રમેશ પારેખ ~ મારા સપનામાં & મીરાં કે’ પ્રભુ * Ramesh Parekh

લ્યો, વાંચો !

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !

પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક
ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો
મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !….

મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી
અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?
વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.
મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !…

~ રમેશ પારેખ

હરિ

મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી,
મારા સપનામાં આવ્યા હરિ.

સામે મરકત મરકત ઊભાં,
મારી મનની દ્વારિકાનાં સૂબા;
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.

આંધણ મેલ્યા મેં કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર;
હરિ બોલ્યા ‘અરે બહાવરી’,
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ..

~રમેશ પારેખ

3 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ….ર.પા.
    સ્મરણ…

  2. Minal Ozaa says:

    રમેશો ત્સવ થી એમનાં કાવ્યો વાચવાનો આનંદ થાય છે.

  3. ર.પા. ના કાવ્યો નો રસથાળ તહેવારો રસભર થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: