કવિતા કાદંબરી ~ મારા દીકરા : અનુ. ભગવાન થાવરાણી * Kavita Kadambari * Bhagvan Thavrani

મારા દીકરા   

મારા દીકરા
ક્યારેય એટલો ઊંચો ન થઈશ
કે તારા ખભે માથું ટેકવી કોઈને રડવું હોય
તો સીડી મૂકવી પડે

એટલો બુદ્ધિજીવી પણ નહીં
કે મજદૂરોના વાનથી અલગ લાગે તારો વાન

એટલો ઈજ્જતદાર ન બનીશ
કે મોંભેર પછડાટ ખા
ત્યારે ઊભા થવામાં શરમ આવે

એટલો વિવેકી પણ નહીં
કે મોટાઓની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકે

એટલો સભ્ય ન થઈશ
કે અગાસીએ પ્રેમરત કબૂતર-યુગલ
તને અશ્લીલ લાગે
અને કાંકરો ફેંકી બાળકો સામેથી એમને ઉડાડી મૂકે

એટલો સ્વચ્છ ન બનીશ
કે જાત-મહેનતથી મેલા થયેલા કૉલરનો મેલ
લોકોથી સંતાડવો પડે

એટલો ધાર્મિક ન બનીશ
કે ઈશ્વરને બચાવવા
માણસ પર હાથ ઉગામી બેસે

ન તો ક્યારેય એવો દેશભક્ત
કે કોઈ ઘાયલને ઊભો કરવા
ધ્વજ જમીન પર ન મૂકી શકે

એટલો જડ ન થઈશ
કે કોઈ લથડે તો અનાયાસ હસવું આવી જાય

અને ન ક્યારેય એવો સ્વ-કેન્દ્રિત
કે કોઈનું પ્રેમમાં તડપવું કે ભૂખે મરવું
વાર્તા જેવું લાગે..

~ કવિતા કાદંબરી * હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી

કેટલું હૃદયસ્પર્શી કાવ્ય ને એનો એટલો જ ઉત્તમ અનુવાદ ! એક બાળકને સારો માનવી બનાવવા આનાથી વિશેષ શું જોઈએ?

7 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહહહહ…… હ્રદયસ્પર્શી રચના.

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    જીવનને અખંડિત રૂપે સ્વીકાર કરી એકાંગી વિચારનો કાવ્યાત્મક નિષેધ

  3. વાહ, ખૂબ સરસ સુચનાઓ દિકરાને.

  4. વાહ વાહ ખુબ ઉમદા રચના ખુબ ગમી

  5. Kirtichandra Shah says:

    કયારેય એવો દેશભકત ન બનીશ…..વાહ વાહ

  6. Kirtichandra Shah says:

    Avo na thaish Poet’s response to every theme is sensible and display sensitivity Dhanyvad

  7. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    એક સચોટ સમજ આપતી રચના જે હદયને સ્પર્શી ગઈ… ખૂબ સરસ
    તાબેન ધન્અયવાદ કાવ્યવિશ્વની લીન્ક હવે ખૂલે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: