શૂન્ય પાલનપુરી ~ કાંટે કાંટે * જગદીપ ઉપાધ્યાય * Shoonya Palanpuri * Jagdeep Upadhyay

કાંટે કાંટે અટકું છું ~ શૂન્ય પાલનપુરી 

કાંટે કાંટે અટકું છું ને ફૂલે  ફૂલ્રે  ભટકું  છું-!
રંગ અને ફોરમની  વચ્ચે  મારી મહેફીલ શોધું છું.

કોઇ રૂપાળા ગાલના તલ કે, કોઇ સુંવાળા જુલ્ફામાં
પાગલ જઇને ક્યાં સંતાણું મુજ પ્રેમી દિલ? શોધું છું.

જેમ  વનેવન મૃગલું ભટકે, કસ્તૂરીની  ખોજ  મહીં
એમ  હું  દ્વારે દ્વારે  જઇને  મારી  મંઝિલ  શોધું  છું.

મારી  લીલા હું જ ન જાણું, મારું મુજને  ભાન નથી,
ખોવાયું  છે  કોણ?  ને  કોને  થઇને ગાફિલ શોધું છું.

~ શૂન્ય પાલનપુરી

આસ્વાદ : જગદીપ ઉપાધ્યાય

કવિની મહેફિલ ક્યાં છે? મહેફિલ શોધવા કવિ ફૂલોમાંતો ઠીક કાંટામાંય ફર્યા છે. કવિને એકલો રાગ પસંદ નથી કે એકલો વિરાગ પસંદ નથી. કવિ એવું જીવન જીવવા નથી માગતા કે જેમા ફક્ત પોતાનું સુખ હોય પણ એવું જીવન જીવવા માગે છે કે પોતાના સુખમાં બીજાનો ભાગ હોય. જીવનમાં એકલો રંગ નહીં પણ સાથે સુગંધ પણ તે ચાહે છે. શૂન્ય સાહેબ લખે છે, 

કાંટે   કાંટે   અટકું   છું ને ફૂલે  ફૂલ્રે  ભટકું  છું-! / રંગ અને ફોરમની  વચ્ચે  મારી મહેફીલ શોધું છું.

બીજો શે’ર ઇશ્કે મિજાજી છે. ખૂબ સૂરત જિસ્મ એ ખુદાએ લખેલી નજમ છે.  ગીતકાર – સંગીતકાર રવીન્દ્ર જૈન એક સુંદર ગીતમાં લખે છે કે –

હર હસી ચીજકા મૈ તલબગાર હું / રસકા ફુલોકા ગીતોકા બીમાર  હું.

સુંદરતાની ચાહતના અનેક શેર લખાયા છે અને એમાંય ચહેરાને સુંદરતા બક્ષતા ગાલના તલ કે આશિકને પાશમાં બાંધી લેતા કાળા કેશના વર્ણનો પણ ઘણા શાયરોએ કર્યા છે. જનાબ શૂન્ય પાલનપુરી સાહેબ આ બન્ને- ગાલપરના તલ અને કાળા કેશના પ્રતિકોનો વિનિયોગ પોતાના શે’રમાં આ રીતે કરે છે.

કોઇ રૂપાળા ગાલના તલ કે, કોઇ સુંવાળા જુલ્ફામાં / પાગલ જઇને ક્યાં સંતાણું મુજ પ્રેમી દિલ? શોધું છું.

કસ્તૂરીની ઘેરી સુંગધ હરણને આકર્ષે અને તે કસ્તુરીને શોધવા વનેવન ભટકે પણ કસ્તૂરી તેને પ્રાપ્ત થાય નહીં કારણ કે કસ્તુરી તો તેની નાભિમાં હોય છે જેની તેને ખબર હોતી નથી, એવી જ રીતે માણસ જેને સુખ કહે છે એ માણસની ભીતર જ હોય છે પણ માણસ સુખને બહારના પદાર્થોમાં શોધ્યા કરે છે. મારી ગઝલનો જ એક શે’ર છે

જન્મથી મૃત્યુ સુધીની ગડમથલનો અર્થ છે / કસ્તુરી હો  નાભિમાં ને  દોડતું  હરણું  મળે‍!

ગઝલકાર શૂન્ય પાલનપુરી વાત કરે છે કે જીવનનું સુખ શોધવા હું મહેફિલો, મંદિરો. મદિરાલયો માનુનીઓ એમ કેટકેટલા દ્વારે દ્વારે જઇને ભટક્યો પણ મારી દશા પેલા કસ્તૂરી શોધતા મૃગ જેવી રહી. એક શાયરની મસ્તી, એની પાગલ અવસ્થાનું સચોટ બયાન શાયરે આ શેરમાં કર્યું છે. એક એવી મસ્તીમાં શાયર ખોવાઇ જાય કે એને પોતાનું ભાન ન રહે. આ જ પરમ અવસ્થા છે. આજ કવિની લીલા છે. જે ખોવાયું છે એને શોધવાનું ભૂલીને બીજું  શોધવા લાગે છે. જો કે શાણા માણસો પણ  જે શોધવા માટે ઇશ્વરે જીવન આપ્યું હતું એ પરમ તત્વ શોધવાને બદલે દુન્યવી સુખો શોધવામાં ક્યાં ભૂલા પડી નથી જતા? પણ કવિની તો વાત ન્યારી છે-

મારી  લીલા હું જ ન જાણું, મારું મુજને  ભાન નથી / ખોવાયું  છે  કોણ?  ને  કોને  થઇને ગાફિલ શોધું છું.

અલગ મસ્તી, અલગ અંદાઝ, અલગ મહેફીલ, અલગ ચાહત વર્ણવતી શૂન્ય સાહેબની  આ ગઝલ આજે પણ એટલી જ તાજી છે.

મૂળ પોસ્ટિંગ 12.5.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: