ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા * Sanju Vala

ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા

~ આર.પી.જોશી   

ગરવી ગઝલના જાણે બે રસ-છલકતા મિસરા

પહેલો તે સંજુ વાળા, બીજો ય સંજુ વાળા.

પૂ.મોરારિબાપુ જેમની કવિતાનાં રહસ્યવાદ, અધ્યાત્મથી પ્રભાવિત થઈને જેમને ‘ધુણાનો કવિ – ખૂણાનો કવિ’ કહીને નવાજે છે.

એવા કવિ સંજુ વાળા. 1985ની આસપાસ કવિતાસર્જનમાં મંગલાચરણ કરનાર આ કવિ છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ જેવાં મુખ્ય તમામ કાવ્યસ્વરૂપોમાં ખંતપૂર્વક ખેડાણ કરીને સાંપ્રત ગુજરાતી કવિતાના અગ્રણી અનુ-આધુનિક કવિઓની આગલી હરોળમાં બિરાજયા છે.

કવિનો જે વારસો છે, જેમાંથી એમનું અને એમની કવિતાનું ભરણ-પોષણ અને ઉછેરણ થતું રહ્યું છે. અભણ માતા-પિતાના કેટલાંક સંસ્કારોની દેનરૂપે એમનામાં વ્યક્ત થવાની આવડત અને જરૂરિયાત ઊભી થઈ. કવિએ ઉચ્ચ અભ્યાસ કર્યો નથી અને એમાંય ભાષાના વિદ્યાર્થી તરીકે તો ભણવાનું થયું જ નહીં. તેમ છતાં તેઓ ભાષાની લીલામાં રમમાણ છે અને એટલે જ કવિતાને ક્યારેય હળવાશથી લેવાનું એમને રુચતું નથી…..  

કવિને ભજનની ભાવપરંપરા એમને ગળથૂથીમાં મળી. એમના દાદીમા આખા પરગણામાં ઊંચા ભજનીક તરીકે વિખ્યાત હતાં. કહેવાય છે કે એ વખતે દાદીમાને ભજન ગાવા માટે વીશ-વીશ ગાઉથી તેડાં આવતાં. આ પરંપરા એમના પિતાશ્રીએ પણ ઝીલી. તેઓ પણ લોકઢાળવાળાં દેશી ભજનો અને ગુરુમુખીવાણીના ગાયક અને ઉપાસક રહ્યા છે.

છાંદસ,અછાંદસ કવિતા-કસબ

‘કિલ્લેબંધી’ એ કવિની દીર્ઘ, છાંદસ, અછાંદસ કવિતાઓનો સંગ્રહ છે, જેમાં થોડા દોહાઓ અને 23 જેટલી રચનાઓ સમાવિષ્ટ છે. વિષયવસ્તુ, ભાવસંવેદન, રચનારીતિ સંદર્ભે આ કવિતાઓ પોતીકી વિલક્ષણ મુદ્રા લઈને આવે છે. રાવજી પટેલને અનુલક્ષીને રચાયેલ ‘એક સ્મરણોક્તિ’ લઘુકાવ્યનો અંશ જોઈએ,

મારી કવિતાનો ભીનો રસાળ લય / અને / રજકાની ગંધ લઈને મ્હોરી ઉઠેલી ભાવ / ઝૂંટવી લીધા,અમરગઢ ! ……….

લાવ, મને પાછો આપ / મારો લય / મારો ભાવ / મારી ઉછળતી કૂદતી રમતિયાળ ભાષા

સગર્ભા નારીનાં મનોજગત અને ગર્ભાધાનથી પ્રસવ સુધીનાં સંવેદનોને બારીકાઈથી અભિવ્યક્ત કરતું એક કાવ્ય ‘પ્રતીતિ’  પ્રદીપ ખાંડવાલા દ્વારા અંગ્રેજીમાં અનુદિત થઈને એમનાં પુસ્તક ‘Beyond The Track’ માં સમાવેશ પામેલ છે.

કવિની ગીત-કવિતા

કવિએ ગીતલેખનની શરૂઆત કરી અને પુરોગામીઓથી ચીલો ચાતરીને પોતીકી કેડી કંડારી. બોલચાલના શબ્દો, રવાનુકારી પદાવલી, વર્ણાનુપ્રાસ એમનાં ગીતની લાક્ષણિકતા છે.  

સખિયન ! ધણણણ ધણણણ ગર્જત બાજત ઢોલ મૃદંગો !

સખિયન ! હડુડુડુ હડુડુડુ લેવત હય ગજરાજ અઠિંગો !

સખિયન ! અરવ અંકોડે ઝળક ઝલક ઝળકાતાં ઝુમ્મર ! “

–અહીં વ્રજભાષાના શબ્દો ય જુદી મજા કરાવે છે.

‘રાગાધિનમ્’ એ કવિનાં ગીતોનો એક અનન્ય સંગ્રહ છે, જેમાં 86 જેટલી ગીતકવિતા સંગ્રહિત છે. કવિનું મધ્યકાલીન ભજનપરંપરા સાથેનું ભાવનાત્મક જોડાણ અહીં ઠેર ઠેર માણી, પ્રમાણી શકાય છે.  

થડ વિનાની ઝૂરે ડાળી,ડાળ વિનાનું પાન / મરમ જાણવા મરમી બેઠા ધરી વૃક્ષનું ધ્યાન.

એમાં ભોજાભગતના ચાબખાનો ધ્વનિ ય સંભળાય,  

રમે માહ્યલો રંગે ! / ભલે ભસ્મનાં ત્રિપુંડ તાણ્યાં / ભભૂત ચોળી અંગે !

શ્રી મણિલાલ હ.પટેલ તારવે છે એ મુજબ – “કુટુંબમાં જે ભજન પરંપરા હતી એનો વારસો કવિને સંકેતાત્મક રચનાઓ તરફ વાળવામાં સફળ થયો છે”.

શ્રી રઘુવીર ચૌધરી સંજુ વાળા પાસેથી હજુ વધુ ઊર્મિગીતો અપેક્ષે છે કેમ કે તેમને આ કવિની ગીતકવિતામાં “ગીતનાં સ્વરૂપ સાથેનો ઘરોબો, બોલચાલનાં શબ્દો અને લઢણોની તાજગીભરી વરણી અને ખાસ તો જીવનની સમજણ” દ્રષ્ટિગોચર થાય છે.

કવિનું ગઝલ-વિશ્વ

ગીતની જેમ ગઝલમાંય સંજુ વાળાની પોતીકી મુદ્રા છે. અરૂઢ રદીફ/કાફિયા, એનું સાદ્યંત નિર્વહણ, ભાતીગળ ભાષાવૈભવ, તળપ્રદેશની બોલચાલના શબ્દો, નવતાપૂર્ણ કલ્પન/પ્રતિકો, અલાયદું ભાવવિશ્વ અને ચીલો ચાતરતી વિષય સામગ્રી સાથે જ્ઞાનમાર્ગી કવિતાના અર્થસંકેતો સાથેની ભાષાસંરચના- આ બાબતો સંજુ વાળાની ગઝલના આગવા વિશેષ રહ્યા છે.

લાંબી બહેરની ગઝલના શેરમાંય કવિની સર્જકતા ખીલતી દેખાય છે.

ગાંડી વાડીને આથમણે શેઢે અડવડ ઊભું જાળું, અરધાં કાચા, અરધાં પાકા, ઝાકમઝોળ ઝુંબેશ બોર..

કાંટા વચ્ચેથી ચૂંટીને સ્વાદ ચાખતાં લાગ્યો તૂરો એનો આઠે અંગે ચડવા લાગ્યો કાચ્ચે કાચ્ચો તોર..

ઝાપટું વરસાદનું ઝીલી શકો ને આંકડા આપી શકો એ શક્ય છે,

મન વરસતું હોય ત્યાં ભીનાશના જથ્થા વિશે પૂછો તો શું પૂછી શકો ?

મીરાંબાઈથી કબીર અને રવિસાહેબથી જીવણસાહેબ સુધીના આઠેક સંતસર્જકોની પ્રથમ પંક્તિને ખપમાં લઇને આ કવિએ સાદ્યંત સુંદર ગઝલો મુળ ભાવના નૂતન આવિષ્કાર સાથે રચી છે એ આ કવિનું વિશિષ્ટ કવિકર્મ છે.

કવિની ભાષાભિવ્યક્તિ

સંજુ વાળાના તમામ કાવ્યસ્વરૂપોમાં ઊડીને આંખે વળગે એવું  મૂળ તત્વ/સત્વ તે ભાષાનું પોતીકું પ્રભાવશાળી પોત.

હિંદી,અંગ્રેજી ,સંસ્કૃત શબ્દો ઉપરાંત શિષ્ટ ગુજરાતી અને તળ કાઠિયાવાડી લોકબાનીના શબ્દો, લય, લહેકા, લઢણ નિજી ઢબે અને ઢંગે પથરાયેલ જોવા મળે છે, જે કવિના કવન-સૌન્દર્યમાં અદકું ઉમેરણ કરે છે. ક્યારેક हिंदी ભાષાના શબ્દો ય એમની રચનાઓમાં સાહજિક રીતે આવી જાય છે, જે રચનાના ભાવમાં ઓગળી જતા હોઇ આગંતુક નથી લાગતા.

છો હિરા-માણેકનું બજાર હો ! / किन्तु ए बाजार है ना ?

પુરાણકથા, લોકકથા, દંતકથાના પાત્રો, સમકાલીન કવિઓ વગેરે પણ સંજુ વાળાની કવિતામાં હાજરી પૂરાવીને શેરમાં સૌન્દર્યનાભૂતિ કરાવી જાય છે.

જે ર.પા.નાં ગીતસંગ્રહમાં મૂકી’તી કાપલી, / પાનું ખોલીને સવારે જોયું તો થઈ ગૈ પરી

~

બાલાશંકર, સાગર, શયદા, મરીઝ, ઘાયલ, આદિલ ! / મનોજ, મોદી, શ્યામ સ્વરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

કવિની ત્રિપદીઓ અને દોહા

ધરબી શકે જો પાછો / બંદૂકમાં ધડાકો / ત્યારે કવિ તું પાક્કો !

કવિ કવિતા વિશે શું કહે છે ?

કવિનો કવિતા સાથેનો સંબંધ આધ્યાત્મિક સંબંધ છે. એટલે જ તો કવિને બીજા કશા સાથે ન હોય એટલો લગાવ કવિતા સાથે હોય છે. કવિતા જ કવિનું સત્ય અને સાધના પણ. કવિ ક્યારેય આ સત્યથી વિચલિત ન થાય. પોતાનો અનુભવ કે દર્શન નિરૂપવા બેઠેલો સર્જક વ્યક્ત ભલે ભાષામાં થયો હોય પણ તેનું ખરેખરું સર્જન તો તેનાં ચેતાતંત્રની જુદી-જુદી અવસ્થાઓમાં ઉદ્ભવતું, ઝિલાતું, રચાતું હોય છે.

અંગત સમજ તો એવી ખરી કે કવિતાના કોઈપણ સ્વરૂપમાં કંઈપણ આલેખી શકાય, પરંતુ સર્જક પ્રતિભા અને સર્જકત્વનાં બળથી જ. એક રીતે જોઈએ તો અભિવ્યક્ત થવું એ અશક્ય ન હોય તો પણ મુશ્કેલભરી પ્રક્રિયા તો છે જ. એમાંય કવિતા !

કવિતાએ જીવતા શીખવ્યું અને એણે જ ચાહતા પણ શીખવ્યું. એથી મોટી બીજી કઈ ઉપલબ્ધિ હોઈ શકે ? કવિતાએ અઢળક આપ્યું છે, પામ્યો છું આ કવિતા પાસેથી અઢળક અને અનહદ. છતાં ય એવું જ લાગે છે કે આ બહુ દુરનો પ્રદેશ છે, જે આપણી પહોંચમાં ક્યારેય આવવાનો નથી. એના ૠણની લાખ પ્રયત્નો પછી પણ આંકણી થઈ શકે એમ નથી.

કવિના કાવ્યસંગ્રહો

  1. કંઈક / કશુંક / અથવા તો… (ગીત/ગઝલ સંગ્રહ) ૧૯૯૦
  2. કિલ્લેબંધી (દીર્ઘ, છાંદસ, અછાંદસ કાવ્યસંગ્રહ) ૨૦૦૦
  3. રાગાધીનમ્ (આગવી કવિમુદ્રા ધરાવતી ગીતકવિતા) ૨૦૦૭ બી.આ. ૨૦૨૦.
  4. કવિતા નામે સંજીવની (ગઝલ કાવ્યપ્રકારની કવિતા) ૨૦૧૪ 
  5. સંજુ વાળાની ચૂંટેલી કવિતા (ઉક્ત સંગ્રહોમાંથી કવિશ્રીએ ચૂંટેલી કવિતા) ૨૦૨૦
  6. અદેહી વીજ (ગીત, ગઝલ, અછાંદસ કવિતાનો નવતર અનુબંધ) (પ્રકાશ્ય)

કાવ્યસંબંધી અન્ય પુસ્તકો

  1. કડીગોઠડી (પ્રશિષ્ટ કાવ્યપંક્તિઓનાં કાવ્યનિમિત્તની વિલોકના અને રસાસ્વાદ) (પ્રકાશ્ય)
  2. ગઝલરસના (ગઝલવિચારણા અને ઉત્તમ શેરના રસાસ્વાદ) (પ્રકાશ્ય)
  3. વાગ્વસ્તુ (કવિતાની સહૃદયી અવલોકના) (પ્રકાશ્ય)
  4. રસપરિક્રમા (કવિતાનાં રસસ્થાનોનું ચિંતન અને રસાસ્વાદ) (પ્રકાશ્ય)

અન્ય કેટલાંક કાવ્ય-સંપાદનો

  1. અતિક્રમી તે ગઝલ (કાવ્યો-સહસંપાદન) ૧૯૯૦
  2. કિંશુકલય (કાવ્યો-સહસંપાદન) ૧૯૯૪
  3. કવિતાચયન-૨૦૦૭ (૨૦૦૭ની ગુજરાતી કવિતાનું સંપાદન) ૨૦૦૯
  4. ઘર સામે સરોવર (કવિશ્રી શ્યામ સાધુની  સમગ્ર કવિતા) ૨૦૦૯ પુનર્મુદ્રણ- ૨૦૧૯
  5. યાદનો રાજ્યાભિષેક (શ્રી‘શૂન્ય’ પાલનપુરીની ઉત્તમ ગઝલોનું સંપાદન) -૨૦૦૯
  6. મન પાંચમના મેળામાં (કવિશ્રી રમેશ પારેખની સમગ્ર કવિતા) ૨૦૧૩
  7. શ્રી‘શયદા’ની ચૂંટેલી ગઝલો (સંપાદન) (આગામી)

એવોર્ડ/ સન્માન 

  1. જયંત પાઠક કવિતા પુરસ્કાર  (કંઈક/કશુંક/અથવા તો… માટે) -૧૯૯૦
  2. શયદા એવોર્ડ –(આઈ.એન.ટી.-મુંબઈ) ૧૯૯૯
  3. નાનાલાલ/ રા. વી. પાઠક પારિતોષિક  (ગુ. સા. પરિષદ)- ૨૦૦૩
  4. કવિતા (દ્વિમાસિક) શ્રેષ્ઠ કવિતા એવોર્ડ ૧૯૯૮
  5. ડૉ ભાનુપ્રસાદ પંડયા એવોર્ડ (ગુજ. સાહિત્ય પરિષદ દ્વારા ‘રાગાધીનમ’ માટે) ૨૦૦૭  
  6. દર્શક સાહિત્યસન્માન (શ્રીવિદ્યાગુરુ સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા) -૨૦૧૪
  7. કવિશ્રી રમેશ પારેખ સન્માન (અસ્મિતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા) – ૨૦૧૪  
  8. હરીન્દ્ર દવે સ્મૃતિપારિતોષિક (હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ – મુંબઈ) – ૨૦૧૪
  9. કલારત્ન સન્માન (ગુજરાત કળાપ્રતિષ્ઠાન- સુરત) – ૨૦૧૬
  10. સાહિત્યરત્ન સન્માન  (સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ) – ૨૦૧૯
  11. નવનીત સમર્પણ સન્માન ( નવનીત-સમર્પણ દ્વારા શ્રેષ્ઠ કવિતા માટે.) – ૨૦૧૫ 

આ ઉપરાંત સાહિત્યસર્જન માટે અનેક- માન-સન્માન–પારિતોષિક

અન્ય : 1. ધોરણ ૧૨ ના અભ્યાસક્રમમાં એક ગીત : ‘હજુ’  2. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બી.એ.ના અભ્યાસક્રમમાં કાવ્યસંગ્રહ ‘રાગાધીનમ્’   3. ગુજરાતી કવિતા અંતર્ગત અનેક વ્યાખ્યાન

*****

કવિ સંજુ વાળા

જન્મ : 11.7.1960 બાઢડા તા. સાવરકુંડલા

માતા-પિતા : રાણીમા નારણભાઇ  

જીવનસાથી : નિર્મળાબહેન

સંતાનો :

અન્ય શોખ: 

~ આર.પી.જોશી – રાજકોટ

માહિતી સૌજન્ય : શબ્દસૃષ્ટિ ‘કવિતા અને હું’ વિશેષાંક ઑક્ટો.-નવે.2011

OP 1.11.22

***

સંજુ વાળા

01-11-2022

ખૂબ ખૂબ આભાર
કાવ્યવિશ્વ
ધન્યવાદ
મિત્ર જોશીજી
🌹🌹

છબીલભાઈ ત્રિવેદી

01-11-2022

ખુબ સરસ બન્ને લેખકો ને ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: