ચંદ્રકાંત શેઠ ~ છત મળશે ને છતર મળશે & ગમે શિયાળુ તડકો * Chandrakant Sheth * સ્વર Osaman Mir

સોડ માતની ક્યાં?

છત મળશે ને છત્તર મળશે, ગોદ માતની ક્યાં?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની ક્યાં?

રસ્તા મળશે, રાહી મળશે, રાહત માની ક્યાં ?
ચાંદ સૂરજ ને  તારા મળશે, આંખો માની ક્યાં ?

પલ્લવ ને પુષ્પો પણ મળશે, પાલવ માનો ક્યાં?
સૂર, તાલ ને સંગીત મળશે,ટહુકો માનો ક્યાં ?

હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં?
બારે ઉમટે મેહ, હેતની હેલી માની ક્યાં?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં ?

~ ચંદ્રકાંત શેઠ

કાવ્ય : ચંદ્રકાન્ત શેઠ  સ્વરકાર: અમર ભટ્ટ  સ્વર: ઓસમાણ મીર

આલબમ: હરિને સંગે

(નીચે ઓડિયો સાંભળી શકો છો.)

ગમે શિયાળુ તડકો

ગમે શિયાળુ તડકો,
લાડુ સાથે ગરમ દાળનો જેવો હોય સબડકો!

કૈલાસેથી શિવના તપની ઉષ્મા સ્પર્શે જાણે!
માતાની છાતીની હૂંફ શું તનમન બંને માણે!
સૂરજ શિયાળે અચ્છો લડકો! રમીએ અડકોદડકો!

ચંદન જેમ ઉનાળે, તડકો ગમતો એમ શિયાળે!
ઠંડીને વળગીને તડકો મલકે વ્હાલે વ્હાલે!
શરારતી થઈ તડકો કેવો મને ભેટવા અડક્યો!

શિયાળાની ડોકે સગડી તડકો લાગે એવો!
ફૂલ ખીલવી શૈશવ ગાલે તડકો મલકે કેવો!
શેડકડું દૂધ પીવા અહીં શું આવ્યો ફક્કડ કો!

~ ચંદ્રકાન્ત શેઠ

કવિના જન્મદિને વંદન.

3 Responses

  1. ઉમેશ જોષી says:

    શબ્દ અને સ્વરભાવ અપ્રતિમ.

  2. વાહ ખુબ સરસ રચનાઓ

  3. ખૂબ જ સરસ ગીતો, સરળ શબ્દોમાં ભાવનિરુપણ, સ્વરાંકન માટે યોગ્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: