રમેશ પારેખ ~ ગજરો સુગંધોનો

હવાઓ

ગજરો સુગંધોનો ઝાલી હવાઓ
ફરે હાથમાં હાથ ઘાલી હવાઓ

પગો વૃક્ષની ડાળે બેસી ઝુલાવે
ને મર્મરની પીવે છે પ્યાલી હવાઓ

વિચારોનાં સૂમસામ મેદાન સાથે
કરે વાત કૈં કાલી-ઘેલી હવાઓ

સરોવરને ઓઢી સૂતેલી લહરને
જગાડે જઈ ખાલી-ખાલી હવાઓ

કરે કાન પકડીને ઊઠ-બેસ તૃણો
ને નીરખીને પાડે છે તાલી હવાઓ

એ પોતે જ દોડે છે પોતાની પાછળ
રમે એકલી સાતતાલી હવાઓ

પીળાં પર્ણની બેડીઓ રહી ખખડતી
અને આંખ આંજીને ચાલી હવાઓ.   

~ રમેશ પારેખ

🌹સૌ કાવ્યપ્રેમી મિત્રોને દિપાવલીની શુભકામનાઓ🌹

1 thought on “રમેશ પારેખ ~ ગજરો સુગંધોનો”

  1. 'સાજ'મેવાડા

    નૂતનવર્ષાભિનંદન આપને અને સૌ મિત્રો ને.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *