જયંત પાઠક ~ થોડો વગડાનો * આસ્વાદ : રવીન્દ્ર પારેખ * Jayant Pathak * Raveendra Parekh

થોડો વગડાનો શ્વાસ ~ જયંત પાઠક 

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારાં પીળાં પતંગિયાં ને અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં, થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

~ જયંત પાઠક

“થોડો વગડાનો શ્વાસપૂરોમાણીએ.રવીન્દ્રપારેખ

જયન્તભાઈનું યોગદાન મુખ્યત્વે નિબંધકાર તરીકે “વનાંચલ”માં અને કવિ તરીકે “સર્ગ”, “વિસ્મય”,“અંતરિક્ષ”, “અનુનય” જેવા કાવ્યસંગ્રહોમાં. મૂળે તો એમની પ્રકૃતિ જ વ(ત)નની છે.  છેલ્લે છેલ્લે તો એમની કવિતાને ભગવો રંગ પણ ચડેલો, પણ મૂળે એ (વતન)વિરહના કવિ છે. કવિનું વતન પંચમહાલનું ગોઠ ગામ. અહીનું વન એ જ એમનું મન છે. વતન છૂટે છે એ સાથે જ તે મનમાં વિકસે છે. સુરતમાં લાંબો સમય વસવાનું બને છે, પણ અહીંનો વૈભવ પેલાં વનને ભૂંસી શકતો નથી. વતનનાં સ્મરણો અને નગરનાં સ્વપ્નો વચ્ચે વહેંચાવાનું થાય છે. કહે છે:

“હું જીવું છું અર્ધો સ્મરણ મહીં, અર્ધો સપનમાં.”

કાવ્ય પ્રકારો બદલાયા છે તે સાથે કાવ્યમાં વતનની આભા પણ બદલાતી રહી છે. એમાં પણ સોનેટ કે અછાંદસમાં નાગરી સભ્યતા ભળે છે, પણ આ ગીતમાં કવિ, કવિ રહીને પણ પોતાનો મૂળ વનવાસી દેહ છતો કરી દે છે. નગરમાં શ્વસવા છતાં આ ગીતમાં કવિ પર વગડો હાવિ થઈ જાય છે.

શીર્ષક તો “વગડાનો શ્વાસ” રખાય છે, પણ પંક્તિમાં ઠાવકાઈ ભળે છે એટલે “થોડો” આગળ નીકળી આવે છે ને કવિ કહે છે, “થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.“  એવી કાળજી શરુમાં રાખવામાં આવી છે કે નાગરી શ્વાસોની ઠાવકાઈ જળવાઈ રહે, પણ શ્વાસમાં “થોડો વગડાનો શ્વાસ“ આવી જ ભળે છે. આ “થોડો” કવિ સંકોચથી કહેતા હોય એવું લાગે છે. પોતાને પૂરો વનવાસી કહી દેવાથી કોઈ ઉપેક્ષા કરશે એવો ડર કદાચ મનમાં પડેલો છે, એટલે સંસ્કારથી ધન્યતાનો અનુભવ કરતી વખતે થોડા “વન્ય” રહી શકવાનો  આનંદ કવિ આમ પ્રગટ કરે છે:

આનંદ છે : સંસ્કારથી હું ધન્ય,

આનંદ છે : થોડો રહ્યો છું વન્ય.

બને છે એવું કે ઠાવકાઈથી કહેવા બેઠેલા કવિથી પછી કહેવાતું નથી, કબૂલાય છે. કબૂલાય છે કે મારા પિંડમાં માનવ હાડ નથી, પણ પહાડોનાં હાડ છે. નાડીમાં લોહી નહીં, પણ “નાનેરી નદીઓનાં નીર” વહે છે. ધીમે ધીમે કવિમાં માનવ અંગોને બદલે પ્રકૃતિ ગોઠવાતી જાય છે. છાતીમાં બુલબુલનો માળો આવી વસે છે ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર ગોઠવાઈ જાય છે. કવિને માનવ દેહ ને સંવેદન તો મળેલાં જ છે, પણ એનું રોમેરોમ ઘાસ બનવાને બદલે ઘાસમાં જ રોમ ફરકતાં હોવાનું અનુભવે છે.

એમ લાગે છે કે કવિની પ્રકૃતિ મનુષ્યની ન રહેતાં મનુષ્ય જ પ્રકૃતિ બનવા લાગે છે. સાચું તો એ છે કે કવિના પ્રકૃતિ અવતારનું આ ગીત છે. પ્રકૃતિ આત્મસાત ન થાય તો આ અવતાર કૃત્ય શક્ય નથી. કેવી રીતે રચાય છે આ વનાવતાર? જોઈએ-

બીજા બંધમાં કવિ કહે છે, “સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ”, ને એનાં મૂળ “પીએ માટીની ગંધ” ! કવિ વન બને તો જ એનાં પાન સૂરજનો રંગ પી શકે કે એનાં મૂળ માટીની ગંધ શોષી શકે. એનું અડધું અંગ પીળાં પતંગિયાંનું છે. સૂરજનો રંગ પીધો હોય તો સોનેરી પીળાશ તો ઊતરવાની જ ને ! પણ સદા સુવર્ણકાળ તો

કોનો હોય? અંધકાર પણ હોવાનો જ ને વનમાં તો તમરાં જ અંધકારનું રૂપ હોવાના ! એ ન હોય તો અંધકારને અવાજ પણ ક્યાંથી હોવાનો હતો? કવિનું અડધું અંગ પતંગિયાંનું છે ને તેનું અરધું કુળ અંધકારનું છે, તમરાંનું છે. યાદ રહે, અડધું અંગ પતંગિયાનું નથી, પતંગિયાંનું છે, એમ જ અરધું કુળ તમરાનું નથી, તમરાંનું છે. એ પરથી પણ કવિના સકળ કુળ,મૂળનો ખ્યાલ આવશે. કવિ થોડું થોડું કરતાં અત્રતત્ર સર્વત્ર ફેલાતા જાય છે. તે અંધકારમાં છે, તો ઉજાસમાં પણ છે. એ પછી ધ્રુવપંક્તિ “થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં “, આગલા બંધની

જેમ અહીં આવી શકી હોત ને ગીત પૂરું થયું હોત, પણ તેમ ન કરતાં કવિએ એક પંક્તિ વધારાની મૂકી:

“થોડો ધરતીમાં, થોડો આકાશમાં.”

ને આ પંક્તિએ કવિનો વનાવતાર ધરતી પૂરતો સીમિત ન રાખતાં આકાશ સુધી વિસ્તારીને તેને જુદું જ પરિમાણ આપ્યું.

આમ તો કવિએ વગડાનો શ્વાસ, તેય થોડો,પોતાના શ્વાસમાં છે એવી શરૂઆત કરી ને પછી પોતાના વન્ય દેહનો પરિચય આપવાનું શરૂ કર્યું. તેનાં હાડ પહાડનાં છે, રક્ત- નદીઓનાં નીરનું છે, આંગળીઓમાં આદિવાસીનું તીર છે, છાતીમાં બુલબુલનો માળો છે, અંગ પતંગિયાંનું તો કુળ તમરાંનું છે. એમ બધું ઉમેરતાં જઈને વગડો પોતાનામાં વિસ્તર્યો છે એમ કહે છે ને પછી તો વગડાનો શ્વાસ જ નહીં, વગડો જ પોતે છે એવું સ્થાપે છે ને આ વિસ્તાર ધરતી પૂરતો સીમિત ન રહેતાં આકાશનેય વ્યાપી વળે છે. આમ જરા બારીકાઈથી જોઈશું તો પ્રકૃતિ અને પુરુષ અહીં અભિન્નત્વ ધારણ કરે છે ને આખા ગીતમાં છેવટે તો  પ્રકૃતિ જ પુરુષ બની રહે છે.

કોઈ કવિનું ગીતમાં આવું “કુદરતી” રૂપાંતર મારી જાણમાં તો પહેલું અને એક જ છે. આ ગીત માણતાં એવું નથી લાગતું કે વગડાનો શ્વાસ આપણામાં પણ ઊંડે ઊતરી રહ્યો છે?

www.kavyavishva.com 

મૂળ પોસ્ટિંગ 6.12.2021

1 Response

  1. સરસ કાવ્યનો એવો જ સરસ અનુવાદ 👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: