ઉદયન ઠક્કર ~ ગુજરાતી કવિતામાં હાસ્યરસ * Udayan Thakkar
ગુજરાતી કવિતામાં હાસ્યરસ
નાટ્યાચાર્ય ભરતમુનિ રસ સંપ્રદાયના પ્રવર્તક ગણાયા છે. મુખ્ય રસ નવઃ શ્રુંગાર, કરુણ,રૌદ્ર, વીર,અદ્ ભુત, બીભત્સ,ભયાનક, હાસ્ય અને શાંત. ભરતમુનિ કહે છે કે રસ નાટકનું (કે કવિતાનું) એ તત્ત્વ છે જેનો આસ્વાદ લઈને પ્રેક્ષક (કે વાચક) પરમ આનંદ અનુભવે છે. ગુજરાતી કવિઓએ હાસ્યરસને ગંભીરતાથી લીધો નથી, તેમાં અલ્પ સર્જન કર્યું છે. અમુક રચનાઓમાં હાસ્ય હોય પણ હાસ્યરસ ન હોય; અર્થાત્ હાસ્ય નીપજે પણ કવિતા ન નીપજે.
લોકગીતોથી શરૂઆત કરીએ. લગ્નના માંડવે બેસી સ્ત્રીઓ સામસામાં ફટાણાં ગાતી હોયઃ
મારે આંગણ તળાવડી રે છબછબિયા પાણી
આવતાં વેવાણ લપટી રે એની કડ્ય લચકાણી
ગોળ દ્યો છોકરાં ગોળ દ્યો એની કડ્ય લચકાણી
ગોળને સાટે ખોળ દ્યો એની કડ્ય લચકાણી
સોનાની ચરકલડી જેવી દીકરીને લઈ જતી વેવાણનો અહીં ઉપહાસ કરાયો છે. લોકગીતનું હાસ્ય હંમેશા નિર્દંશ ન હોય, સ્ત્રીવર્ગને પોતાની વ્યથા વ્યક્ત કરવાનું નિમિત્ત પૂરું પાડતું હોય. મેઘાણીએ ‘રઢિયાળી રાત’માં કજોડાનું લોકગીત ટાંક્યું છે:
કાચડીમાં કંકોડી ને વાડકીમાં પાણી
ન્હાનો વર નવડાવવા બેઠી
સમડી લઈ ગઈ તાણી
લાલ કેમ કરીએ!
કચ્છ-કાઠિયાવાડનું લોકસાહિત્ય દુહાથી ગાજે છે. દુહાગીર રૂપક,વક્રોક્તિ અને વ્યંજનાથી કવિતા સિદ્ધ કરે. ભવાઈમાં પાંચીકડાં ગવાતાં હોયઃ
નોંઘણવદર રમવા ગ્યા’ તંઈ ઝમકુ ફૂઈએ જાણ્યું,
ત્રણ વચાળ એક ગોદડું આપ્યું, અમે રાત બધી તાણ્યું.
સારું ગામ સરવેડી, ને પાદર ઝાઝા કૂવા,
બાયું એટલી ભક્તાણી,ને આદમી એટલા ભૂવા.
ભવાયા તો ગામેગામ ફરે અને પાત્રોનાં નામ બદલીને ગાતા જાય.
નરસિંહ મહેતાના બે ફાંટા પડ્યા: શૃંગારનો ફાંટો ઝાલ્યો દયારામે અને જ્ઞાનવૈરાગ્યનો ઝાલ્યો અખાએ. અખાએ કવિતા ખાતર કવિતા નથી કરી, તેણે કટાક્ષનો ઉપયોગ સમાજસુધાર માટે કર્યો છે.
આંધળો સસરો ને સરંગટ વહુ
કથા સાંભળવા ચાલ્યું સહુ
કહ્યું કાંઈ ને સમજ્યું કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક,
શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.
પ્રેમાનંદ હાસ્યનિષ્પત્તિ માટે ટીખળ, ટોળ, ઉપહાસ, કટાક્ષ, વ્યંગોક્તિ, અતિશયોક્તિ, બધી સામગ્રીનો વિનિયોગ કરે છે. તેના ‘નળાખ્યાન’નું ઉદાહરણ લઈએ. દમયંતીના સ્વયંવરમાં જવા રાજા ઋતુપર્ણ નીકળે છે. તેનો સારથિ છે (બાહુકરૂપે) નળ સ્વયમ્. ઋતુપર્ણ બાહુકને વિનવણી કરે છે- રથ પૂરપાટ દોડાવ!
ઘણે દિવસે કામ આવ્યું
રાખો માહારી લાજ
તમો પરણાવો દમયંતી
વૈદર્ભ જાવું આજ
ઋતુપર્ણ કહે છે, તારી પત્ની મને પરણાવ… કેવી ડ્રામેટિક આઇરની!
અર્વાચીન યુગમાં હાસ્યકવિતાના મોટા સર્જક તે દલપતરામ. ઉખાણાં, ચાતુરીઓ, શીઘ્ર ઉક્તિઓથી તેઓ બાળકોમાં અને પ્રૌઢોમાં પ્રિય થઈ પડ્યા. આ ઠાવકા કવિના હાસ્યમાં કડવાશ નથી. મનહર છંદમાં રચાયેલાં તેમનાં લઘુકાવ્યો આજે પોણા બસો વર્ષેય ભુલાયાં નથી. એક શરણાઈવાળાએ સાત વર્ષ સુધી સંગીતની સાધના કરી. કોઈ શેઠ સન્મુખ રાગરાગિણી સંભળાવ્યાં. પછી શું થયું?
કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”
વીસમી સદીની મધ્યમાં ઠેરઠેર હસાયરા થતા હતા. ગઝલનાં રદીફ-કાફિયા-છંદ જાળવીને રચેલી હાસ્યકવિતા તે ‘હઝલ.’ સાંભળો હઝલસમ્રાટ બેકારનું મુક્તકઃ
દાળની સાથે એ બિસ્કુટ ખાય છે
એમાં તારા બાપનું શું જાય છે?
સંકુચિત દ્રષ્ટિનું તારી શું કહું?
પૂર્વ-પશ્ચિમ એકતા તો થાય છે
નાઝ માંગરોલી મુંબઈના શેરિફ હતા. તેમને રજૂ કરતાં જ્યોતીન્દ્ર દવેએ કહેલું, ‘હવે આવે છે- નાઝમાં ગરોળી!’ નાઝનું મુક્તકઃ
મારા ઘડપણના સહારા! મારા ઓ ભાવિ સપૂત!
કાં અધીરો થાય છે?તુજને તો કંઈ અગવડ નથી
ચાર મહિના ઓર રહી જા તારી માના પેટમાં,
આ મહિનાના બજેટમાં ખર્ચની સગવડ નથી!
પિતાએ પુત્રને ન જન્મવા વીનવવો પડે- કેવી કરુણતા! ‘ચક્રમ’ સામયિકના તંત્રી એન જે ગોલીબારે કેટલીક સફળ હઝલો કહી છેઃ
તબિયત પ્રેમનો ચારો ચરી પાગલ થવાની છે,
મને ઇચ્છા હવે મજનૂનો રેકર્ડ તોડવાની છે.
મેં પહેલાં પાણી સાથે ગટગટાવી જઈ પછી વાંચ્યું
લખ્યું’તું બાટલી ઉપર ‘દવા આ ચાટવાની છે!’
મસ્ત હબીબ સારોદીએ લખેલાં કબરકાવ્યોમાંનું એકઃ (કબર પર કોતરાયેલું કાવ્ય)
આ કબ્રમાં સૂતા છે તે મશહૂર નામાંકિત હકીમ
જેમણે હિકમતમાં નિત નોખી કરામત દાખવી,
એમની હિકમત, કરામતને જ છે આભારી આ
જેટલી દેખાય છે અહીં આપને કબરો નવી
મસ્ત હબીબને પગલે મુકુલ ચોક્સીએ પણ કબરકાવ્યો રચ્યાં છે. વિપુલ સર્જન કરનારા નાથાલાલ દવે પરનો તેનો વ્યંગ જુઓઃ
તમારા મુખથી સરતી આ અમીઝરતી પ્રણયગાથા
સુણીને કબ્રમાં પણ છુટ્ટાં થઈ ગ્યાં છે ઘણાં માથાં
આ વેરાની વધુ વેરાન કરવાનું રહેવા દો
કબરમાંથી હવે ના ગીતડાં લલકારશો, નાથા!
ગીતડાં સાંભળીને માથાં છુટ્ટાં પડે તેને હાસ્યરસ કહેવો કે બિભત્સ રસ? લલિત વર્માની હઝલોની વિશિષ્ટતા અને મર્યાદા છે કે તેમણે માત્ર દાંપત્યજીવનની હાસ્યરચનાઓ કરી છેઃ
આંગળીઓ ફેરવે છે વાળમાં
ગુંચવાતો જુલ્ફ કેરી જાળમાં
આજ કાં મોઢું બગાડે છે લલિત
એક અમથો વાળ જોઈ દાળમાં?
મૂળ કાવ્યની વ્યંગાત્મક નકલ એટલે પેરડી. ન પ્ર બુચે હાઇકુના અતિલેખન વિશે આ હાઇકુ લખ્યું છેઃ
બધ્ધે હાઇકુ
હાય મકું હું રૈ ગયો
મેં ય હાંઇકું
દલપતરામના સોરઠાથી સમાપન કરીએઃ
હસવું એવું હોય કે હાણ ન નીપજે કોઈને
હસવે દુભવ્યા કોય તો હસવાથી ભસવું ભલું
~ ઉદયન ઠક્કર
(વિન્ડો સીટ, ગુજરાત સમાચાર)
ગમ્યું.
કવિશ્રી ઉદયન ઠકકરે ગુજરાતી કવિતામાં હાસ્ય વિશે ઉત્કૃષ્ટ નિરીક્ષણો કર્યા છે.હાસ્ય કવિતાની ગાડી આગળ ધપાવવા એ પ્રેરક બની શકે તેમ છે. હાસ્ય કવિતા અને કવિતામાં હાસ્યની સ-રસ છણાવટ સાથે વિવિધ કવિઓની પંક્તિઓ, હઝલો, મુક્તકો,લોકગીતો, ફટાણાંના ઉદાહરણો રસપ્રદ છે અને સમગ્ર લેખને સમૃદ્ધિ બક્ષે છે.ઉદયનને અભિનંદન ! પ્રફુલ્લ પંડ્યા
ખુબ માહિતીસભર લેખ ખુબ ખુબ અભિનંદન
સરસ 👍