ચિનુ મોદી : ગુજરાતી સાહિત્યનાં ઉપવનનું પમરાટભર્યું પુષ્પ!

ચિનુ મોદી : ગુજરાતી સાહિત્યનાં ઉપવનનું પમરાટભર્યું પુષ્પ!
ઠાઠ, ભભકા એ જ છે ‘ઇર્શાદ‘ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.
આવા અનેક ઉમદા શેરના સર્જક કવિ ચિનુ મોદી……
પિતાનો વિચાર એવો કે પુત્ર IAS અધિકારી બને તો ઉત્તમ. આ માટે પિતા પુત્રને એ રીતે જ ભણાવીને તેની તૈયારીમાં લાગી જવાનો આગ્રહ પણ કરતા. પરંતુ પિતાની એ બધી ગણતરીઓને ઊંધી વાળીને પુત્ર બની ગયો ગુજરાતી ભાષા-સાહિત્યનો અધ્યાપક. પછી તો એ અધ્યયનશીલ અધ્યાપક ઉપરાંત કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટયકાર, વિવેચક અને સંપાદક તરીકે પણ સુ-ખ્યાત થયા. નામ એનું ચિનુ મોદી.
સર્જક ચિનુ મોદી મૂળતઃ કવિજીવ છે. કવિતામાં એ વધુ ખુલતા અને ખીલતા જણાય છે. કવિતા એમનો પ્રથમ અને પરમ પ્રેમ છે. કવિની સર્જનયાત્રાની શરૂઆત કંઈક આમ થઈ.
ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલીના કાવ્યો વાંચીને તેઓ પ્રભાવિત થયા ને આ જ શૈલીમાં તેમણે જવાહરલાલ પર એક કાવ્ય રચ્યું. શ્રી નિરંજન ભગત સાહેબને તેમણે આ રચના બતાવી. ભગતસાહેબ એ વાંચીને કવિને કહે, “જવાહરલાલ તને ઓળખે?” આ કટાક્ષ કવિ સમજી શકે એમ હતા. ભગતસાહેબે એમને તરત દિશા ચીંધતા કહ્યું, “તને આ ઉંમરે જે થાય એની કવિતા લખ અને છંદમાં લખ.”
એ વખતે કવિની ઉંમર સોળ વરસની, મુગ્ધાવસ્થા! તરત કવિએ પ્રણયોદગાર રચ્યા,
‘અંતર મારું એકલવાયું, કોને ઝંખે આજ / કામણ કોનાં થઈ ગયાં કે ના સૂઝે રે કાજ.’
ફરી કવિ ભગતસાહેબને બતાવવા ગયા. તેમને કવિની લયસૂઝ અને પ્રાસરચના ગમી. આગે બઢોની સૂચના મળી અને કવિ ઉત્સાહિત થઈ ગયા. જો કે તેમના આ પ્રથમ પ્રેમગીતને ‘વિશ્વમંગલ’ સામયિકે ‘ભક્તિકાવ્ય’ તરીકે છાપી દીધું!! સ્વાભાવિક છે કે આ ઘટના કવિ કેમ ભૂલે!!
બાવીસ જેટલાં વૈવિધ્યસભર કાવ્યસંગ્રહો એમની કાવ્યપ્રીતિને ઉજાગર કરે છે. મુક્તક /દોહરો /આખ્યાન /ખંડકાવ્ય /સોનેટ /ગીત /છાંદસ /અછાંદસ અને ગઝલ : આ બધાં કાવ્યસ્વરૂપોમાં ચિનુભાઈની કલમ યથેચ્છ વિહરતી રહી અને અઢળક રમણીય/સ્મરણીય કવિતાઓ આપણને સાંપડતી રહી. ‘ક્ષણિકા’ અને ‘તસ્બી’ પ્રકારની એમની પ્રયોગશીલ કવિતાએ વિવેચકોને આકર્ષ્યા છે.
પ્રારંભિક સંગ્રહ ‘વાતાયન’ની કવિતાઓ બહુધા અનુગાંધીન યુગની સૌન્દર્યાનુરાગી કવિતાને અનુસરતી રહી. પરંતુ ‘રે મઠ’ ના કવિમિત્રોના સંસર્ગમાં આવ્યા બાદ ચિનુભાઈની કવિતા આધુનિકતાના વાઘા પહેરીને આવતી જણાય છે. ‘બાહુક /વિ-નાયક /કાલાખ્યાન’ એ ચિનુભાઈની પ્રશિષ્ટ, સુદીર્ઘ, આધુનિક કવિતા-ત્રયી છે, જેમાં પ્રતીક, કલ્પન, પુરાકલ્પનનો નવોન્મેષપૂર્ણ, તાજગીસભર વિનિયોગ અ-પૂર્વ છે.
ગઝલકાર તરીકે ચિનુ મોદી આગવાં માન અને સ્થાનના હક્કદાર છે. આધુનિક ગુજરાતી ગઝલને નમણો, નરવો ઘાટ આપવામાં ચિનુભાઈનું પ્રભાવશાળી પ્રદાન છે. કલ્પન /પ્રતીક /ભાષાભિવ્યક્તિ /ભાવસંવેદન વગેરે પરત્વે ચિનુભાઈની ગઝલ નોખી તરી આવે છે. આટઆટલી વિખ્યાતિ મેળવ્યા પછી પણ કવિ ચિનુ મોદી કહે છે કે ગઝલ મને હાથવગી છે એમ માનશો નહીં. કેટલી વીસે સો થાય છે એ હું જાણું છું!! અછાંદસને કવિ છેતરામણો કાવ્યપ્રકાર ગણે છે.
ચિનુ મોદીના કેટલાક નરવા, નમણા, શેરિયતસભર શેરની શેરીઓમાં લટાર મારીએ;
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે / થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.
કોઈ ઈચ્છાનું હવે વળગણ ન હો, / એ જ ઈચ્છા છે, હવે એ પણ ન હો
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ, / જીવવા માટે બહાનું જોઈએ.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે, / આંખના ખૂણે હજી યે ભેજ છે.
જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે! / પુષ્પ જેવાં પુષ્પ પર મારી સવારી હોય છે.
એક જણ સાચું રડે તો બહુ થયું, / મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
ચિનુ મોદીનો સર્જનલોક
ગુજરાતી સાહિત્યમાં પંચાસી (85) જેટલાં પ્રાણવાન પુસ્તકો ચિનુ મોદીના ખાતે બોલે છે. એમની બહુઆયામી ગૌરવશાળી સર્જનયાત્રાના પર દ્રષ્ટિપાત કરીએ.
કાવ્યસંગ્રહ
1. વાતાયન 2. ક્ષણોના મહેલમાં 3. ઉર્ણનાભ 4. દર્પણની ગલી 5. શાપિત વનમાં 6. દેશવટો 7. ઈર્શાદગઢ
8. બાહુક (ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ 1988) 9. અફવા 10. ઇનાયત 11. વિ-નાયક 12. એ 13. સૈયર
14. નકશાનાં નગર 15. શ્વેત સમુદ્રો 16. કાલાખ્યાન 17. હથેળી 18. આઘા-પાછા શ્વાસ 19. ઈર્શાદનામા (ઉર્દૂ)
20. વજૂદ (ઉર્દૂ) 21. ચિનુ મોદીના ઉત્તમ કાવ્યો 22. ખારા ઝરણ (દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ: 2010)
અનુવાદો
1. વસંતવિલાસ (સંસ્કૃતમાંથી) 2. પ્રેમલોચના (હિંદીમાંથી)
કાવ્ય સંબંધી સંપાદન
ગમી તે ગઝલ * કલશોર ભરેલું વૃક્ષ * શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો * ગુજરાતી પ્રતિનિધિ ગઝલો * ચઢો રે શિખર * મધ્યયુગીન ઊર્મિકાવ્યો * અછાંદસ (અંગ્રેજી કવિતાઓ) * રાજેન્દ્ર શાહ કી કવિતાએં * ગઝલ સંદર્ભસૂચિ * અલીફનો એ * ‘સુખનવર’ શ્રેણી અંતર્ગત 20 પુસ્તિકાઓ
અન્ય ગદ્યસાહિત્ય
* નવલકથા – 16 * નાટક – 17 * ટૂંકી વાર્તા સંગ્રહ 6 * નિબંધસંગ્રહ – 1 * સંપાદન – 15 * વિવેચન – 4
* ફિલ્મ સ્ક્રીપ્ટ – 1 * અનુવાદો 2
આ ઉપરાંત જે ભજવાયા હોય પણ પ્રકાશિત ન થયા હોય એવા નાટકો – 10
સંગીત રૂપકો -3
એમના પુસ્તકો જે હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદિત થયા – 10
એવોર્ડ અને પારિતોષિકો
- કલાપી એવોર્ડ – 1999
- ગૌરવ પુરસ્કાર 1999
- ગુજરાતી ફિલ્મમાં શ્રેષ્ઠ ગીતલેખક એવોર્ડ (બે એવોર્ડ) 2004
- ગુજરાતી ફિલ્મમાં શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ રાઇટર એવોર્ડ 2004
- નરસિંહ મહેતા એવોર્ડ 2008
- આદિલ મન્સૂરી એવોર્ડ 2010
- વલી ગુજરાતી એવોર્ડ 2010
- કમલાશંકર પંડ્યા એવોર્ડ 2011
- ઓલ ઈન્ડિયા રેડિયો નાટક સ્પર્ધામાં પ્રથમ ઈનામ (બે વાર) 1988 અને 1999
- ર.પા. એવોર્ડ રેડિયો અને ટેલીવિઝન એડ. માટે 1984
- ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી છ પુસ્તકોને એવોર્ડ
- ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ એકાંકી એવોર્ડ 1972, 1987, 1995
- ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર તરફથી ‘ક્રિએટિવ રાઈટર ‘તરીકેની ફેલોશીપ 1978
- ગુજરાત સાહિત્ય અકાદમીની ફેલોશીપ 1997
- દિલ્હી સાહિત્ય અકાદમીની ‘ રાઈટર ઈન રેસિડન્સ’ યોજના હેઠળ ફેલોશીપ અને ‘ સ્વપ્ન-દુઃસ્વપ્ન’ નાટકનું સર્જન 2009
*****
જીવન
કવિ ચિનુ મોદી
જન્મ : 30 સપ્ટેમ્બર,1939 વિજાપુર અવસાન : અવસાન…19 માર્ચ 2017
માતા-પિતા : શશિકાંતાબહેન – ચંદુલાલ
જીવનસાથી : હંસાબેન
સંતાનો : નિમિષા, ઈંગિત, ઉત્પલ
અન્ય શોખ: ક્રિકેટ અને સંગીત
ગુજરાતી સાહિત્યને નિજી નજાકતથી સમૃદ્ધ કરી જનાર સર્જક શ્રી ચિનુ મોદીની કલમચેતનાને નમન.
કવિ ચિનુ મોદીના જીવન કવન પર ગુજરાત સાહિત્ય અકાદમીએ બનાવેલ અગિયાર મિનિટની નાનકડી ફિલ્મ જોઈએ.
સૌજન્ય : ગુજરાત સાહિત્ય અકાદમી
આર.પી.જોશી (રાજકોટ)
OP 4.10.22
***
Dipak Valera
10-10-2022
આપને અભિનંદન
ચીનુકાકા ને
વંદન
સાજ મેવાડા
04-10-2022
સ્મૃતિ વંદન. સરસ માહિતી
છબીલભાઈ ત્રિવેદી
04-10-2022
કવિ શ્રી ચિનુ મોદી નો ખુબજ વિસ્ત્રુત પરિચય તમામ પાસા નો સમાવેશ આભાર.
પ્રતિભાવો