જગદીશ જોષી  ~ માફ કરજે દોસ્ત * Jagdish Joshi

માફ કરજે દોસ્ત ~ જગદીશ જોષી  

માફ કરજે દોસ્ત,
તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.
આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો
મારા રસ્તા પર ઝૂક્યાં છે.
આ વૃક્ષની નીચે
તું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-
છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા
-સાવ એકલવાયા.
હોટલના ખૂણાના સૂનકારમાં
ખાલી ગ્લાસની સાથે
આજની સાંજનો સંબંધ બાંધીશ.
માફ કરજે દોસ્ત,
I’d rather be alone….

વેદનાને જ્યારે શબ્દો જડતા નથી
ત્યારે હું એને પી જાઉં છું.
મારા નશામાં
કેટલીયે મ્હેફિલો ભાંગી પડી છે-
એ હકીકત તું જ જાણે છે;
એટલે જ
બીજા પાસે બોલબોલ કરતો
તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.
મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !
એક તને જ કહી શકું છું:
I’d rather be alone….

જગદીશ જોષી

એકાંતને ચાહનાર મોટેભાગે કલાકાર હોય છે અને એને એકલતાય વેઠવી જ પડે છે….

પણ……. આવી પીડામાંય ખુશનસીબી એ ખરી જ કે એને સમજનાર કોઈ મિત્ર પડખે છે!  

કવિ જગદીશ જોષીને સ્મૃતિવંદના. 

OP 9.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: