કવિતા શાહ ~ કારણ વિના રિસાઈ & તારા દરેક પ્રશ્ન * Kavita Shah

સાંઈ

કારણ વિના રિસાઈ ચાહું મનાવ સાંઈ.
વાસીને દ્વાર બેઠાં ખોલીને આવ સાંઈ.

ભાંગી કરી ને ભુક્કો પાછો દે ઘાટ નૂતન,
તુજને સદા ગમીએ એવો ઘડાવ સાંઈ.

બોલે તું સાંભળું હું, બોલું હું સાંભળે તું,
તારા વિના છે સૂની મહેફિલ સજાવ સાંઈ.

અરજી નથી લગાવી તારી ય છે આ મરજી,
લાગી છે લેહ(લે) લગન ને લાગ્યો લગાવ સાંઈ.

ક્યારેક જાણીબૂઝી લપસી જવાય ખાડે,
આપીને હાથ તારો ઊપર ઉઠાવ સાંઈ.

ભૂલા પડી જઈએ માયુસ કદી થઈએ,
આધાર એક તારો, જુસ્સો જગાવ સાંઈ.

સૂરજ ન અસ્ત પામે એવે મલક લઈ જા,
તારી ફરજ બને છે રસ્તો બતાવ સાંઈ.

~ કવિતા શાહ

સ્ત્રીની સનાતન આરત

વાત  થઈ શકે

તારા દરેક  પ્રશ્ન  ઉપર  વાત  થઈ શકે.
બોલે કશું તો અર્થ ઉપર વાત થઈ શકે.

એક્કેય શબ્દ સત્ય ઉપર કહી નહીં શકાય,
તું જો કહે અસત્ય ઉપર વાત થઈ શકે.

હું  છું  વજૂદ  બેઉ  કિનારા વચાળનું,
તટ પર રહીને તથ્ય ઉપર વાત થઈ શકે?

વિતર્ક હોય તો જ ઊહાપોહ થઈ શકે,
આ તો છે તર્ક, તર્ક ઉપર વાત થઈ શકે.

હું જાણું છું અપથ્ય તને નહીં પચે કદાચ,
ને એટલે જ પથ્ય ઉપર વાત થઈ શકે.

વાણીમાં ઓતપ્રોત હતી આજકાલ તે,
થઈ છે નદી ક્યાં લુપ્ત ઉપર વાત થઈ શકે ?

~ કવિતા શાહ

9 Responses

  1. ઉમેશ જોષી says:

    બન્ને ગઝલ સંવેદનશીલ છે.

  2. Minal Oza says:

    બંને રચનાઓ ભાવાભિવ્યક્તિની દૃષ્ટિએ સરસ છે. અભિનંદન.

  3. Kavita Shah says:

    ❤️
    ખૂબ આભાર પ્રેમ લતાબેન હિરાણી

  4. વાહ, બંને ગઝલો ‘કાબિલે દાદ’ અભિનંદન.

  5. હરીશ દાસાણી.મુંબઈ says:

    ગમી જાય તેવી ગઝલો

  6. વાહ ખુબ સરસ રચનાઓ અભિનંદન

  7. Kirtichandra Shah says:

    ઊપરના સૌ રસિકો સાથે સહમત સો ટકા,

  8. Varij Luhar says:

    બન્ને ગઝલો સરસ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: