ક્યાં ગયાં ?
અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયાં ?
વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં ?
પહાડ પરથી દડદડીને ખીણમાં પડતી સવાર –
ઘાસની કેડીને જઈ પૂછે કે ઝાકળ ક્યાં ગયાં ?
આંખ અશ્રુપાતથી પાલવને કાળો ભીંજવે :
કેમ પૂછે છે સહુ : આંખોનાં કાજળ ક્યાં ગયાં ?
ગંધ તરસી તરફડી રહી છે ફૂલોનાં બારણે –
બાગને ભૂલી પવન સૌ કેમ અસ્તાચળ ગયાં ?
બારણું ખોલું તે પહેલાં તો તમે ચાલ્યાં ગયાં –
મેં તમારા સમ, કરી’તી બહુ ઉતાવળ, ક્યાં ગયાં ?
હું અને મારો વિરહ રણમાં રઝળતાં પૂછીએ –
આપણાં સાથી મૂકીને આમ પાછળ, ક્યાં ગયાં ?
~ રમેશ પારેખ

વાહ..ર.પા..
બન્ને રચના અપ્રતિમ…
રદ.પા.ની ખૂબ જ સરસ, જાણીતી ગઝલો.
બને રચનાઓ ખૂબ ગમી
છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ. ગુજરાતી સાહિત્ય કરવાથી ર ળિયાત છે.