નયન હ. દેસાઈ ~ શ્વાસોની શેરીમાં * Nayan Desai

અમે

શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે;
સાંકળ સંબંધોની બાંધીને ફરનારા કોઈ નામ વગરના ફલાણા અમે.

સાલો પવન રોજ ઊઠીને ચૂંથે છે મુદડું અમારું, અમે ચૂપ છીએ;
ઘેરી ઉદાસીનું વાગે છે જંતર; કાં છાતીમાં આવી ભરાણા અમે ?

ભીંતોને આવીને અડ્ડો જમાવ્યો તો પડછાયાં રસ્તામાં વેચી દીધા;
ફાટ્ટીમૂઓ સૂર્ય ડંફાસ મારે, પણ એનાથી છઈએ પુરાણા અમે.

બખ્તરના લીરેલીરા થૈ ગયા, ઢાલ ફાટીને ને ભાલાની તૂટી અણી;
પોતાની સાથે જ લડવામાં ડૂબ્યાં કૈં લોહીમાં ઘૂંટણ સમાણા અમે.

અમથું થયું કે જરા લાવ કોરાકટ કાગળ ઉપર કોઈ ગઝલ ગાઈએ
શબ્દોનો દાવાનળ એવો તો વળગ્યો કે અંગૂઠે સખ્ખત દઝાણા અમે.

~ નયન હ. દેસાઈ

કવિને જન્મદિને સ્મૃતિવંદના

4 Responses

  1. સ્મ્રુતિવંદન ખુબ સરસ રચના

  2. સરસ ગઝલો કવિ ને સ્મૃતિ વંદન!

  3. ઉમેશ જોષી says:

    સાદર સ્મરણ વંદના.

  4. Minal Oza says:

    કવિ જન્મદિવસની શુભેચ્છા. આની જેવી જ સરસ રચનાઓ મળતી રહે એવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: