પુરુરાજ જોશી ~ કારતકમાં શી કરી & અજવાળું ઘોંઘાટ કરે * Pururaj Joshi

બારમાસી

કારતકમાં શી કરી ઝંખના !
માગશરમાં મન મોહ્યાં સાજન !

પોષે રોષ કીધા કંઈ કપરા
મોઘે મબલખ રોયાં સાજન !

ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !

ચૈતરમાં ચંપો મૂરઝાયો
વૈશાખી વા જોયા સાજન !

જેઠે આંધી ઊઠી એવી
નેણ આષાઢી લ્હોયાં સાજન !

શ્રાવણનાં સમણાનાં મોતી
ભાદરવે ક્યાં પ્રોયાં સાજન !

આસોમાં સ્મરણોના દીવા
રૂંવે રૂંવે રોયાં સાજન !

~ પુરુરાજ જોશી

અંધારું

અજવાળું
ઘોંઘાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન !

અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતીક્ષા…

અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હૃદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.

~ પુરુરાજ જોષી

4 Responses

  1. બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી

  2. ખૂબ જ સરસ રચનાઓ, હવે બારમાસી કવિતા લખવી અઘરી, કારણ કે ઋતુચક્ર બદલાઈ છે ગમે ત્યારે.

  3. kishor Barot says:

    પુરુરાજજીની મજાની બારમાસી. 👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: