ભરત મહેતા ~ અગિયારમામાં ભણતો’તો

સરવૈયું 

અગિયારમામાં ભણતો’તો ને મા મરી!

થયું કે જીવન હવે, મોતનો ગોળો

ઉપરવાળો જ ઉકેલશે એનો ગોટાળો !

મોતનાં ગોળામાં રમરમાટ સાઇકલ ચલાવતાં હોય એમ

કમ્મર કસીને દાદા દાદીએ મોટાં કરી આલ્યાં ભાઈ ભાંડરું

બોધિજ્ઞાન લાધ્યું-

ઉપરવાળો ફૂપરવાળો કોઈ છે જ નહીં, નીચેવાળો જ સાચ્ચો!

ખુબ રસાવાળું શાક બનાવાતું, જેથી દાળની જરૂર પડે નહીં!

ચંપા છાશવાળીની છાશ, રોજની મુખ્ય વાનગી હતી

ગુજરીનો શર્ટ પહેરી વટ્ટથી કોલેજ જવાતું

મ્યુનિસિપાલિટીના નળથી પાણી ભરાતું ને એ જ લાઈટે વંચાતું

ને તોય રીઝલ્ટ તો ટયૂશનિયા કરતાં આપડું ઝળહળ થાતું!

પ્રેમિકા હારે ખાવાની હોય ખાલી લીંબૂવાળી કાકડીની ડીસ

તો ય એ કેટલી ભરેલી લાગતી!

પીવાની હોય કીટલીએ અડધી કટિંગ ચા

પણ વટ્ટ તો જોયેલી ફિલ્મુંના અમિતાભ જેવો!

એમ કરતાં ભૂલાઈ ગઈ મા,

ભૂલાઈ ગયો, મા વગર જીવવાનો ડર

ભૂલાઈ ગયો, ડર માત્ર!

એમાં ઉમેરાયું લડવાનું, લાલ લાલ ઝંડા લઈ

સાચી વાત સાચી વાત, ઝિંદાબાદ ઝિંદાબાદ

ખોટી વાત ખોટી વાત, મૂર્દાબાદ મૂર્દાબાદ

પછી તો

મેં ય મારી મૂકી છે રમરમાટ

દાદા દાદીને યાદ કરી, મોતનાં ગોળામાં મોટર સાઇકલ!

~ ભરત મહેતા

જીવન મોતનો ગોળો જ છે !

2 thoughts on “ભરત મહેતા ~ અગિયારમામાં ભણતો’તો”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *