નિસર્ગ આહીર ~ મારા શબ્દ * Nisarg Ahir

કહે ને ?

મારા શબ્દ તારા કર્ણ સુધી પહોંચતાં
કેમ ખોઈ બેસે છે પોતાનો અડધો અર્થ?
શુદ્ધ મારી નજરને ભૂંસી નાખી
ઝાંખાં કર્યા કરે દશ્યોને કોણ ?

પગ અને રસ્તા વચ્ચેનો અણબનાવ ગૂંચવે દિશાઓને,
ઈચ્છાઓને આકાર ન મળે,
આશાઓને આધાર ન મળે,
કશુંક તીવ્રપણે ધસી આવે આંગળીના ટેરવે
તો લિપિના વળાંકમાંથી છટકી જાય લેખનનું સત્ત્વ !
મને શંકા જાગે કેમ મારા હોવા વિશે ?

એમ લાગે કે તું શાંત ગંભીર ગહન નીર છો મારું
નિહાળું મારી હયાતીને તારામાં પ્રતિબિંબ રૂપે ને ત્યાં જ
પથ્થર ફેંકી જળમાં
તરંગિત વર્તુળોમાં વિખેરી નાખે છે કોણ મને ?

ઉત્તર તો એક જ છે
પણ પ્રશ્નો છે કેમ અનેક, કહે ને ?

~ નિસર્ગ આહીર

અનુભૂતિ અને અભિવ્યક્તિનું એકબીજામાં ઓગળવું…..

5 Responses

  1. નિસર્ગ આહિર ની ખુબ સરસ રચના ખુબ ગમી

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    ખૂબ ઊંડાણને સ્પર્શી જતી રચના ખૂબ ગમી… અભિનંદન કવિશ્રી નિસર્ગભાઈને…

  3. Kirtichandra Shah says:

    નિસગં આહિરની રચનાઓ ખૂબ ગમી કલા અને સ્થાપત્ય વિશેના એમના લેખો માતબર હોય છે

  4. વાહ, જે અનુભવ થાય એનો જવાબ ના મળે.

  5. ઉમેશ જોષી says:

    ઉત્તમ રચના…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: