હરીશ પંડ્યા ~ શ્વાસની પોઠો લઇ & ગાંઠ * Harish Pandya

છોડી દે હવે

ગાંઠ જૂની આજ છોડી દે હવે,
બંધ કિલ્લો આજ તોડી દે હવે.

બિંબ સાચું એક જેમાં ના મળે,
દર્પણોને આજ ફોડી દે હવે.

સર થશે પર્વત સમો આ માનવી,
લાગણીનો ધ્વજ ખોડી દે હવે.

પ્રેમનું સંગીત ગુંજી તો રહે,
બે હૃદયના તાર જોડી દે હવે.

જિંદગીની પાથરી ચોપાટ છે,
હાથમાં એનાય કોડી દે હવે.

~ હરીશ પંડ્યા

સર થશે પર્વત સમો આ માનવી, લાગણીનો ધ્વજ ખોડી દે હવે. જાણીતી વાતની કેવી સુંદર કાવ્યાત્મક રજૂઆત…
અને છેલ્લા શેરમાં
એના એટલે કે ઈશ્વરના હાથમાં કોડી દેવાની વાત પ્રસન્ન કરી દે એવી છે.  

અમે

શ્વાસની પોઠો લઇ ચાલ્યા અમે
વેદના અગણિત લઇ ચાલ્યા અમે

ફૂલ મારગમાં મળે તો શું કરું?
ઘાવ નીતરતા લઇ ચાલ્યા અમે

સાથ બે પળનો હતો પૂરો થયો
યાદ અંતરમાં લઇ ચાલ્યા અમે

ટાઢ-તડકો ને તરસ પીડે સતત
દેહ ફળફળતો લઇ ચાલ્યા અમે

છૂટશે ક્યારે હવે આવાગમન
પ્રશ્ન ખળખળતો લઇ ચાલ્યા અમે

~ હરીશ પંડ્યા (13.3.46 )

જન્મદિને કવિને સ્નેહવંદના

1 Response

  1. સરસ, ગમ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: