રમેશ પારેખ ~ આ થાશે & એવું કૈં કરીએ * Ramesh Parekh

આ થાશે, તે થાશે, શું થાશે ?

આ થાશે, તે થાશે, શું થાશે ?
થવાનું હશે એ તો થાશે ને પછી એનો
ભૂખરો લિસોટો રહી જાશે.

આપણે જ અંધારું બોગદું ને એમાંથી
આપણે જ સોંસરવું જાવું;
ગયા વિના અન્ય કોઈ છૂટકારો નહીં,
પાછું મન વિશે થાય : સાલું આવું ?
અવળસવળ આમતેમ વાતો સન્નાટો પછી
આપણી સોંસરવાયે વાશે.

આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ
લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ
નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને તમે,
મોત એટલું જ તમને સમજાશે.

~ રમેશ પારેખ

રમેશોત્સવ

એકબીજાને ગમીએ  

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે
સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

~ રમેશ પારેખ

રમેશોત્સવ

3 Responses

  1. ઉમેશ જોષી says:

    ખૂબ ખૂબ સરસ….

  2. વાહ, બંને સરસ, ગોફણમાં ચાંદો

  3. ખુબ સરસ રચનાઓ ખુબ ગમી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: