KS 453 રીના માણેક * Rina Manek

બારણાં પરના દરેક ટકોરે
ધડકવા લાગે છે હૃદય
ભરડો લે છે કોઈ અજાણ્યો ભય
વધુ ઘેરી થાય છે એકલતા…
થાય છે, જાણે ક્યાંક
ચણાતી જાય છે ઈંટ પર ઈંટ…
ન કોઈ દરવાજો, ન ટકોરા
ને તોય પ્રતીક્ષા
કોઈ આવે અને તોડી નાખે
આ પાંચમી દીવાલ. ~ રીના માણેક
અકેલે હૈ, ચાલે આઓ ~ લતા હિરાણી * કાવ્યસેતુ 453 > દિવ્ય ભાસ્કર > 19.9.2023
એકલતાનો અજગર ભરડો લે ત્યારે પિસાઈ જવાય. આસપાસમાં કોઈ ન હોય તોય જાણે ભીષણ યુદ્ધ ફાટી નીકળે. શૂન્ય હવામાં ચિત્કારો અને આહો એટલા ઘૂંટાય કે કાનમાં બહેરાશ લાવી દે. વાતાવરણના એક એક કણમાં પીડા છવાઈ જાય. એકલતા શાને લીધે છે, કોના વગર છે, ક્યારથી છે, કેમ છે વગેરે પ્રશ્નો અર્થહીન છે. આ ભાવની ભીંસ એટલી જબરદસ્ત હોય છે કે જન્મ્યા ત્યારથી પડેલા દુખોનો સરવાળો કરીએ તો પણ વધી જાય એવું બને અને સાચું કારણ ક્યાંક કણની જેમ પડ્યું હોય !
એકલતાની ભીડમાંથી બહાર નીકળવા માટે ક્યારેક બસ એક હાથ લંબાવવાની કે એકાદ ડગલું માંડવાની જરૂરિયાત હોય, પણ એ ન થઈ શકે. આ પીડા ભોગવનાર વ્યક્તિ પાસે જરા જેટલી હામ કે શક્તિ ન બચ્યાં હોય ! ભયની ભૂતાવળ બારણાની તિરાડોમાંથી પ્રવેશીને ધ્રુજાવી દેતી હોય. એકલતા કોઈના વગર હોય અને એના આવવાથી બધા કારણનું મારણ થઈ જતું હોય તોય અહીં વાત જરા જુદી છે.
બારણાં પરના ટકોરાથી વાત શરૂ કરીને પહોંચે છે કશું ન હોવા સુધી. હવાની જ દીવાલો અને એમાં જ ચણાતી જાય છે ઈંટ પર ઈંટ. દરવાજો અદૃશ્ય છે ને ટકોરા શ્રાવ્ય નથી પણ સરવાળે ભણકારા અસહ્ય છે. બધું મળીને છાતી પર પહાડ ખડકતા જાય છે. નાયિકાને પ્રતીક્ષા છે, કોની ? કોઈ આવે, જે એકલતાનો અભિશાપ દઈને ગયું છે ! કોઈ આવે, જેના જવાનું દુખ સતત ટાંકણીની જેમ ભોંકાતું રહે છે. પ્રેમની આ જ ખૂબી છે. જે આગની જ્વાળાથી તન-મન બળતા હોય ને તોય એ જ અગનમાં ફરી ફરી કૂદી જવાતું હોય.
કોઈ આવે અને આ એકલતાની દીવાલ તોડી નાખે. કોઈ આવે અને આ ભયના કાંગરાઓ ખેરવી નાખે. પ્રેમમાં મન એકવાર પણ તર્ક નહીં કરે કે જેને આવવું હોય એ જઈ જ ન શકે ! કોઈ જતું રહ્યું છે કેમ કે એને જવું હતું, હવે રાહ જોવાનો શો અર્થ છે ? પણ ના, પ્રેમની પીડાથી ભરેલું મન એ તર્ક નહીં કરે. એ રટ લગાવ્યા કરશે, રાહ જોયા કરશે કે કોઈ આવે, કોઈ આવે, કોઈ આવે……
અદૃશ્ય એવી પાંચમી દીવાલ તોડી નાખવાની પ્રતીક્ષા કવિતાને કાવ્યત્વ બક્ષી જાય છે. આ પાંચમી દીવાલ શું છે ? પાંચમી દીવાલ હોય શકે ખરી ? ના. એ કલ્પનાની દીવાલ છે, પીડાએ ઊભી કરેલી દીવાલ છે જે તોડવી દુષ્કર છે.
સરળ શબ્દોમાં કવિનું આ અછાંદસ કાવ્ય એક સરસ લયમાં વહે છે. એના બેય કિનારા પરના જળ દેખીતી રીતે શાંત વહે છે પણ અંદર ડૂબકી લગાવો તો આકાશી ઉલ્કાપાત અનુભવી શકાય.
અને રાઝ ફિલ્મનું આ ગીત યાદ આવે છે.
યે તનહાઈ કા આલમ, ઔર ઇસ પર આપકા ગમ
ન જીતે હૈ, ન મરતે, બતાઓ ક્યા કરે હમ,
અકેલે હૈ, ચલે આઓ, જહાં હો….
કહાં આવાઝ દે તુમકો, કહાં હો….
એકલતાની પીડા અને અજાણ્યો ભય, અને કોઇ પ્રેમીની પ્રતિક્ષા, વાહ, કેટલા ભાવો વણાયા છે આ નાજૂક, સરળ, સરસ, અલ્પ શબ્દોમાં. અભિનંદન, કવિયત્રીને, અને આસ્વાજદીક ઉઘાડ માટે. અછાંદસ કાવ્યનું ઉત્તમ ઉદાહરણ.
આભાર મેવાડાજી
ખુબ સરસ કાવ્ય નો ખુબ સરસ આસ્વાદ અભિનંદન કાવ્ય વિશ્વ