અખો : ફક્કડપણાનો અનોખો કવિ

અખો : ફક્કડપણાનો અનોખો કવિ

અખો, મધ્યકાલીન સાહિત્યનો બુદ્ધિશાળી કવિ. એના છપ્પામાં કટાક્ષ ભારોભાર ભર્યો છે. સમાજની વિષમતાઓ અને ઢોંગ પર આખાએ જબરા પ્રહાર કર્યા છે. ધર્માંધતા સામે અખાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. અખાની નિરીક્ષણક્ષમતા અદભૂત છે. અખાના કેટલાક છપ્પા તો કહેવતની જેમ વપરાય છે. જેમ કે

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ / પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.

કે પછી તિલક કરતાં ત્રેપન ગયા, જપમાળાના નાકાં ગયાં.

વર્તમાન સાહિત્યમાં પણ આવા ચાબખા મળવા મુશ્કેલ છે.

અખા પાસે તત્વજ્ઞાન ભારોભાર છે. જ્ઞાનના માર્ગ પર એ વિહાર કરે છે.

પોતે હરિને ન જાણે લેશ, કાઢી બેઠો ગુરુનો વેશ

જ્યાં સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ

એવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર ?

હરિના હોય તે હરિને લહે, બીજા હરિની મોટપ કહે…

અથવા અખો કહે છે,

જ્ઞાનીને કવિતા ન ગણેશ, કિરણ સૂર્યના કેમ વણેશ ?

શબ્દ કેરો સઢ ક્યમ થાય ? આકાશ તે ક્યમ તોળ્યું જાય ?

ભાષા એને વરી છે પણ ભાષા વિશે અખો કહે છે,

ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે એ શૂર…

અખો જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરે છે. આંધળી ભક્તિને તોડી પાડતાં અખો કહે છે,

જ્ઞાન વિના નવ ભક્તિ થાય, જ્યમ ચક્ષુહીણો જ્યાંત્યાં અથડાય.

અખાએ છપ્પા ઉપરાંત ‘અનુભવબિંદુ’ જેવુ દીર્ઘકાવ્ય પણ લખ્યું છે. સરસ પદો પણ રચ્યાં છે.

અખો એટલે ફક્કડપણાનો અનોખો કવિ…        

લતા હિરાણી

OP 17.10.22

2 thoughts on “અખો : ફક્કડપણાનો અનોખો કવિ”

  1. રેખાબેન ભટ્ટ

    લતાબેન, 4th જાન્યુઆરીનું તમારું અખો
    .. મધ્યકાલીન કવિતાનું પઠન મૂકજો અહીં 🙏

    1. મને યુ ટ્યુબ લિન્ક મળે એટલે ચોક્કસ મૂકું. આભાર રેખાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *