ગઝલની ભાષા ભાગ 3  ~ રવીન્દ્ર પારેખ * Ravindra Parekh

સાધારણ રીતે સોનેટમાં પાંચ લઘુ જુદા નિભાવવાના હોય છે ને ગઝલની વિશેષતા એ છે  કે પાસેપાસેના બે લઘુ સહજ ઉચ્ચારણમાં ગુરુ થઇ જાય છે. આ વાત ચુકાઈ જવાથી ઉશનસની  ગઝલની  બાની પણ સોનેટની જ રહી.

જલકમલ  -પાંચ લઘુ અક્ષરનો શબ્દ છે. સોનેટના પાંચ લઘુમાં તો તે સ્વતંત્ર લઘુ તરીકે જ-લ-ક-મ-લ વંચાશે. જયારે ગઝલમાં એમ નથી થતું.

ગઝલના છંદોમાં તેનું રૂપ જલ-ક-મલ જ થશે ને બે લઘુનો ગુરુ થતા તેનું માપ ગાલગા – થશે. હવે લલલલલ લખવાની ટેવ હશે તો તે ગાલગા નહિ કરી શકે, જો તેને અરુઝનો અનુભવ નહિ હોય તો! સોનેટ કવિઓથી બીજી ગરબડ એ થઇ કે સોનેટ ૪-૪-૪-૨, ૮-૪-૨, ૮-૬ જેવી પંક્તિઓના સમૂહ દ્વારા લખાયાં એટલે તેમાં એક પંક્તિ બીજી પંક્તિઓમાં પણ વિસ્તરી ને સ્વીકારાયેલા સમૂહ આગળ પૂરી થઇ.

આ સગવડ ગઝલમાં નથી. એક પંક્તિ, બીજીમાં વિસ્તરતી નથી. છંદના સ્વીકૃત માપ આગળ પહેલી પંક્તિ પૂરી થવી જ જોઈએ. પણ જેમણે સોનેટ જ લખેલાં તેવા કવિઓએ ગઝલની પંક્તિ  છંદ આગળ તોડી ને બીજીમાં વિસ્તારી. એને કારણે ગઝલને અપેક્ષિત સહજ અભિવ્યક્તિ શક્ય ન રહી. સોનેટની જેમ બીજી પંક્તિમાં તો વિસ્તરી શકાય એમ હતું જ નહિ કારણ બીજી પંક્તિને છેડે જ કાફિયા રદીફ તો પહેરો ભરતા જ હતા. ને ત્યાં તો અટકવાનું જ હતું. ગઝલના શે’રનો આખો ખેલ અનિવાર્યપણે બે જ પંક્તિઓમાં પૂરો કરવાનો હોય છે. કોઈ પણ  શે’રને પ્રયોગનો ધખારો ન હોય તો બેથી વધુ પંક્તિઓમાં વિસ્તરવાની છૂટ નથી જ.

શે’રની બીજી વિશેષતા એ છે કે કોઈ પણ સંદર્ભ વિના તે બે પંક્તિમાં સ્વયમ સંપૂર્ણ ને સ્વતંત્ર હોય છે. પણ ક્યારેક ગઝલકાર અજાણતાં જ કશુંક ચૂકી જાય છે. રાજેન્દ્ર શુક્લની આ પંક્તિઓ જુઓ:

મનને સમજાવો નહિ કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતું હોય છે.
એક પલકારે જ જો વીંધાય તો વીંધી શકો,
બીજી ક્ષણે તો એ જ સામા સાજ સજતું હોય છે.

અહી પહેલી બે પંક્તિ સ્વયમ સંપૂર્ણ છે, પણ આ બે પંક્તિનો સંદર્ભ ન હોય તો ચોથી પંક્તિમાં ‘એ’ એટલે મન એવો અર્થ તારવવાનું મુશ્કેલ બનશે.

ઘણી વખત એવું બને છે કે છંદ નિભાવવા ઓછા સારા શબ્દથી ચલાવી લેવાય છે, પણ એ બરાબર નથી. થોડા વધારે પ્રયત્નો  ગઝલને અપેક્ષિત પર્યાય મેળવી જ આપે છે. ક્યારેક છંદ નિભાવવા સરળ પંક્તિને બદલે બિનજરૂરી શબ્દ કે શબ્દો ઘુસાડાય છે. સતીન દેસાઈ ‘પરવેઝ’ની ગઝલનો આ મત્લા જુઓ:

સતત સૂર્ય જેની જ પાછળ  ભમે છે,
મને ગોદમાં લઇ એ છાંયો રમે છે.

પહેલી પંક્તિમાં સતત સૂર્ય જેની પાછળ ભમે છે એમ ગઝલકારે કહેવું છે, તે કહેવાઈ જાય તેમ છે તો પણ જેની પછી ‘જ’ વાપર્યો. જે વધારાનો છે. ક્યારેક અર્થનો અનર્થ થાય  એ રીતે પણ શબ્દો વપરાય છે. ‘પરવેઝ’ની એ જ ગઝલની આ પંક્તિઓ જુઓ:

બધાયે રવોમાં અરવ હોવું મારું
રવો લુપ્ત થાતા તરત ધમધમે છે.

રવ પણ વાતચીતનો શબ્દ નથી. ત્યાં રવનું રવો કરવાનું કઠે છે. કારણ તેનો અર્થ પણ બદલાય છે.

ગઝલમાં યોગ્ય રદીફની પસંદગી બહુ જ મહત્વની છે. રદીફ જેટલી ટૂંકી એટલી એને નિભાવવાની સરળ. રદીફ લાંબી તો ગઝલકારની જવાબદારી વધે છે. આગળ જતાં રદીફ લપટી પડી ગઈ હોય કે બિનજરૂરી કે વધારાની થઇ પડી હોય એવાં ઘણા ઉદાહરણો મળી આવે તેમ છે. મનોજ ખંડેરિયાનો આ મત્લા જુઓ:

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.

કલમ પકડો તો એવું બને કે હાથ બળે આટલું કહેવું છે. એ સાથે નરસિંહ મહેતાનો સંદર્ભ પણ સરસ રીતે વણાયો છે.પણ અહીં રદીફ વધારાની થઇ પડી છે. કલમ પકડો ને હાથ બળે એટલું, ‘એમ પણ બને ‘ની રદીફ સાથે પહેલી પંક્તિમાં કહેવાઈ ગયું છે. તે પછી બીજી વખત નીચલી પંક્તિ આવી છે તેમાં રદીફ વધારાની થઇ પડી છે, પણ બીજી વખત નીચલી પંક્તિમાં ‘એમ પણ બને,’ એવું ન આવે તો રદીફ જ નક્કી ન થાય કારણ એ મત્લા છે. એટલે રદીફ વધારાની હોવા છતાં તે અનિવાર્ય થઇ પડે છે. હવે જગન્નાથ રાજ્ગુરુની ગઝલની આ પંક્તિઓ જુઓ:

સિનેમાનો ચાળો છે ને ડંડોપોલીસવાળો છે,
ને માણસ જેવી ગાળો છે ને પાણીપુરી ખાવી છે.
ઘરમાં ‘હું’ ભમરાળો છું ને સુવાવડનો વારો છે,
ને સીઝનમાં શિયાળો છે ને પાણી પૂરી ખાવી છે.

ચાર પંક્તિમાં  છ વખત ‘ને’ આવે છે. જો કોઈ પેરેગ્રાફ લખવાનો હોત તો ‘ને’ ને બદલે ગઝલકારે અલ્પવિરામ વાપર્યા હોત, પણ આ ગઝલ છે ને અલ્પવિરામ બોલાતાં નથી એટલે તેને બદલે ‘ને’ થી છંદ જાળવી લીધો.. જુદા વિષય ને નોખી અભિવ્યક્તિનો પ્રયત્ન અહીં જરૂર છે, પણ રદીફ અહી છૂટી પડી જાય છે. ‘ને માણસ જેવી ગાળો છે ને પાણી પૂરી ખાવી છે,’  જેવી પંક્તિમાં ગાળ ને પાણીપૂરી વચ્ચેનો સંબંધ સ્થાપવાની જ મુશ્કેલી પડે છે.પાણી પૂરી ખાવી છે- ને બદલે ‘રાતે નીંદર આવી છે,’ રદીફ રાખીને આ ગઝલ વાંચવામાં આવે તો ય ખાસ ફેર પડતો નથી. એનો અર્થ એ થયો કે રદીફનો કોઈ ચોક્કસ હેતુ અહીં નથી જ રહેતો

ભાષા બાબતે ઉદાસીનતા ઘણા  ગઝલકારોએ કેળવી છે. શબ્દોના વપરાશ વિશેની ઓછી કાળજી ઘણીવાર શે’રની ચોટને મોળી ને મોડી પાડી દે છે. અસરકારક અભિવ્યક્તિ માટેની યોગ્ય શબ્દ માટેની તંતોતંત શોધ જ ગઝલના મિજાજને પ્રગટાવે છે. ઓછું સારું કોઈ પણ કવિતાને ચાલતું નથી તો ગઝલ તો  કવિતાથી પણ કૈક વિશેષ છે, તેને કેવી રીતે ચાલે? કહેવાનું તાત્પર્ય એ છે કે ગઝલે કવિતા તો સિદ્ધ થવાનું જ છે ને તે ઉપરાંત તેણે શે’રમાં તીવ્ર ચોટ પણ સાધવાની છે. આ ચોટ તે તેના મિજાજનું જ બીજું નામ છે. હરીશ મીનાશ્રુના જ બે શે’ર જોઈએ:

નિશ્વાસ એક મૂક્યો કંપનમતિ શિશિરે,
તત્પર તરુવરોનાં ખરતાં સહસ્ત્ર ચીરે.

@

કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
આમ કરતી પડાપડી જાણે.

જોઈ શકાશે કે ઉપલી બે પંક્તિમાં ધ્રુજતી શિશિરે એક નિશ્વાસ મૂક્યો ને પરિણામે વૃક્ષોનું જાણે ચીર હરણ થઇ ગયું. સરસ પંક્તિઓ છે બંને, તેમાં ઋતુની કાવ્યાત્મક અભિવ્યક્તિ પણ છે, પણ તે શે’ર નથી. તેનાં બે કારણો છે. એક, તેની ભાષા વાતચીતની નહિ, પણ પાંડિત્યની છે. બીજું ગઝલને અપેક્ષિત ચોટ, ભાષા, વાતચીતની ન રહી હોવાને કારણે મોળી પડી ગઈ છે. એટલે અહી કવિતા સિદ્ધ થાય છે પણ શે’ર સિદ્ધ થતો નથી. જ્યારે બીજા શે’રમાં ભાષા સોંસરી ઊતરે તેવી વેધક છે. એવું તે કોણ આવ્યું કે માણસો તો ઠીક, ઘરની ભીંતોય મળવા માટે પડાપડી કરવા લાગી? ભીંતોમાં જીવ આવવાની વાતે મિલનની નાયકની ઉત્કટતા સચોટ રીતે અહિ  અભિવ્યક્તિ પામી છે. આ શક્ય બન્યું મિજાજને કારણે, ને મિજાજ શક્ય બન્યો ભીંતોને ગઝલકારે સજીવ કલ્પી તેથી. ભીંતો જો મળવા તલપાપડ હોય તો નાયકની મિલનની તીવ્રતા કેટલી હશે તે સૂચવાયું છે અહિ.

~ રવીન્દ્ર પારેખ

4 Responses

  1. ઉમેશ જોષી says:

    ખૂબ સરસ રીતે ગઝલ વિશે જાણવા મળ્યું..
    આભાર.

  2. ખૂબ જ સરસ માર્મિક વાત, ગઝલને સમજવામાં ખૂબ ઉપયોગી છે.

  3. ગઝલ વિશે ની ખુબ સરસ જાણકારી ખુબ ખુબ અભિનંદન કાવ્ય વિશ્વ

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    વાહ રવીન્દ્ર ભાઈ ગઝલની સાચી સમજ આપવા માટે…!
    ખૂબ આભાર લતાબેન આપનો પણ. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: