મનહરલાલ ચોક્સી ~ ગુફ્તગૂમાં રાત * Manharlal Choksi

ગુફ્તગૂમાં રાત ~ મનહરલાલ ચોક્સી

ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.

ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની સળવળતી રહી.

હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.

હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.

મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’

કવિ મનહરલાલ ચોક્સી (29-09-1929 થી 04-05-2005). ગુજરાતમિત્રમાં ‘શાયરીની શમા’ વર્ષો લગી ઝળહળતી રાખનાર મનહરલાલ પારદર્શી વ્યક્તિત્વ ઉપરાંત સાદગી, સહિષ્ણુતા અને સમભાવના કારણે આજીવન અજાતશત્રુ રહ્યાં અને તે એટલી હદે કે પાર્કિન્સનની બિમારી સાથે ય કાયમી દોસ્તી રાખી. એમની ચોકસી નજર નીચે કેટલાય કવિઓ છંદ-લયથી સમૃદ્ધ થયાં. ઉર્દૂના ઉસ્તાદ કક્ષાના જાણકાર. જ્યોતિષવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રના પ્રખર જાણભેદુ. ગુજરાતને કવિતા, નવલકથા અને વાર્તાઓ આપવા ઉપરાંત એમણે મુકુલ ચોક્સી પણ આપ્યા! પદ્ય પદાર્પણ :‘ગુજરાતી ગઝલ’ (ગઝલ), ‘અક્ષર’ અને ‘ ‘વૃક્ષોના છાંયડાઓ મને ઓળખી ગયા’ (કાવ્ય સંગ્રહો), ‘હવાનો રંગ’ (મુક્તક). – વિવેક ટેલર

OP 29.9.22

***

દીપક વાલેરા

10-10-2022

વાહવાહ

Varij Luhar

01-10-2022

વાહ.. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ

સાજ મેવાડા

29-09-2022

સ્મરાંજલિ કવિ, લેખકને.

છબીલભાઈ ત્રિવેદી

29-09-2022

બધાજ શેર ખુબ ગમ્યા સરસ મજાની રચના કવિ શ્રી ને વંદન આભાર લતાબેન

ઉમેશ જોષી

29-09-2022

ગુફતગૂમાં રાત..ગઝલના સકળ શેર રોચક છે.
કવિને સ્મરણ વંદના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: