પાર્ષદ પઢિયાર ~ સખી ! મારા & સાંઇ ! કયારે ખોલશો * Parshad Padhiyar  

સખી

સખી ! મારા ફળિયામાં ભણકારા ઊતરે
વાયરો અડે ને ફૂટે પગરવની કેડીઓ,
ફાળ થૈ હૈયામાં વિસ્તરે

ખુલ્લા રવેશમાં હું એકલતા ઓઢીને
જોતી રહું સાજનની વાટ
અધરાતે-મધરાતે ઝબકીને જાગી જતી
કુંવારા સપનાની જાત
કાચી આવરદાનો પીંડ મારી સૈયર,
જોયાનું સુખ રોજ ચીતરે.

ઈચ્છાઓ ફાટફાટ વાસંતી ક્ષણ પહેરી
ઊભી છે ધારણાની ઓથે
નજરું લંબાવીને અણસારા સૂંઘતી
પ્રીતમનો પડછાયો ગોતે
ફાટેલા દિવસોને સ્મરણથી સાંધતી,
વરસાદી મોસમ લઈ ભીતરે.

~ પાર્ષદ પઢિયાર

સખીને કાનમાં કહેવાની વાત…. કેટલી રોમાંચક રીતે કહેવાઈ છે ! ભણકારા, ઇચ્છાઓ અને આતુરતાના સાગરમાં તરતી નાયિકા હૃદયસ્થ ન થઈ જાય તો જ નવાઈ !

સાંઈ! કયારે ખોલશો ડેલી?

સાંઈ ! કયારે ખોલશો ડેલી?
ભીડેલા ભોગળની માથે ભાગ્ય ખુલવાનું મૂકો,
પાવન પગલાં પાડી પ્રભુજી, પરચો દિયો બળુકો,
સાંજ ઓઢી, ફળિયે ઊભી, તનમાં તાલાવેલી.
સાંઈ ! કયારે ખોલશો ડેલી?

ખાલી ઘરનો ખૂણેખૂણે અવસર થઇ હરખાશે,
હરિ જોયાનું સુખ પહેરીને ઝળહળ ઝળહળ થાશે,
નજરુંનો ખાલીપો પોંખો નિજની મરજાદ મેલી.
સાંઈ! કયારે ખોલશો ડેલી?

~ પાર્ષદ પઢિયાર (જ.21.12.1953)

કવિની કલમનું સામર્થ્ય સાબિત કરતાં આ બેય ગીતો જોડાજોડ મૂક્યા છે!

‘હું વત્તા તું ઉર્ફે અજવાળું’ જેવું કાવ્યાત્મક શીર્ષક ધરાવતો કાવ્યસંગ્રહ કવિ ક્યારના મોકલાવી ચૂક્યા છે! આભાર કવિ.

આજે આપના જન્મદિને શુભકામનાઓ કે આવા સુંદર ગીતો અને ગઝલો (કવિ એમાં પણ ખૂબ સરસ કામ કરે છે) આપતા રહો….

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    બંને ગીતો ગમી જાય તેવા. કવિને જન્મદિવસ પર અભિનંદન. શુભેચ્છાઓ.

  2. ઉમેશ જોષી says:

    બન્ને ગીત અપ્રતિમ..
    અભિનંદન…

  3. બંને કાવ્યો, દુન્વયી સ્નેહથી ઉર્ધ્વગામી થઈ પરમતત્વની પ્રાપ્તિ તરફ ગતિ કરે છે. કવિને જન્મ દિવસ ની શુભેચ્છાઓ.

  4. બન્ને કાવ્ય ખુબ સરસ ખુબ ગમ્યા જન્મદિવસ ની શુભ કામના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: