નિરંજન રાજ્યગુરુ ~ બસ આખર માગું * Niranjan Rajyaguru

ભજન (રાગ : માઢ)

બસ આખર માગું એટલું, મારો બદલે નહીં કો’ રંગ,
હવે આથમતા અંજવાસમાં, મારું ભજન ન પામે ભંગ…
બસ આખર માગું એટલું, મારો બદલે નહીં કો’ રંગ….

અણધારી જો પડે આપદા, ઉગા૨ ક૨જે નાથ,
છલકું નહીં, સંપત સાંપડતાં, પકડી લેજે હાથ,
કોઈ ભરમાવે નહીં ભૂલથી, અણસમજુ ને અડબંગ….
બસ આખર માગું એટલું, મારો બદલે નહીં કો’ રંગ….

ખૂટલ ખડા છે ચો દિશ ફરતા, હાથ લઈ જંજાળ,
ભરમાવી, ભટકાવે પળમાં, તું લેજે સંભાળ,
મારા અંત સમયના માલમી, જિતાવી દેજે જંગ….
બસ આખર માગું એટલું, મારો બદલે નહીં કો’ રંગ…

ટોકરિયા ટાંપીને બેઠા, તણખે છાંટે તેલ,
ભોળાં ગભરુ કબૂતરાંને, બાંધે ઈ કાબેલ,
હવે એક જ તારો આશરો, સાંચવવા સતનો સંગ….
બસ આખર માગું એટલું, મારો બદલે નહીં કો’ રંગ….

~ નિરંજન રાજ્યગુરુ

આંતરચેતના થોડી જાગે તે બસ આટલું જ માગે….

5 Responses

 1. Varij Luhar says:

  વાહ.. ખૂબ સરસ ભજન

 2. ખૂબ જ સરસ ભજન-ગીત.

 3. વાહ ખુબ સરસ ભજન રચના ખુબ ગમી

 4. ઉમેશ જોષી says:

  ખૂબ ખૂબ સરસ ભજન રચના..

 5. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

  લતાબેન ખૂબ આભાર… અધ્યાત્મની ચરમ સીમાને સ્પર્શી જતું એક ગીત… ખૂબ ઊંડાણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: