જાતી રહું જાતી રહું થાય છે
કોઈ આઘે આઘેથી વેણુ વાય છે,
રે મને જાતી રહું જાતી રહું થાય છે.
લાલ લાલ આંખડીથી સાસુ જુએ છે
હોઠ મરડીને નણંદી પગ પછાડે
લહેરીયે ચડેલ મારા લોચનીયા જોઈ
ઉભો નાવલીયો બારણાની આડે
હો ઘેરા ઘેનની કટોરી કોઈ પાય છે
રે મને જાતી રહું જાતી રહું થાય છે
એક દ્વાર બંધ કીધું તો
કેટલાંય મારગ આ આંખમાં સમાયા
ધૂપ થઈ ઉડી હું ચાલી સંભાળો
હવે પીંજરામાં રહી ગઈ કાયા
હવે છાનું એ છનછન છલકાય છે
રે મને જાતી રહું જાતી રહું થાય છે
~ હરીન્દ્ર દવે
કાવ્ય : હરીન્દ્ર દવે સ્વર : કલ્યાણી કૌઠાળકર

આટલી સરસ ભાવાભક્તિ, કવિ કરી છે આ ગીતોમાં, પણ આજના સમયને અનુરુપ કોણ સમજે?
ગમતા કવિને વંદન
શબ્દ અને સૂરને વંદના.
કવિશ્રી હરીન્દ્ર દવેની સુંદર રચનાઓ સ્વરબદ્ધ કરાઈ..
વંદન
હરિન્દ્રભાઈ ખૂબ ગમતાં કવિ છે. મને એમનાં ગીતો જેટલા જ એમની ગઝલો ઞમે છે.