કવિ રમેશ આચાર્ય * Ramesh Aacharya

કવિ શ્રી રમેશ  આચાર્ય

સાવ સીધી રેખ જેવી જિંદગી,

ક્યાંક થોડો ખાંચ લઈ બેઠા છીએ. ~ રમેશ આચાર્ય

પાંચ પાંચ દાયકાઓથી કવિતાસર્જનમાં નિષ્ઠાપૂર્વક રમમાણ ઓલિયો કવિ!

કવિ રમેશ આચાર્યના પિતાજી રવિશંકરભાઈ આચાર્ય પણ એક અચ્છા કવિ અને વાર્તાકથક, જેનો લીંબડીના રાજદરબારમાંય માનમોભો હતો. આમ એમને વિદ્યા અને સાહિત્યનો વારસો હતો. પિતાના મૃત્યુ પછી પણ ઘરનું સાહિત્યિક વાતાવરણ જળવાઈ રહ્યું. અંગત વિટંબણાઓ વચ્ચે પણ ગરવાઈ જાળવીને રમેશભાઈ લાયબ્રેરીનાં પુસ્તકોનાં વાચનમાં રમમાણ રહ્યા.

1960માં આ કવિએ 11 મું ધોરણ – મેટ્રિક – પાસ કરેલ ત્યારે 1100 જેટલાં સાહિત્યિક પુસ્તકો વાંચેલ હોવાનું તેમણે નોંધ્યું છે. આ વાંચન-પ્રીતિ રમેશભાઈને સહજતાપૂર્વક કવિતાસર્જન તરફ દોરી ગઈ. સ્નાતક થઈને બેંકર બન્યા અને ગૃહસ્થ બન્યા પછી રમેશભાઈ કવિતાસર્જન તરફ વિશેષ વળ્યા અને રવિશંકરભાઈના પુત્ર હોવાને નાતે ‘રવિસુત’ ઉપનામથી કાવ્ય લખવાનું આગળ વધાર્યું.                      

વિદ્યાર્થી અવસ્થામાં કવિએ કેટલીક છંદોબદ્ધ રચનાઓ કરી હતી પણ પછી મુખ્યત્વે ગઝલ અને અછાંદસ રચનાઓ સર્જી છે. કવિ પોતાની સર્જનપ્રક્રિયા વિષે વાત કરતાં કહે છે, “મારી સર્જનપ્રક્રિયા કૈલાસ-માનસરોવરના હવામાન જેવી રહી છે…. એક રાતમાં એક બેઠકે પાંચેક ઠીક ઠીક લાંબા કહી શકાય તેવાં કાવ્યો લખાયા છે તો વીસેક પંક્તિનું શરૂ કરેલું એક કાવ્ય એક વરસે પૂરું થયું હોય તેમ પણ બન્યું છે.” સખત કામ કે જવાબદારીના બોજ હોય એવા સમયે કવિને કાવ્યો વધુ સ્ફૂરે છે! આઠમા દાયકાની શરૂઆતમાં બેન્કના ક્લોઝિંગના સખત કામ વચ્ચે ‘મહાભિનિષ્ક્રમણ’નું સડસડાટ અવતરણ થયું એવું કવિએ નોંધ્યું છે. આ કાવ્ય સુરેશ દલાલે ‘કવિતા’માં પ્રગટાવ્યું અને રમેશ આચાર્ય એક સબળ કવિ તરીકે પ્રસ્થાપિત થતા રહ્યા.

ગુજરાતી સાહિત્યમાં ચારેક દાયકા અગાઉ કોઈ એક કલ્પનને વિષય બનાવીને એ અંગેનાં ઊંડા અને વિશેષ સંવેદનોને નિરૂપતા એક વિશિષ્ટ કાવ્યસ્વરૂપની રચનાની શરૂઆત થઈ. આ કાવ્યને ‘મોનોઇમેજ કાવ્યો’ની સંજ્ઞા મળી. કવિ રમેશ આચાર્યએ પ્રયોગશીલતા દાખવીને ‘પુલ’, ‘વૃક્ષ’, ‘ચહેરો’, ‘ટાપુ’, જેવા મોનોઇમેજ કાવ્યો રચ્યાં અને 1978માં પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્રમશઃ’ પ્રકાશિત કરીને કાવ્યરસિકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ગુજરાતી કવિતામાં આ પ્રકારનો પ્રથમ સંગ્રહ છે. બાદમાં જાપાનિઝ કાવ્યપ્રકાર ‘હાઈકુ’થી થોડો પ્રલંબ એવો ‘તાન્કા’ કાવ્યોનો સંગ્રહ ‘હાઈફન’ લઈને આવ્યા રમેશ આચાર્ય 1982 માં.

કવિ રમેશ આચાર્યની સર્જન યાત્રા ‘મોનોઈમેજ/તાન્કા’ માં સીમિત, સંકીર્ણ રહેવાને બદલે અન્ય કાવ્યસ્વરૂપમાંય સમાંતરે વિચરતી, વિસ્તરતી ચાલી અને પરિણામે આ કવિ પાસેથી આપણને ગીત/ગઝલ /અછાંદસ પ્રકારની પણ અઢળક સત્વશીલ રચનાઓ સાંપડી, જે એમના છ સંગ્રહોમાં સમાવિષ્ટ છે, અને હવે કવિશ્રી 7મો કાવ્યસંગ્રહ ‘ ઓસરેલાં પૂર’ લઈને આવી રહ્યા છે.

કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા ઉચિત રીતે નોંધે છે, “રમેશ આચાર્ય એટલે નવોદિતોના મસીહા અને ઉપેક્ષિત-પ્રસ્થાપિત કવિઓને ન્યાય મળે એ માટે લડી લેનારા એક તારણહાર જાગૃત પ્રહરી’ તરીકે વિવિધ ભૂમિકામાં અવારનવાર પેશ થયા કર્યા છે. આવી વિધાયક કામગીરી કરતી વેળાએ રમેશભાઈએ યશની અપેક્ષા ક્યારેય નથી રાખી અને અપયશ/ટીકાથી તેઓ ક્યારેય ગભરાયા નથી. તેઓ છેક સુધી ટટ્ટાર અને ઉજળા રહી શક્યા છે અને કવિતાનાં દિવ્ય પ્રકાશમાં ઝળહળતા રહ્યા છે તે એક સ્વયંસિદ્ધ પરિમાણ છે”

કવિઓ માટે ચેતવણી કહી શકાય એવી વાણી આ કવિ ઉચ્ચારે છે, “કોઈપણ એક કાવ્યસ્વરૂપમાં કામ કરવાથી શરૂઆતના કેટલાંક વર્ષો પછી કોઈપણ કવિ માટે તેના સંવેદનને એ કાવ્યસ્વરૂપમાં ઢાળવું સરળ થઈ પડતું હોય છે. આ સરળતા ઘણી વખત સર્જકને હાનિકારક નીવડે છે. જો કોઈ કવિ ભરપૂર સર્જકતા ધરાવતો ન હોય તો તેના દ્વારા બીબાઢાળ કાવ્યકૃતિઓ સર્જાતી રહે છે.” 

આ સન્નિષ્ઠ સર્જક શ્રી રમેશ આચાર્યની કેફિયતને સ્મરી લઈએ :

“મારું કાવ્ય-સર્જન સ્વાનુભવરસિત, ગુજરાતી કાવ્ય સાહિત્યની પરંપરાને સમૃદ્ધ કરવા મથતું અને એ માટે જરૂર પડે તો અન્ય કવિઓથી યથાશક્ય ઉફરા ચાલી, જુદા પડી ચાલતા રહેવાની મથામણ છે “

છેલ્લે આ કવિએ ગૂંથેલી ગરવી ગઝલોના કેટલાક મનગમતા શેરને મમળાવીએ અને કવિના ભાવ-વિશ્વમાં લટાર મારીએ :

આવજો-નું ગંધ મારે છે મમી, યાદના બે આંસુ સારે છે મમી.

આ ક્ષણો વીતી, સદીઓ ગઈ છતાં; જીવતું થાવા વિચારે છે મમી.

**

જિંદગી ક્યાં નડે છે આમ તો,

ખોલવી મુઠી પડે છે આમ તો.

આયખાના આઠમા દાયકાના ઉંબરે આવી ઉભેલા આ એકનિષ્ઠ શબ્દસાધક શ્રી રમેશભાઈ આચાર્યને શુભકામનાઓ.

કાવ્યસંગ્રહો (6)

ક્રમશઃ 1978

હાઈફન, 1982

મેં ઇચ્છાઓ સૂકાવા મૂકી છે 2008

ઘર બદલવાનું કારણ 2013

પાથરણાવાળો 2015

ડોકે ચાવી બાંધેલ કાગડો  2017 : ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉત્તમ પુસ્તક પારિતોષિક – 2017

કુલ પુસ્તકો (11)– છ કાવ્યસંગ્રહો અને પાંચ સંપાદનો 

કવિને મળેલા મહત્વપૂર્ણ એવોર્ડ્સ તથા સન્માનો

ઉમાશંકર જોષી એવોર્ડ : 2009  

કવીશ્વર દલપતરામ એવોર્ડ : 2015

નર્મદ સાહિત્ય સભા તરફથી જયંત પાઠક એવોર્ડ 2017- 2021

*****

કવિશ્રી રમેશ  આચાર્ય

જન્મ : 5. 11. 1942 લીંબડી (જિલ્લો સુરેન્દ્રનગર)

માતા-પિતા : રંભાબેન રવિશંકરભાઈ 

જીવનસાથી : દુર્ગાબેન

સંતાનો : દર્શક – મૌલિક

વ્યવસાય : નિવૃત્ત બેંક ઓફિસર

અન્ય શોખ : ફરવું

આર.પી.જોશી (રાજકોટ)

માહિતી આધાર : ‘કવિતા અને હું’ સંપાદક હર્ષદ ત્રિવેદી

OP 5.11.22

***

darshak acharya

06-11-2022

આભાર લતાબેન .

છબીલભાઈ ત્રિવેદી

05-11-2022

સર્જક વિભાગ ની સરસ માહિતી આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: