હેમંત પૂણેકર ~ ગયાં સૌ સપન & મન ભલેને * Hemant Punekar

સવારે ગયાં

ગયાં સૌ સપન એ વિસારે ગયાં
નિશાના નિશાનો સવારે ગયાં

મળી છાંય દિલનેય ટાઢક મળી
બપોરે સજનના ઇશારે ગયા

સમી સાંજ ને યાદ ખંજર સમી
અમે તો તમારા વિચારે ગયા

પડી રાત રાહો નિરાંતે પડી
પ્રવાસી બધાયે ઉતારે ગયા

ભર્યા શ્વાસને લો તમે સાંભર્યા
દિવસ રાત એના સહારે ગયા

~ હેમંત પુણેકર

ચલાવો છો તમે

મન ભલેને રહે બીમાર, ચલાવો છો તમે
ને સતત દેહના શણગાર ચલાવો છો તમે

અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

સામી છાતીએ કદી એની ચમક દેખાડો
પીઠ પાછળથી શું તલવાર ચલાવો છો તમે

એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

એ શું આધાર હવે કોઈને આપી શકશે
ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે

~ હેમંત પૂણેકર

કવિની વાત

કૉલેજકાળ (૧૯૯૬-૨૦૦૦) માં ક્યારેક અછાંદસ કવિતા લખતો. પછી ઉચ્ચશિક્ષણ અને વ્યવસાયને કારણે કવિતા સાથે સંપર્ક તૂટી ગયો. ૨૦૦૬માં વિવેકભાઈની સાઈટ “શબ્દો છે શ્વાસ મારા” જોયા પછી બ્લૉગજગતનો પરિચય થયો અને મારી જૂની રચનાઓ પોસ્ટ કરવાના ઇરાદાથી મેં મારો બ્લૉગ હેમકાવ્યો બનાવ્યો.

ગુજરાતી બ્લૉગજગતને કારણે ઘણા વર્ષો પછી હું ગુજરાતી કવિતાના સંપર્કમાં આવ્યો. લયસ્તરો અને ટહુકો જેવી સાઈટ્સ પર અનેક નામી અનામી કવિઓની કવિતાઓ વાંચવા મળી. સારી કાવ્યકૃતિઓ સાથે સંપર્ક વધ્યો અને મારી સુષુપ્ત સર્જનશીલતા ફરીથી સળવળી. ફરી કવિતા લખવાનું ચાલુ કર્યું ત્યારે ગઝલસદૃશ રચનાઓ લખતો – ફક્ત રદિફ-કાફિયા સંભાળતો – પણ છંદ વિશે બહુ જાણકારી નહોતી. મોહમ્મ્દ અલી ભૈડુ “વફા” સાહેબના બ્લૉગ પરથી છંદો વિશે જાણકારી વાંચીને ફક્ત ગમ્મત ખાતર આ રચના લખી. ત્યારબાદ છંદબદ્ધ ગઝલો લખવાનો સિલસિલો ચાલુ થયો જે આજેય ચાલે છે અને એવું લાગે છે કે હવે આજીવન ચાલુ જ રહેશે. ~  હેમંત પુણેકર

2 Responses

  1. કવિ હેમંત પુણેકર સાથે ‘સવાયા ગુજરાતી’ એવા આ કવિનું આગમન વધાવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: