વિપિન પરીખ ~ ચલો, એક દિવસ & કોઈ વાર

પ્રયત્ન  

ચલો,
એક દિવસ આપણે એમ વરતીએ
જાણે લગ્નનો પહેલો દિવસ છે.

તું કહેશે તો
એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.
હું તને કહીશ,
‘રસોઈ તો રોજની છે, એને બાજુએ મૂક,
આવ મારી પાસે બેસ.’
ભરબપોરે દરિયાકિનારે
આપણે હાથમાં હાથ દઈ દોડીશું,
અથવા
રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.

એ દિવસે
તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.
તું આનાકાની નહીં કરે.
મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો નહીં રહું.
તને છોડીને ઘરની બહાર હું ક્યાં જઈશ ?
એક પણ પુસ્તકને હાથ નહીં લગાડું –
સોગંદ ખાઉં છું.

રાત્રે બત્તીના પ્રકાશ માટે આપને ઝગડશું –
તું ના કહેશે.
અંધકાર ગાઢ થતો જશે અને છતાં
તું મને સૂવા નહીં દે.
સવારે
તારા હોઠને ભીના કરી હું તને જગાડીશ.

પણ અત્યારે તો
આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…

~ વિપિન પરીખ

કોઈ વાર એવું બને

કોઈ વા૨ એવું બને
આપણે જવાની ઉતાવળ ન હોય
છતાં
આપણને
જલદીથી ઉપાડી લેવામાં આવે.

‘હમણાં આવશે’ ‘હમણાં આવશે’
કહી નયન કોઈની
પળ પળ પ્રતીક્ષા કરતાં હોય
છતાં ત્યારે જ
બળજબરીથી
એને બીડી દેવામાં આવે.

આપણે કહેવા હોય
માત્ર બેચાર જ શબ્દોઃ
‘હું જાઉં છું, તમે સુખી રહેજો.’
પણ હોઠ બોલે
તે પહેલાં જ ઠંડા પડી જાય
ને હવા પૂછ્યા કરે
ન બોલાયેલા શબ્દોનાં સરનામાં

એટલા માટે જ
આટલી
નાનકડી પ્રાર્થના કરું છુંઃ
મારી વિદાયવેળાએ
તમે હાજર રહેજો.

~ વિપિન પરીખ

બંને કાવ્યોની સાવ સામસામા છેડાની દુનિયા…

નિશબ્દ:

4 Responses

  1. બન્ને કાવ્ય ખુબ સરસ ખુબ ગમ્યા

  2. Minal Oza says:

    કવિનાં બંને કાવ્યો સંવેદનાસભર.

  3. હરીશ દાસાણી says:

    ઉત્કટ ભાવોની સંયમપૂર્વક અભિવ્યકિત

  4. વાહ, કવિનું અસહ્ય ચોટનું સંવેદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: