નયન દેસાઈ ~ માણસ ઉર્ફે * Nayan Desai

માણસ ઉર્ફે

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

~ નયન દેસાઈ

કવિ નયન દેસાઇએ આ નશ્વર દુનિયા છોડી વિદાય લીધી.

એમના આત્માને વંદન.  

3 Responses

  1. ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ

  2. કવિ શ્રી ને સ્મૃતિ વંદન, ખૂબ જ વખણાયેલી ગઝલ, એમનો ગઝલોમાં પ્રયોગ નોંધનીય.

  3. વહીદા ડ્રાઈવર says:

    સરસ કાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: