જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ ~ તરસને ઝાંઝવાંના

તેજ અંબારે નજર લાગી

તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી;
વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી.

કમળને સાંધ્યના રંગીન અંધારે નજર લાગી;
કુમુદને પણ ઉષાના તેજ—અંબારે નજર લાગી.

નજર લાગી હજારો વાર હળવાં ફૂલ હૈયાંને;
કહો પાષાણ દિલને કોઈની ક્યારે નજર લાગી?

ચકોરીએ નજર ઊંચી કરીને મીટ માંડી, ત્યાં—
શશીની પાંપણોના રમ્ય પલકારે નજર લાગી.

અમારી નાવડીની કમનસીબી શી કહું તમને?
બચી મઝધારથી તો છેક ઓવારે નજર લાગી.

પ્રથમ ઉપચાર હું કોનો કરું, સમજાવશો કોઈ?
હૃદયને આંખડી બન્નેયને હારે નજર લાગી.

લથડિયું ખાઈને આકાશથી ગબડી પડ્યો તારો;
ધરા પરથી શું એને કોઈની ભારે નજર લાગી?

દિવાનો ‘વિશ્વરથ’ ઘૂમી વળ્યો નવખંડમાં, તો પણ –
નથી એને સફરમાં ક્યાંય તલભારે નજર લાગી.

~ જયંતીલાલ દવે ‘વિશ્વરથ’ ( 30.12.1910 – 5.1.1980)

કાવ્યસંગ્રહો : ‘સંજીવની’, ‘મલયાનિલ’, ‘પ્રેરણાના પુષ્પો’

4 thoughts on “જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ ~ તરસને ઝાંઝવાંના”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    કવિની સ્મૃતિઓને વંદન. સૌંદર્ય પ્રવાહ જેમ વહેતી ગઝલ જાણે નજર લાગી જાય તેવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *