કરસનદાસ માણેક ~ હરિ, હું તો * Karsandas Manek

હરિ, હું તો એવું જ માગું મોત!

એવું જ માગું મોત,
હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત, ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત!
હરિ, હું તો એવું જ માગું મોત!

અંતિમ શ્વાસ લગી આતમની અવિચલ ચલવું ગોતઃ
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણકપોત!
હરિ, હું તો એવું જ માગું મોત!

કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદ:
જોજે રખે કદી પાતળું પડતું આતમ કેરું પોત!
હરિ, હું તો એવું જ માગું મોત!

ગિરિગણ ચઢતાં, ઘનવન વીંધતાં, તરતાં સરિતાસ્રોત,
સન્મુખ સાથી જનમજનમનો: અંતર ઝળહળ જ્યોત!
હરિ, હું તો એવું જ માગું મોત!

~ કરસનદાસ માણેક

2 Responses

  1. ખૂબ સરસ, મોતને સ્વીકારવાની‌ ખેવના.

  2. ખુબ સરસ કાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: