પ્રદીપ રાવલ ‘સુમિરન’ ~ આવનારો શ્વાસ * Pradip Raval

નક્કી નહીં

આવનારો શ્વાસ ક્યાં લઈ જાય, કૈં નક્કી નહીં,
મૃત્યુ ક્યારે કયા બહાને થાય, કૈં નક્કી નહીં!

ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે,
કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં!

ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની-
ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં!

આપણે વ્યાખ્યા કરીને ખુશ રહીએ એટલું,
શું જડે, ને શું અહીં ખોવાય, કૈં નક્કી નહીં!

મેઘધનુષો આભમાંથી વીણવાના ખેલમાં-
હાથની હિનાનું શું થાય, કૈં નક્કી નહીં!

લઈ ફરે છે ધૂપદાની, કૈંક છાયાઓ અહીં,
ધૂપ એમાં થાય કે ના થાય, કૈં નક્કી નહીં! 

~ પ્રદીપ રાવલ ‘સુમિરન’

‘કૈં નક્કી નહીં!’ એ જ જીવનનો સાચો ભાવ છે. ભજનોમાં કહે છે. ‘દા’ દેવો હરિને હાથ છે’ અર્થાત આપણે તો રમ્યા કરવાનું પછી શું થાય એનું કાંઇ નક્કી નહીં. એ બધું કોઈ પરમ શક્તિને સોંપ્યું. એક પછી એક શેર આ અર્થ લઈને ખૂલતાં જાય છે. અનિશ્ચિતતાનું બીજું નામ જિંદગી !

મૃત્યુની વાત આ ગઝલમાં સરસ રીતે નિરૂપાઈ છે પણ આ શેર બહુ કલાત્મક થયો છે, ‘ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની- / ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં! ઘર ચાહે નાનું હો કે મોટું, ઝૂંપડી હો કે બંગલો, ઘરની ભીંતો સૌને સાચવીને બેઠી છે. બહારના આઘાત-પ્રત્યાઘાતથી તો એ બચાવે છે પણ મોટી વાત કે એની હૂંફમાં સૌની સારી નરસી પળો સચવાઈ જાય છે. દિવાલોને કાન ભલે હોય પણ જ્યાં સુધી માણસ પોતે ન ખોલે ત્યાં સુધી ઘરના ભેદ એ બહાર જવા નથી દેતી એ એક મોટું આશ્વાસન બની રહે છે. એનું કામ અંદરની અને બહારની દુનિયા વચ્ચે સૈનિક બનીને ઊભા રહેવાનુ છે. એ શ્વાસને પણ ગૂંગળાવી શકે છે, જો સમયસર બારી-બારણાં ન ખોલવામાં આવે તો ! પણ જ્યારે શ્વાસને તેડું આવે ત્યારે ભીંત દેખાવ પૂરતી જ ભીંત રહે છે. ખરા અર્થમાં એ નિસહાય બની જાય છે. બારી-બારણાં બંધ હોવા છતાં, ચારેય ભીંતો અડીખમ ઊભી હોવા છતાં, માનવીને ખબર નથી પડતી કે શ્વાસ કયા છિદ્રમાંથી નીકળી ગયો !

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 433 > 23 જૂન 2020 (ટૂંકાવીને) 

5 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ સરસ ગઝલ અને આસ્વાદ.

  2. વાહ સરસ ગઝલ અને આસ્વાદ

  3. કૈં જ નક્કી નહીં, એજ જીવન સત્ય છે. સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: