રતિલાલ ‘અનિલ’ ~ સત્ય પણ * Ratilal Anil
સત્ય પણ ક્યારેક કડવું જોઈએ,
જાતની સાથે ઝગડવું જોઈએ !
બહારનાં સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઈએ !
એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઈએ !
આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઈએ !
આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !
કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઈએ !
પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે !
આળ જેવું કૈંક ચડવું જોઈએ !
સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઈએ ?
ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’
એક તક છે, કૈંક જડવું જોઈએ !
~ રતિલાલ ‘અનિલ’
વાહ ખુબ સરસ રચના
સરસ ગઝલ.
ખાલીપાએ પણ ખખડવું જોઈએ ,…..સરસ સરસ
ધૂળધોયા જીવનને કાંઈક પામવાની મથામણ કરતી સરસ ગઝલ છે.અભિનંદન.
સકળ શે’ર હ્રદયગમ્ય છે.
વાહ..વાહ..