લતા હિરાણી ~ વહાલનું * રાધેશ્યામ શર્મા * Lata Hirani

મારી અંદર વસે છે

એક સુકુંભઠ્ઠ ગામ

એની ખરબચડી શેરીઓમાં

હું સતત પડું આખડું

ને લોહી ઝાણ થાઉં

રેતીની ડમરીમાં અટવાય

ઓશિયાળું હાસ્ય

વહાલનું એકાદ વાદળ

કણસતી નસોને જડે

તો ચસચસ ચાટું

મને વીટળાઇ વળે છે

એક ઘનઘોર ઇચ્છા

આખાયે ગામને ઉલેચી

નાખી દઉં ઊંડી ખીણમાં ?

તો થઇ શકું કદાચ

સુંવાળું આભ.

~ લતા હિરાણી

આસ્વાદ ~ રાધેશ્યામ શર્મા

વ્યક્તિની બહાર તો આખું જગત, પૂરો સંસાર વિસ્તરેલો છે. બહાર તો બ્રહ્માંડ છે. સમસ્ત. પણ પિડમાં શું છે ? એક પ્રચલિત ઉક્તિ છે. પિડે તે બ્રહ્માંડે. પિંડમાં બ્રહ્માંડ. બ્રહ્માંડ તો, આમ સૂક્ષ્મતાથી જોતાં એક બૃહદ વિરાટ અવકાશ છે. જ્યારે પિંડમાં સંવેદનની સંકુળતા, સૂક્ષ્મતા અને વૈયક્તિક્તા છે. સ્પેસ તો છે જ પણ સ્પેસયાત્રી વ્યક્તિની સબજેકટિવિટી છે ! અધ્યાત્મમાં અને કવિતા આદિ કલાઓમાં મનુષ્યની આત્મલક્ષી અભિવ્યક્તિ અને એ પૂર્વે, પ્રાપ્ત અનુભૂતિનો મહિમા છે.

આ શીર્ષકશુન્ય કૃતિમાં કાવ્યનાયકના ઉદ્ગારમાં એના નિવાસ ક્યાં છે, અથવા વધુ સાચું તો એનામાં શું શું વસી ગ્રસી રહ્યું છે એનો ગ્રાફ છે.

પ્રારંભની પંક્તિમાં સીધું સોંસરું નિવેદન છે. મારી અંદર વસે છે. એક ગામ, પણ એવા ગામને કયા વિશેષણથી  નવાજ્યું છે ? ‘સૂકુંભઠ્ઠ’ ગામ ‘ડ્રાય’ (ડેઝર્ટેડ) વિલેજ॰

અહીં ‘ગુડી ગુડી’ સુષ્ઠુ સુષ્ઠુ વ્યતીતરાગ નથી, નોસ્ટાજિયા ખરો પણ રોમાંટિક ઉત્પાત (ઉધામા) વગરનો.

માટે શૅરીઓને સુઘડ, સુંવાળી વર્ણવવાને બદલે ખરબચડી(ખદડ ખાદી જેવી ) શેરીઓ કહી.  શેરીઓ આવી હોવા છતાં પસંદગી નીરખો ‘હું સતત પડું આખડું ને લોહીઝાણ થાઉં.’ ગામ સુક્કુભઠ છે એટલે સ્વાભાવિક છે. એની શેરીગલીઓ ઉબડખાબડ ખરબચડી હોય. એમાં સ્વેચ્છાએ મનોમન જાય છે ત્યારે તે પડે આખડે ને લોહીલુહાણ થાય છે.

નાયકમાં, મનોવૈજ્ઞાનિકો કદાચ આત્મપીડક રેખા શોધી દેખાડે પણ અહીં એ પ્રસ્તુત છે. અનુગામી કડીઓ : ‘રેતીની ડમરીમાં અટવાય ઓશિયાળું હાસ્ય.’ શુષ્ક જનપદમાં સડક તો છે નહીં, રેતીની ડમરીઓ ઊડે ઊડે તે કુદરતી, પણ ભાવની વિલક્ષણતા અહીં છે. ‘અટવાય ઓશિયાળું હાસ્ય’ ડમરીમાં અટવાયું છે તે સામાન્ય હાસ્ય નથી, ઓશિયાળું છે, ભોંઠપભર્યું છે. ‘ઓશિયાળું’ શબ્દ સૂચક છે. ગામનો કોઇ અજ્ઞાત ઉપકાર એવો છે કે પ્રતિસાદ નાયિકા નથી આપી શકી એનો ‘ગિલ્ટ’ – અપરાધબોધ પણ દમિત હાસ્ય સાથે ગૂંથાઇ ગુંચવાયો છે ! એથી વિશેષ –

વહાલનું એકાદ વાદળ કણસતી નસોને જડે તો ચસ ચસ ચાટું

નાયક કણસતી નસો સાથે પોતાની ચેતનામાં ઘૂમી રહ્યો છે. એની પ્રેમ માટેની તીવ્ર તૃષા એટલી પ્રબળ છે કે વાછડું ગાયના આંચળને ચોંટી પડી ચાટે એમને છટકિયાળ વાદળને પણ ચસચસ ચાટે એમ છે !

મગર વો દિન કહાં… ? વહાલનું વાદળ શોધ્યું હશે પણ મળ્યું લાગતું નથી, તેથી એને એક ઘનધોર ઇચ્છા ઘેરી વળે છે. ‘ઘનઘોર’ શબ્દનો વિનિયોગ પ્રશસ્ય છે. ભાવકને આ ક્ષણે ઘનઘેર ઘટા સાંભરે, એમાં અહીં તો વાદળ વરસ્યું નથી. નાયકની તરસ પણ ગામ જેવી સુક્કીભઠ રહી ગઇ. નાયક યા નાયિકાની નૈરાશ્યઘેરી ઇચ્છા અંતમાં પરાકાષ્ઠાએ પહોંચી છે :

આખાયે ગામને ઉલેચી નાખી દઉં ખીણમાં તો થઈ શકું  કદાચ સુંવાળું આભ..

છેવટ સુધી સુક્કાભઠ પુરવાર થયેલા ગામ સામેનો રોષ, ગામને પાણીની જેમ સમૂળ ઉલેચી ઉખેડી ખીણમાં નાખી દેવાથી શાન્ત થશે એવા પ્રશ્ને પરવરી, અંતમાં ગમતો વિકલ્પ રજૂ કરે છે, તો થઇ શકું કદાચ સુવાળું આકાશ’

આવી વિશિષ્ટ રચના માટે કવયિત્રી લતા હિરાણીને હાર્દિક અભિનંદન. લતાએ જુદા જ સંદર્ભમાં વેરાન ગામડું એવું પ્રત્યક્ષ કરી આપ્યું કે ટી. એસ. એલિયટનું ‘વેસ્ટ લેન્ડ’ સાંભરી આવે.

સામાન્ય રીતે તો ગામને મીઠડું ચિત્રિત કરવાની લોભ લેખકો રાખતા હોય છે, જ્યારે અહીં હિરાણીએ શુદ્ધ ભાવે વહાલની અણીએ અક્ષમ્ય અસહાય આલેખી એમની કલમનું હીર પ્રગટ કર્યું છે.

પ્રકાશિત (લોકસત્તા-જનસત્તા 21 નવેમ્બર 2007) 

(કૉલમ ~ શબ્દોના એકાંત)

www.kavyavishva.com

મૂળ પોસ્ટિંગ 30.11.2021

1 Response

  1. ગામ છોડ્યાં પછીયે ગામની માયા ભૂલાતી નથી. મારાં સ્મરણમાં પણ સતત રહે જ છે મારું ગામ. ❤️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: