રમેશ પારેખ ~ આકળવિકળ આંખકાન

વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ
સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની
પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા
ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ
વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને
ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો
જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની
કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને
અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે

~ રમેશ પારેખ

રમેશોત્સવ

4 thoughts on “રમેશ પારેખ ~ આકળવિકળ આંખકાન”

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    રમેશ પારેખની બન્ને રચનાઓ અદભુત તેનાં વિશે કોઈ શબ્દો ઓછાં પડે… લતાબેન આપનો ખૂબ આભાર

  2. ઉમેશ જોષી

    ર.પા.ની બન્ને રચના ખૂબ ખૂબ સરસ ્્્્્

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *