અશરફ ડબાવાલા ~ હું જ જશન : આસ્વાદ ચંદ્રકાંત શેઠ * Asharaf Dabawala * Chandrakant Sheth

હું છું જશન

હું છું જશન પરંતુ જલસાની હઠ પકડ મા;
આ ગેબી નાદ પાસે પડઘાની હઠ પકડ મા.

પરવશ હું એક છેડે, તુ તંગ મધ્યમાં છો;
આથી વધારે આગળ વધવાની હઠ પકડ મા,

અસ્તિત્વ તો સમયના વશમાં જ છે ને રહેશે;
આદિ ને અંતથી તું બચવાની હઠ પકડ મા.

સ્થળ થઈને ઇમારતથી તું ઓળખાય એ કેવું ?
આરસમાં તું પ્રણયને ચણવાની હઠ પકડ મા.

સઘળાયે રંગો ત્યાગી અશરફ છે પારદર્શક;
પાવન તું એને સમજી ભગવાની હઠ પકડ મા.

~ અશરફ ડબાવાલા

આસ્વાદ ~ ચંદ્રકાંત શેઠ

પાંચ શૅરની આ ગઝલમાં રદીફ-કાફિયા બરોબર જળવાય છે. એમાંયે ‘હઠ પકડ મા’ રદીફ જે રીતે, જે સંદર્ભોમાં પ્રયોજાય છે, તેથી તેની માર્મિકતા ને પ્રભાવકતા વધે છે. જશ્નની સાથે એકાકારતા – એકરૂપતા અનુભવતા થવાય તો પછી જલસાવેડાંની જરૂર રહેતી નથી. જે ખાલી હોય એને ધાંધલધમાલની જરૂર પડે, પરંતુ જે સ્વયં પ્રસન્નતાના બીજરૂપ હોય એને બહારના ડોળદમામ – વાઘાવસ્તર વગેરેની જરૂર રહેતી નથી. એ પોતે જ સત્ત્વસુખે આત્મપર્યાપ્ત હોય છે,

વળી, ગેબીનાદ છે. અનાહત ના છે એને જ એવો પ્રભાવ, એને જ એવી પ્રભુતા હોય છે કે તેને પડધાબડઘા જેવી ફાલતુ બાબતોની જરૂર રહેતી નથી. એ નાદબ્રહ્મની શબ્દબ્રહ્મની શક્તિ જે-તે કામ માટે પૂરતી હોય છે. વળી ‘હું–તું’ની બેલડી જે રીતે બને છે, ટકે છે ને પરસ્પરને ટકાવે છે, એમાં કશુંયે વધારાનું – આછુંપાછું કરવાની જરૂર રહેતી નથી.

મનુષ્યનું અસ્તિત્વ જ આમ તો દેશકાળની મર્યાદાથી પરિબદ્ધ ને પોતાની રીતે પ્રબળ હોય છે. એને અનાદિ- અનંતના ખ્યાલોમાં ખોવાઈને પોતાનું આત્મભાન વિસારે પાડવાની જરૂર રહેતી નથી. વળી, પોતાની આત્મશક્તિ, જીવનશક્તિ, પ્રણયશક્તિ વગેરેથી સંલગ્ન સંબંધોની પ્રતિષ્ઠા ઈંટ-ઇમારતોથી નહીં, આરસની મૂર્તિ-પ્રતિમાઓથી નહીં, પરંતુ અંદરના સંબંધો આત્મીયતાના ભાવે થવાની છે. રંગરાગની-ત્યાગના ભગવા રંગ આદિની મર્યાદાઓ સમજી લેવાની હોય. રંગરાગ જીવનમાં કેવા માર્ગદર્શક હોય એય પ્રશ્ન છે. જરૂરી છે, પારદર્શકતાને પરખી લેવાની, જે રંગોનીય પારનું, જે મૂળભૂત રૂપે તે દર્શાવી શકે. કવિનો ભાવબોધ આવો હોઈ પણ શકે. આ ગઝલમાં ચતુરાની ચાલ છે, સહેલાઈથી અર્થપ્રસાદ તારવી લેવાય એવી સાદી-સરળ એની ગતિસ્થિતિ નથી. આમ છતાં એમાંથી જે મનુષ્યના અસ્તિત્વની સાથે સંલગ્ન ચેતનાના વ્યાપવિસ્તારને ‘હઠ પકડ મા’ કહીનેય પકડી અહીં પ્રગટ કરવામાં નૈપુણ્ય દાખવ્યું છે, તેને સલામ કરવાનું ગમે છે.

5 Responses

  1. ખૂબ જ સરસ ગઝલાભિવ્યક્તિ.

  2. ખુબ સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ અભિનંદન

  3. હરીશ દાસાણી says:

    કવિ આવી રમણીય હઠ પકડે એ ગમે !

  4. ઉમેશ જોષી says:

    ખૂબ જ સરસ ગઝલ…. આસ્વાદ અપ્રતિમ…
    કવિ અશરફ ડબાવાલા અમરેલીનું ગૌરવ છે.

  5. Varij Luhar says:

    હું છું જશન… ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: