
જીવી જવાના
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !
~ હર્ષ બ્રહ્મભટ્ટ
કેટલાક માનવીઓ પોતાના મૂળમાં કંઈક એવા તંતુઓ લઈને આવ્યા હોય છે કે ગમે તેવા તોફાન, આંધીઓ, વાવાઝોડા સામે અડીખમ રહે છે…. જીવી જાય છે… રાખમાંથી બેઠા થનાર ફિનિક્સ પંખીઓ જેવા….

વાહ. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ
સકારાત્મક ગઝલો કોઈ વાર આપણને નિરાશ થતાં રોકે.
વાહ 👌🏽👌🏽