સંજુ વાળા ~ મનમોજી * રમણીક સોમેશ્વર * Sanju Vala * Ramnik Someshwar

મનમોજી~સંજુવાળા

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી
જૂઈ મોગરા પહેરી-બાંધી
ભરી બજારે નીકળવામાં શું લાગે બટટૉજી?

કરું વાયરા સાથે વાતો, ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચું
કિયા ગુનાના આળ, કહો ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું?
તે એને કાં સાચી માની, વા-વેગે જે વહેતી આવી અફવા રોજબરોજી
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી……. 

મંદિરના પ્રાંગણમાં ભીના વાળ લઈને નીકળવાની બાબત
રામધૂનમાં લીન જનો પર ત્રાટકતી કોઈ ખુશ્બુ નામે આફત
સાંજે બાગ-બગીચે નવરાધૂપ બેસતા નિવૃત્તોની, હું એક જ દિલસોજી,
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી…..

અલ્લડતા અને આવારગીનીગત્યાત્મકઅભિવ્યક્તિ ~ રમણીકસોમેશ્વર

જુઓ, આ કેવો યોગાનુયોગ! શિયાળાની સવારે મારા ઓરડામાં આંખો મીંચી કૌશિકી ચક્રવર્તીની સ્વર-ધારા ઝીલતો બેઠો છું. મીરાંની મસ્તી એમાં રેલાય છે. એ ગુંજનો કેફ હજી ઊતર્યો નથી, ત્યાં કવિ સંજુ વાળાનું આ ગીત હાઉક કરતું મારી સામે આવી જાય છે જાણે મીરાં અને ગોપી એકરૂપ થઈ જાય છે. રાગ અને વિતરાગના સીમાડા એકબીજામાં ઓગળી જાય છે. કલંદરાના મસ્તીનું એ મોજું મારી આસપાસ ફરી વળે છે. શબ્દોને જોતો જોતો હું ક્ષણભર શબ્દોમાંથી બહાર નીકળી જાઉં છું. હા, આ તો થઈ મારા ભાવપ્રદેશની વાત. પણ હવે આપણે કવિતાના ભાવપ્રદેશમાં પ્રવેશીએ.

ગુંજારવ એ ગીતનો ધર્મ છે. ગીત સામે આવે એટલે પહેલાં તો ધ્વનિરૂપે આવે. આંખ શબ્દોને જુએ ન જુએ ત્યાં કાનને રસ્તે એ કંઠમાં પેસી જાય, હોઠ પર બેસે અને હૈયામાં ઊતરી જાય. ગીતની આ ઓળખ. એટલે જ કદાચ મેક્સિકન ભાષાના લોકગીતમાં કહેવાયું હશે: ‘SONG Has The Longest Life’ – ગીતની આવરદા સૌથી લાંબી – તો, ધીમે સાદે કંઠ અને હોઠથી ઝીલું છું આ ગીતના મુખડાને.

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી

કેવો તોરીલો ઉઘાડ! અને એમાં ભળ્યો મ’કારનો મસ્તીભર્યો રણકો. મૌજેબહારનો છડીદાર જાણે ! આમ પણ મુખડું એ તો ગીતકવિને સાંપડેલી સંપદા, દત્ત – દીધેલી, અશાતમાંથી અવતરેલી પંક્તિ. પછી એના ભાવ-સંવેદનને સંકોરતાં સંકોરતાં કવિએ ગીતનો પિંડ બાંધવાનો રહે. શીર્ષક તો કદાચ સાવ છેલ્લે આવે (બાળકના જન્મ પછી જ નામકરણ થાય ને!) આપણે જોઈએ આ ગીતના અંતરાના અવતરણને. – તો ચાલો હવે.

જૂઈ, મોગરા અને ભીના વાળની સુગંધ પ્રસારીને કવિ મોજ-મસ્તીભરી રમણા કરતી એક અલ્લડ કિશોરીની આકૃતિ તો આપણા મનના આભલામાં રચી જ આપે છે અને એનો ઠસ્સો તો પહેલી જ પંક્તિથી આપણે પામી જઈએ છીએ.

કોણ જાણે કેમ આ ગીત વાંચતાં વાંચતાં મને અમેરિકાનો અલગારી કવિ એલન જિન્સબર્ગ યાદ આવી જાય છે. એ કહેતો: “Follow Your Inner Moonlight; Don’t Hide The Madness.” (તમારા ભીતરની ચાંદનીને અનુસરો, આવારગીને સંતાડો નહીં) તો, આ કન્યા પણ ઉઘાડે છોગ જૂઈ-મોગરાની માફક સુગંધને ફેલાવતી ભરી બજારે નીકળી પડી છે. શાણો સમાજ એ શેં સાખે ? પણ મજા જુઓ, આ નાયિકા કહે છે, ‘જૂઈ-મોગરા પહેરી-બાંધી’ – સુગંધને એણે વસ્રની જેમ પહેરી છે અને બાંધી છે. સુગંધે એને નથી બાંધી. એટલે તો એ બાપોકાર ભરી બજારે નીકળી શકે છે, જાણે કહેતી ન હોય! –

અબ તો બાત ફૈલ ચલી, હોની હો સો હોઈ…

જાણે એ મીરાં, રાબિયા કે લલ્લેશ્વરીના કુળની ન હોય! એને બટ્ટા-સટ્ટાની કોઈ પરવા નથી, કારણ એ તો મસ્ત મિજાજી મોજી’ છે. મન મગન થયું પછી શાની તમા!

વાયરા સાથે વાતો કરતી અને અંગાંગના હિલ્લોળે હીંચતી આ નાયિકાનાં ચરણ ધરતી પર નર્તન કરે છે અને મસ્તક આકાશી ઊંચાઈઓને આંબે છે, પણ ડહાપણની દુનિયાને મન આ દીવાનગી એ તો ગુનો. અરે ભાઈ, અમારી અનોખી ભાળ ૫૨ તમે આળ ચડાવો, અમારા રણઝણતા ઠેકામાં તમે લપસતો પગ ભાળો એ તો તમારી નજરુંનો વાંક – અમારે એમાં નીચાજોણું નહીં. તમે અફવાના માણસ; અમે ઘટનાના માણસ. બાકી તો જેવી જેની મોજ! પલટૂદાસ કહે છે ને –

મન મેં તરાજૂ મનમેં હી સેર પલટૂદાસ સબ મન કા ફેર

‘સાહિત્યચિંતન’ નામના ગ્રંથમાં શ્રી સુન્દરમ્ ગીતના સ્વરૂપ વિશે બહુ વિગતે, ચિંત્ય લેખ કર્યો છે. ગીતને તેઓ ‘કવિતા અને સંગીતના સહિયારા સીમાડા પર ઊગેલો છોડ’ કહે છે. તેઓ કહે છે: “ગીતનાં ત્રણ મુખ્ય અંગો છે – તેનો શબ્દદેહ, તેનો રસપુદ્ગલ અને વિષયનિરૂપણ. ગીતનું ગીતતત્ત્વ રહ્યું છે વિષયનિરૂપણની તેની વિશિષ્ટ રીતિમાં…” સંજુ વાળાનાં ગીતો પણ તેમની વિષયનિરૂપણની વિશિષ્ટ રીતિને કારણે વારંવાર આપણું ધ્યાન ખેંચતાં રહ્યાં છે. જુઓ, આપણા આ ગીતમાં પણ કવિ આગવી નિરૂપણરીતિ દ્વારા ક્યાંક પ્રચ્છન્ન રીતે તો ક્યાંક પ્રકટ રૂપે અણબોટ મસ્તી અને બેતમા મિજાજની પળોને વહેતી કરે છે.

મનના મંદિરિયામાં ધૂપસળી – શી પામરતી નાયિકા લૌકિક મંદિરના પ્રાંગણમાં આવી પહોંચે છે – ભીના વાળ લઈને – સઘ સ્નાત, ભીનેવાન, અને એ ઘટના જ બેબાકળા કરી મૂકે છે પેલા રામધૂનના શુકપાઠમાં રોકાયેલા જનોને. મંદિરના પ્રાંગણથી બાગ-બગીચાના બાંકડા સુધી કવિ ખુશ્બુની આ લહે૨ખીને લઈ જાય છે અને સાદ્યંત સંકેતોમાં વહેતી કવિની વાણી પ્રાસાનુપ્રાસે નિવૃત્તોની દિલસોજીની વાતે જરા બોલકી બની જતી અનુભવાય છે.

પરંતુ ભાઈ, મૂળ વાત એટલી કે, ‘અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી” મોજ પડી જાય છે. ગીત વાંચતાં એના લય-હિલ્લોળમાં ઝૂમતાં, અલ્લડતા અને આવારગીની આ ગત્યાત્મક અભિવ્યક્તિ આપણા ચિત્તમાં પ્રસન્નતાની લહેરખી અંકિત કરી જાય છે.

ગ્રીકના જાણીતા સર્જક નિકોસ કઝાન્તઝાકિસની એક વાત આ ક્ષણે મને યાદ આવી જાય છે. એ કહે છેઃ

“બદામના વૃક્ષને મેં કહ્યું કે મને ઈશ્વર વિશે કંઈક કહે. અને બદામનું વૃક્ષ મહોરી ઊઠ્યું !”

(I said to the almond tree: ‘Speak to me of god’. And the almond tree blossomed. – Nikos kazantzakis)

– કવિતા કશું કહેતી નથી. એ તો બસ મહોરે છે.

www.kavyavishva.com

મૂળ પોસ્ટિંગ 22.11.2021

1 Response

  1. Kirtichandra Shah says:

    સંજુ વાળા અને રમણીક સોનેશ્વર બને જબરjast છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: