ઋણ ~ લતા હિરાણી
હું તારી ઋણી નથી
પત્રથી મિલન સુધી પાંગરેલી ક્ષણોને સભર બનાવવા માટે
હું તારી ઋણી નથી
મારી ઊર્મિલતાને તારા ખોબામાં ઝીલી લેવા માટે
હું તારી જરાય ઋણી નથી
મને હંમેશા ક્ષિતિજ બતાવવા માટે
હું તારી સ્હેજ પણ ઋણી નથી
મને ભરચક પ્રેમ આપવા માટે
પણ હવે છું
હા, પૂરેપૂરી ઋણી છું
એકલાં કેમ જીવાય એ શીખવવા માટે……
કવિ લતા હિરાણીની એક કવિતા નિમિત્તે : નીરવ પટેલ
વર્ષો પહેલાં મારી આ કવિતા એક સામયિકમાં વાંચીને કવિ નીરવ પટેલે મને ઈમેઈલ કરેલો. એ વખતે એ શબ્દો સાચવીને મૂકી દીધેલાં. આજે એ ફાઇલ હાથમાં આવી અને અહીં મૂકવાનું મન થયું. નીચે જે લખાયું છે એ અક્ષરશ: નીરવભાઈના શબ્દોમાં છે. – લતા હિરાણી
કાચી યુવાનીના કોલેજકાળમાં એક ફિલ્મ જોઈ હતી : love story. એના પોસ્ટરમાં પ્રેમની વ્યાખ્યા કરતાં હોય એમ લખ્યું હતું : Love means never having to say you’re sorry . એટલે કે પ્રેમ કરતા વ્યક્તિઓએ એકબીજાને સોરી ‘કહેવું’ પડે, એકબીજાને થેન્ક યુ ‘કહેવું’ પડે તો તો એ પ્રેમને સાચો નહીં પણ કાચો પ્રેમ જ ગણવો પડે. અલબત્ત, વર્ષોના અનુભવે આજે સમજાયું છે કે પ્રેમ જેવી અમૂલ્ય અને દુર્લભ ચીજ માટે ખરા હૃદયથી પોતાના પ્રેમીપાત્રને થેન્ક યુ કે સોરી કહેવું એ પ્રેમની સોગાત પામનારે વ્યક્ત કરેલી સૌથી મોટી કદર છે, કૃતજ્ઞતાના અહેસાસની સૌથી મોટી અભિવ્યક્તિ છે.
આજે કવિ લતા હિરાણીની કવિતા વાંચવા બેઠો છું ને તેમની કવિતાની ફેમિનિસ્ટ નાયિકા મારી આ સામાજિક સમજને આઘાત આપતી એક પછી એક એમ ચાર કંડિકાઓથી મને વાચકને ફટકારે છે :
હું તારી ઋણી નથી / પત્રથી મિલન સુધી પાંગરેલી ક્ષણોને સભર બનાવવા માટે / હું તારી ઋણી નથી / મારી ઊર્મિલતાને તારા ખોબામાં ઝીલી લેવા માટે / હું તારી જરાય ઋણી નથી / મને હંમેશા ક્ષિતિજ બતાવવા માટે / હું તારી સ્હેજ પણ ઋણી નથી / મને ભરચક પ્રેમ આપવા માટે
આ કવિતાની ફેમિનિસ્ટ નાયિકાને વિનંતિ કરું કે પ્રેમ ઝંખતા કોઈ એકાકી યુવક કે યુવતીને પૂછી તો જોજો કે તે કોઈનો પ્રેમપત્ર મેળવવા કે પ્રેમીમિલનની ક્ષણ માટે કેવો તલસાટ અનુભવતાં હોય છે ? કલ્પનાની એ ક્ષણોને સાક્ષાત કરી આપનાર, સભર કરી આપનાર એ પ્રેમી કે પ્રેમિકાનું ઋણ સ્વીકારવું મને તો લાખ વાર ગમે. ક્ષણોને સભર બનાવી શકે એવું પાત્ર જવલ્લે જ જીવનમાં મળે, ત્યારે આ કંડિકામાં વ્યક્ત થતી કૃતઘ્નતા આ ક્ષણે તો મને, વાચકને ખરે જ આઘાત આપે છે.
ત્રીજી અને ચોથી કંડિકાઓ તો એમની આદ્યપંક્તિઓમાં મૂકાયેલા ‘ જરાય’ અને ‘સ્હેજ પણ’ શબ્દોથી આ નાયિકાને સાવ અભદ્ર, અસંસ્કારી, શાલીનતાવિહીન, લાગણીવિહીન, નિષ્ઠુર હોવાની છબી ઊભી કરે છે : ‘ હું તારી સ્હેજ પણ ઋણી નથી મને ભરચક પ્રેમ આપવા માટે.‘ અરે, આ તો હદ થાય છે આ માનુનીના થેંકલેસનેસની !
પણ બધું બદલાઈ જાય છે આ આખરી કંડિકાથી : એક, બે, ત્રણ, ચાર, એમ જાણે ગણી ગણીને કહેતી ના હોય કે હું કશાય માટે તારી ઋણી નથી એ જ આ કાવ્યનાયિકા પોએટિક ક્લાઇમેક્સ લઈને આવે છે, એક અજીબ એકરાર લઈને આવે છે.
પણ હવે છું / હા, પૂરેપૂરી ઋણી છું / એકલાં કેમ જીવાય એ શીખવવા માટે……
જે તલભારના ઋણસ્વીકાર માટે તૈયાર નહોતી, જે પ્રેમની સોગાતને સાવ ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી લેતી હતી એ નાયિકા હવે કહે છે : ‘હા, પૂરેપૂરી ઋણી છું; એકલાં કેમ જીવાય એ શીખવવા માટે’ સજીવ સહવાસમાં, સહજીવનમા, સાહચર્યમાં તો સાચો પ્રેમ કરતા સાથીની ખોટ ક્યાથી વર્તાય? એકબીજાની સહિયારી હૂંફથી જીવાતા જીવનમાં હરેક લીલીસૂકી જીરવાઈ જાય છે, બેમાંથી કોઈ એકની વિદાય, પછી તે કાયમી હોય કે હંગામી, જીવનને ઘેરા ખાલીપાથી ભરી દે છે. સાવ નિરાધાર, નિસ્સહાય, નિરાશ્રિત બની ગયા હોઇએ એવું વેક્યૂમ છવાઈ જાય છે ચોતરફ. એવી કપરી કસોટીની ક્ષણે સાથી વિના, સંગી વિના બાકી રહેલા જીવતર માટે ‘એકલાં કેમ જીવાય’ એવું શીખવી જનાર વિદાયમાન પ્રેમીનું ઋણ સ્વીકારવાનું નાયિકાને માટે અંતે અનિવાર્ય થઈ પડે છે.
કેમ અનિવાર્ય થઈ પડે છે સ્વતંત્ર રીતે, એકલા બની રહીને પણ જીવન જીવવાનું શીખવાડી જનાર વિદાયમાન પ્રેમી માટેનો ઋણસ્વીકાર ? સ્ત્રીશોષણથી ખદબદતા વિષમ સામાજિક વાસ્તવમાં એકલ નારીનું સ્વમાનભેર જીવવું કેટલું દોહ્યલું હોઇ શકે છે એ જાણતા વિદાયમાન પ્રેમીએ આ ફેમિનિસ્ટ નાયિકાને એકલાં, સ્વતંત્ર બનીને સ્વમાનભેર જીવવાનું શિક્ષણ આપ્યું છે, અને એની બિનહયાતીમાં આ મહામૂલી ભેટ માટે એ ઋણસ્વીકાર કરે છે ત્યારે આ કાવ્ય વાંચનાર હર કોઈને જાણે કે સંદેશ મળે છે : જેણે પોતાની હયાતીમાં કે બિન હયાતીમાં જીવનને સભર કર્યું, જેણે સાથે રહીને કે વિદાયમાન થઈને પણ ‘જીવન’ જીવતા શીખવ્યું એવા સાથીને, એવા પ્રેમીને હૃદયપૂર્વક થેન્ક યુ કે સોરી કહેવું એ પ્રેમની સાચી કદર છે.
આટલી મોટી વાત અને એને કહેવા માટે આટલું નાનકડુ કાવ્ય ! આવા જ બંધારણવાળું, એટલે કે પાંચ જ કંડિકાઓથી સર્જાયેલું અને છતાં ખૂબ મોટી વાત કરતું સુરેશ જોશીનું કાવ્ય ‘કવિનું વસિયતનામું’ આ નિમિત્તે સહજ યાદ આવે છે.
મૂળ પોસ્ટિંગ 29.4.2021
મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.