મરીઝ ~ હું ઈચ્છું છું * Mariz     

થઈ નથી શકતી

હું ઈચ્છું છું છતાં એવી નિરાશા થઈ નથી શકતી,
મિલન તારું અસંભવ છે, એ શ્રદ્ધા થઈ નથી શકતી.

છે કેવી બદનસીબી એની વ્યાખ્યા થઈ નથી શકતી,
કોઈ સુખ હો જગતનું એની ઇર્ષા થઈ નથી શકતી.

બુલંદી પર રહીને હું સદા હસતો જ રહેવાનો,
ભલે મારી સિતારા જેમ ગણના થઈ નથી શકતી.

ઘણી રચના છે એવી ભાવ જેમાં કંઈ નથી હોતા !
ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી.

એ જાણું છું છતાં તુજ છાંયમાં રહેવાને ઝંખું છું,
સ્વયં પ્રકાશ છે તું, તારી છાયા થઈ નથી શકતી.

કોઈ નિશ્ચિત વચન ના દે, ગમે ત્યારે મળી લેજે,
સમયના માપથી તારી પ્રતીક્ષા થઈ નથી શકતી.

જે અપનાવે જગતને ત્યાગવૃત્તિ સાથ રાખીને,
પછી એની બરાબર આખી દુનિયા થઈ નથી શકતી.

બધામાં દિલ છે, કિંતુ પ્રેમના ઝરણાં નથી સૌમાં,
બધા પર્વતના ખોળામાં સરિતા થઈ નથી શકતી.

બધાને ઓળખાણો છે, બધાયે પીઠ રાખે છે,
કોઈ એવું નથી કે જેની નિંદા થઈ નથી શકતી.

તમે છો પ્રાણ મારા કોઈને એ કેમ કહેવાયે ?
આ બાબત એટલી અંગત છે ચર્ચા થઈ નથી શકતી.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ તે પ્રતિભા થઈ નથી શકતી.

~ અબ્બાસ વાસી ‘મરીઝ’

જન્મદિને કવિને સ્મૃતિવંદના

3 Responses

  1. વાહ ખુબ સરસ રચના સ્મ્રુતિવંદન

  2. સરસ ગઝલ. સદ્ગત કવિ ને વંદન!

  3. ઉમેશ જોષી says:

    સાદર સ્મરણ વંદના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: