કિશોર બારોટ ~ નિવૃત્ત થતા શિક્ષકનું ગીત 

નિવૃત્ત થતા શિક્ષકનું ગીત ~ કિશોર બારોટ

હૈયાના દફ્તરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ.

શાળાનો છેલ્લો આ દિવસ છે, કાલથી તો વેઠવાની કાયમી અમાસ…. 

રમવું ને લડવું ને રડવું ને રીંસાવું, પળભરમાં સઘળું એ ભૂલવું.

ભૂલીને સ્મિત તણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબ સમું ખીલવું.

મંદિરમાં નહીં,  મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ

શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ……..

આંગળીમાં ઉછેર્યાં અક્ષર મરોડ અને કંઠોમાં ઘડિયાના સૂર.

ગાંધી અશોક બુદ્ધ શિવાજી ક્લાસમહીં પ્રગટેલાં હાજરાહજૂર.

મોહન જો ડેરોમાં ફેરવાશે સઘળું ને થઈ જાશે મારો ઇતિહાસ.

શાળાનો છેલ્લો આ દિવસ છે, કાલથી તો વેઠવાની કાયમી અમાસ……. 

નીરખી લઉં એક એક ઓરડાને મનભરી, સ્પર્શી લઉં બારીને બારણાં.

ફાગણમાં ફૂલ હોય ડાળીપર એમ અહીં કણકણમાં લાખો સંભારણાં.

કાળતણા હાથ વડે વાગ્યો છે બેલ અને બદલાયો જીવતરનો તાસ.

શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ.

~ કિશોર બારોટ

‘આંગળીમાં ઉછેર્યાં અક્ષર મરોડ અને કંઠોમાં ઘડિયાના સૂર’ બાળકોને અક્ષરો લખતાં અને ઘડિયા પાકા કરતાં શીખવવાની વાત કેટલી કાવ્યાત્મકતાથી થઈ છે! કિશોર બારોટ કાવ્યજગતમાં એક નીવડેલી કલમ છે. વિશ્વ શિક્ષક દિને એમનું આ કાવ્ય મનને ભીંજવી જશે એમાં શંકા નથી.

આજે પરિસ્થિતી એવી છે કે ગમે તેમ કરીને સમય પસાર કરી નાખવો, પગાર મેળવી લેવો અને બાળકોની બિલકુલ ચિંતા ન કરવી એવા શિક્ષકોનો તોટો નથી. પણ એની સામે બાળકોને કેળવવામાં પોતાની જાત ઘસી નાખતા અને એને જ જીવનધ્યેય સમજનારા શિક્ષકો પણ છે ખરા એની ના નહીં. આવો શિક્ષક નિવૃત્ત કેવી રીતે થઈ શકે? પણ સરકારી નિયમ પ્રમાણે એણે નિવૃત્ત થવું પડે ત્યારે એ મનમાં કેટલો હિજરાય! કવિના શબ્દોમાં એનો તાદૃશ ચિતાર રજૂ થયો છે.    

OP 5.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: