે કોઈપણ વસ્તુ કે પદાર્થનો આંતરિક ગુણવિશેષ – એવા થાય છે. સાહિત્યવિવેચનમાં આપણે કેટલીક પરિભાષા અન્ય વિદ્યાક્ષેત્રો પાસેથી ગ્રહણ કરતા હોઈએ છીએ અને તેનો સાહિત્યવિવેચનના સંદર્ભે વિચાર કરીએ છીએ. એ જ પ્રમાણે ઉર્દૂ વિવેચનમાં ‘મિઝાજ’ સંજ્ઞા વૈદકશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર પાસેથી કરવામાં આવી છે.
સામાન્ય રીતે ગઝલ સાહિત્યવિવેચનમાં જયારે ગઝલના મિઝાજની ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે ‘મિઝાજ’ અવ્યાખ્યેય હોવાનું કહેવામાં આવે છે, પરંતુ વૈદકશાસ્ત્રમાં ઔષધના ગુણ – અસરના સંદર્ભમાં તેની વ્યાખ્યા અપાઈ છે જ, ઔષધશાસ્ત્રમાં દરેક ઔષધનો ગુણ હોય છે, અને તેની અસર પણ. એટલે આ ગુણના સંદર્ભમાં તેનો વૈદક અને ઔષધશાસ્ત્રમાં વિચાર કરાયો છે. દા.ત. અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી એ ચારેયને પોતપોતાના ગુણ છે અને એકબીજાના સંયોજનથી તેમાંથી ત્રીજો ગુણ નિપજવવામાં આવે છે, આ જ વસ્તુ ‘ ગઝલના મિઝાજ’ને પણ લાગુ પાડી શકાય. આમ ‘મિઝાજ ‘ એટલે કોઈ એક પદાર્થ કે વસ્તુના બીજા પદાર્થ સાથે કરવામાં આવતાં સંયોજનથી ઉત્પન્ન થતો ત્રીજો ગુણવિશેષ. આ વાતને તદ્દન સાદા દાખલાથી સમજાવવી હોય તો એમ કહી શકાય કે, પાન, કાથો, ચૂનો એ ત્રણેના જુદા જુદા ગુણ છે, પરંતુ ત્રણેયને એક સાથે મેળવી જયારે કોઈ વ્યક્તિને આપવામાં આવે તો તે ખાવાથી ત્રીજો જ ગુણ પ્રાપ્ત થાય છે, તેનો જુદો જ નવો ‘ટેસ્ટ’ લાગે છે. એ જ રીતે ગઝલનો મિઝાજ પણ કોઈ એક વસ્તુ પર આધાર રાખતો નથી. જેવી રીતે પાનમાં વિભિન્ન વસ્તુ હોવાથી ચાવવાની પ્રક્રિયા દરમિયાન તેનો એક નવો રંગ પ્રાપ્ત થાય છે, એક નવો ‘ટેસ્ટ’ પ્રાપ્ત થાય છે. એ જ રીતે હુસ્ને ખયાલ, મૌસીકીયત, તૈવ૨, નાટકીયતા, શબ્દોની પસંદગી અને તેની જમાવટ, પ્રવાહિતા, સોંસરાપણું અને અર્થની વ્યાપકતા એ બધાંના સુમેળ દ્વારા કોઈ શેઅરને આકર્ષક રીતે અભિવ્યક્ત કરવામાં આવે તો તે શેઅરમાં મિઝાજ અનુભવી શકાય છે.
‘મિઝાજ’ દરેક શેઅરમાં ભિન્ન કે એકસરખો પણ હોઈ શકે પરંતુ જયારે કોઈ એક શાયરની તમામ ગઝલોનો અભ્યાસ કરીએ ત્યારે એ શાયરની ગઝલોનો સરેરાશ મિઝાજ કેવો છે, તે ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. શેઅરમાંની આ અન્ય ખૂબીઓ સાથે જ શાયરની મસ્તી, ખુમારી, ટેક, બેપરવાઈ, મુફલિસીમાં ગર્વભેર જીવવાની ઝંખના, બગાવત વગેરે ભળે તો મિઝાજ વધુ સારી રીતે ખીલી ઉઠે છે. શાયરના મિઝાજ – સ્વભાવ- પ્રકૃતિ સાથે ગઝલનો મિઝાજ બંધબેસતો હોય અને ના પણ હોય. ગઝલના મિઝાજને શાયરની વાસ્તવિક પરિસ્થિતિ, સ્વભાવ સાથે કોઈ નિસ્બત નથી. કોઈ શાયર અત્યંત ધનાઢ્ય હોવા છતાં તે ગરીબાઈમાં જીવન જીવી રહ્યો હોય એવા વિચારો શેઅરમાં વ્યક્ત કરી શકે છે. કોઈ બે શાયરોની ગઝલોમાં એકસરખો મિઝાજ પણ જોઈ શકાય.
કોઈપણ શાયરની ગઝલોને અન્ય શાયરની ગઝલોથી નોખું પાડનાર, તેમજ ગઝલને અન્ય કાવ્યસ્વરૂપોથી અલગ ઓળખ બક્ષનાર તત્ત્વ ‘મિઝાજ’ જ છે. અમૃત ‘ઘાયલ‘ ગઝલનો મિઝાજ ઘડવામાં વિચારસૌન્દર્ય, શબ્દપસંદગી, શબ્દોનું મધુર સંગીત, વિષયવસ્તુની અસર, નિરૂપણરીતિ, શૈલીની નાવીન્યસભર છટા અગત્યનો ભાગ ભજવતા હોવાનું જણાવી – મિઝાજ એટલે ગુણવિશેષ – એ વાતનો સ્વીકાર કરે છે જ. મિઝાજ એકપક્ષી નહીં, ઊભયપક્ષી વ્યાપાર છે, એટલે જ ‘ઘાયલ’ કહે છે : “મિઝાજ માત્ર સર્જક – સાપેક્ષ નથી, બલ્કે ભારોભાર ભાવક – સાપેક્ષ પણ છે.” ચંદ્રકાંત ટોપીવાળાનું મંતવ્ય આનાથી ભિન્ન છે. તેઓ ‘ગઝલના મિઝાજને ‘ ‘ગઝલકારનો મિઝાજ ‘ ગણે છે , પણ આ વાતમાં પૂરેપૂરું તથ્ય નથી. રશીદ મીર નોંધે છે : “ગઝલના મિઝાજનો અહેસાસ તેના મૂળ રંગ તગઝઝુલમાં નિહિત છે.” અહીં રશીદ મીરની સમજ માત્ર તગઝ્ઝુલવાળા શેરમાં જ મિઝાજ હોય એવી છે, જે યોગ્ય નથી કારણ કે મિઝાજ એ ગઝલનો રંગ નથી, પરંતુ રંગથી ભિન્ન વસ્તુ છે, જેને ઘડવામાં બીજાં પરિબળો પણ ભાગ ભજવે છે, જ્યારે તગઝઝુલ તો ગઝલના અનેક રંગોમાંનો એક રંગ છે . ઉર્દૂના એક શાયરનો શેઅર છે :
મેરે લહૂકી કોઈ બુંદ રાયગાં ન ગઈ / મેરે કલમને ગઝલ કો હઝાર રંગ દિયે.
(મારા રક્તનું એકેયે ટીપું વ્યર્થ ગયું નથી. મારી કલમે ગઝલને હજાર રંગ પ્રદાન કર્યાં છે)
આ હજા૨ રંગોમાંનો એક છે, તઝઝુલનો. તગઝઝુલ જ એક માત્ર રંગ નથી. આ રંગ સિવાયની ગઝલોમાં પણ મિઝાજ તો જોવા મળે છે જ. દા.ત. મરીઝનો આ શેઅર :
જિદગીના ૨સને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’ / એક તો ઓછી મદિરા છે ને ગળતું જાય છે.’
અહીં શૃંગાર-પ્રેમરંગ નહીં હોવા છતાં તેનો આગવો મિઝાજ અનુભવાય છે. એ જ રીતે ઘાયલનો આ શે’ર પણ ઉદારણરૂપે ટાંકી શકાય.
પાપકર્મી હું પુણ્ય શું જાણું / પુણ્યશાળી તું પાપ શું જાણે.
રતિલાલ અનિલે ‘ઘાયલ’ની ‘આ પડખું ફર્યો લે’ ગઝલમાં મિઝાજ હોવાનું યોગ્ય રીતે જ નોંધ્યું છે. આ જ ઝમીનમાં લખાયેલી મરીઝની ગઝલનો શેઅર જોઈએ:
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું / મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે
અહીં પણ પ્રેમરંગ નથી છતાં મિઝાજ કેવો ખિલ્યો છે, તે અનુભવી શકાય છે. અહીં ખુમારી છે અને તેને પ્રગટ કરવાની આગવી શૈલી છે. ઉપરાંત ‘લે’ જેવો બોલચાલની ભાષાનો શબ્દ રદીફ તરીકે લેવાયો છે. એટલું જ નહીં, પ્રથમ મિસરાના જુદાજુદા ટોન છે. જે આ શે’રનો મિઝાજ પ્રગટ કરે છે.
૨મેશ પારેખ પણ વિચારસૌન્દર્ય, વર્ણનછટા,સંગીતતત્વ અને આધ્યાત્મિક્તાનો ઉલ્લેખ કરી, “ગઝલમાં મિઝાજના આગ્રહી સજ્જનો અને કવિઓએ પણ આજ સુધી આ મુદ્દા પર કોઈ પ્રકાશ પાડ્યો નથી.” એમ કહે છે ત્યારે મિઝાજ માટે ઉપરોક્ત ખૂબીઓના મહત્વનો સ્વીકાર યોગ્ય રીતે કરતા હોય એમ લાગે છે. ૨તિલાલ અનિલ ‘મર્માળા ઉદ્ગારો’, ‘મર્માળી પ્રતિક્રિયા’ માટેના સાહજિક સ્વયંભૂ શબ્દો’, ‘જાત પ૨ હસી લેવા જેટલી નિખાલસતા’, ઉપરાંત બોલચાલના વાક્યાંશ વગેરેથી મિઝાજ સર્જાય છે, એમ જણાવી મિઝાજને એક ‘વ્યક્તિત્વ’ ગણે છે. તેમણે ઉપરોક્ત જે બાબતોનો ઉલ્લેખ કર્યો છે તેનો ‘અંદાઝે બયાં’માં સમાવેશ થાય છે, એ ભૂલવા જેવું નથી. તાત્પર્ય એ કે, મિઝાજ માટે કોઈ રંગ નહીં, પણ ‘અંદાઝે બયાં’ સહિતની ખૂબીઓ મહત્ત્વની છે. ચિનુ મોદી જ્યારે, “વિચાર નહીં, પરંતુ વિચારને રજૂ કરવાની જે રીત છે એ રીતમાં ગઝલનો મિઝાજ સમાયેલો છે.” એમ કહે છે ત્યારે ‘વિચારને ૨જૂ કરવાની રીત’ એ શબ્દો ‘અંદાઝે બયાં’ના જ દ્યોતક બને છે. ચિનુ મોદીએ ‘મિઝાજ’ અને ‘અંદાઝે બયાં’ની સેળભેળ કરી નાંખી છે.
મિઝાજ વિશેની જયેન્દ્ર શેખડીવાળાની સમજ વધુ વ્યવસ્થિત છે તેઓ મિઝાજને ‘ત્રિસ્તરીય પ્રવર્તન’ કહે છે, તે તદ્દન યોગ્ય છે. ઘાયલની જેમ તેઓ પણ મિઝાજને ‘ગઝલની ગઝલ તરીકે ઓળખ રચી આપતો કેન્દ્રસ્થ વાયવી ગુણ ‘ કહીને મિઝાજને રતિલાલ અનિલની જેમ ‘ગઝલનું વ્યક્તિત્વ’ કહે છે. અત્રે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉર્દૂ ભાષામાં મિઝાજ શબ્દનો માનવીના ગુણ, નેચર કે ટેમ્પરામેન્ટના સંદર્ભે વિચાર કરવામાં આવે છે. દા.ત. કોઈ વ્યક્તિનો તામસી સ્વભાવ હોય તો ‘ઉસકા મિઝાજ તેઝ હૈ’ એવો શબ્દ પ્રયોગ કરાય છે. આમ, મિઝાજ એ આંતરિક વ્યક્તિત્વને લાગુ પડાય છે.
અન્ય વિદ્વાનોની જેમ જયેન્દ્ર શેખડીવાળા પણ ગઝલ માટે અભિવ્યક્તિ રીતિ (અંદાઝે બયાં) ના મહત્ત્વનો સ્વીકાર કરતાં મિઝાજ વિશે લખે છે : “અભિવ્યક્તિ / નિરૂપણરીતિનાં પેટાળો સુધી તેનાં મૂળ ફેલાયેલા અનુભવાય છે.” મિઝાજ કેવી રીતે અનુભવાય છે તેની સમજૂતી આપતાં તેઓ લખે છે : “સર્જકના ચિત્તમાં જે બિંદુએથી ગઝલ ઉદ્ભવે છે અને ભાવકના ચિત્તમાં જે બિંદુએથી સ્ફોટ (ચોટ) રચે છે, એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ‘ મિઝાજ’નું ત્રિસ્તરીય પ્રવર્તન થાય છે (૧) સર્જકના સંવિદમાં પડેલું સૃષ્ટિની રચનાપ્રતિ આઘાત પામેલા હૃદયનું ભાવવિશ્વ (૨) ગઝલ સ્વરૂપમાં જુદાં જુદાં અંગોનો અન્વય રચી ચોટ સાધતાં સમર્થ ભાષાતંત્ર સર્જતા Unifying force રૂપે, અને (૩) ભાવકના ચિત્તમાં સ્ફોટનું સંક્રમણ સાધતી અવસ્થા.” આટલું કહ્યાં બાદ તેઓ એવું તારણ તારવે છે કે “મિજાજ એટલે સર્જકના ભાવ અને ચિત્તતંત્રમાં પ્રકટેલા આઘાતનું ચમત્કૃતિજન્ય પ્રત્યાયન.” પરંતુ આ તારણમાં ‘મિઝાજ’ ને સર્જકના ચિત્તતંત્રમાં પ્રકટેલા આઘાતનું ચમત્કૃતિજન્ય પ્રત્યાયન એવી માન્યતામાં સીમિત ક૨વામાં આવ્યું છે, પરંતુ વાસ્તવમાં માત્ર આઘાત જ નહીં, કોઈપણ ભાવ કે લાગણી સર્જકના ચિત્તતંત્રમાં જન્મી શકે અને જો એમાં અભિવ્યક્તિ રીતિ, શબ્દપસંદગી, વિચારસૌન્દર્ય, સંગીતતત્ત્વ, નાટકીયતા, તેવર, બોલચાલના વાક્યાંશો, મસ્તી, ખુમારી, બેપરવાઈ, બગાવત, મર્માળી પ્રતિક્રિયા, મર્મળા ઉદ્દગારો વગેરેનો સુયોગ્ય વિનિયોગ કરાયો હોય, તો ભાવકપક્ષે એવા શેઅરના પ્રત્યાયનથી મિઝાજ અનુભવી શકાય. આમ, મિઝાજ આ બધાં પર નિર્ભર છે, અને તે માટે જરૂરી છે ભાવક-સર્જકની સજ્જતા. જેમાં મિઝાજ જોવા મળતો હોય એવા થોડા શેઅર જોઈએ :
સહેલાઈથી મળતી નથી ગઝલોને યુવાની / માથાંનાં બધા વાળ ખરી જાય છે ભઈલા. – અઝીઝ કાદરી
નૂરથી ભરપૂર આંખોવાળા માનવ! આમ આવ / દ્રષ્ટિ છે તો અંધની સાથે જરા દ્રષ્ટિ મિલાવ – અમીન આઝાદ
કમજોરથી અમે નથી કરતા મુકાબલો / કોણે કહ્યું કે મોતથી પંજો લડાવશું. – શૂન્ય પાલનપુરી
મિત્રોની મહેરબાની તમાશો બની ગઈ, / મોંઘી પડી છે એમની થોડી દયા મને. – રાઝ નવસારવી
OP 17.10.22
***
આભાર
05-11-2022
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર લલિતભાઈ અને સૌ મુલાકાતીઓ.
Lalit Trivedi
17-10-2022
સરસ નિરૂપણ…. શકીલભાઈ
પ્રા. શકીલ કાદરી સાહેબ ગઝલ વિષેના સંપૂર્ણ જ્ઞાતા છે. મને પણ એમના લેખોનો લાભ અવારનવાર મળતો રહ્યો છે. નમસ્કાર.
શકીલભાઈના અગાધ જ્ઞાનસાગરની કેટલીક બુંદ.,..
વાહ… સાચે જ મજા આવી…
આભાર