રામનારાયણ પાઠક ‘શેષ’ ~ બે ઉત્તમ ગીતો * Ramnarayan Pathak Shesh * Amar Bhatt  

મારો આતમરામ 

હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !

સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તુફાન !
આ તે આવે છે તુફાન !
હજીયે ન જાગે મારો આતમરામ !

સઢ સંધા ફડફડે, દોર ધીંગા કડકડે,
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન !
મારાં સૂનાં છે સુકાન !
હજીયે ન જાગે મારો આતમરામ !

વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું ?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ !
મારા મૂળગાય દામ !
હજીયે ન જાગે મારો આતમરામ !

હવે તો થાય છે મોડું, વીનવું હું પાયે પડું,
મારે તો થાવા બેઠો છે ફેરો આ નકામ !
મારો ફેરો આ નકામ !
જાગો જી જાગો મારા આતમરામ !
વ્હાલા આતમરામ!

~ રામનારાયણ પાઠક ‘શેષ’

આ સરસ મજાનું ભજનગીત સાંભળો અમર ભટ્ટના સ્વરમાં  

પાંદડું પરદેશી !

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી !

એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી !
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે! કે પાંદડું પરદેશી!

મેં તો હારમહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી !
એણે ફૂલ એક એક કરમાવ્યું કે પાંદડું પરદેશી !

એને નદીને નીર પધરાવ્યું કે પાંદડું પરદેશી !
એ તો દરિયેથી પાછું આવ્યું કે પાંદડું પરદેશી !

મેં તો ખોદી જમીનમાં દાટ્યું કે પાંદડું પરદેશી !
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું ! કે પાંદડું પરદેશી !

મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી !
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી !

~ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

અદ્દલ લોકગીત લાગતું આ ગીત માંહ્યલાને ઉદ્દેશીને લખાયેલું છે… કેવું મજાનું !

4 Responses

  1. વાહ ખુબ સરસ રચનાઓ ખુબ અભિનંદન

  2. Minal Oza says:

    કવિને વંદન. સરસ રચનાઓ પસંદ કરી છે. ધન્યવાદ.

  3. 'સાજ' મેવાડા says:

    પહેલું ગીત ભજન પણ બીજુ ગીત વાંચનારની ભાવસ્થિતી પર આધાર રાખતું હશે. મને એમ જ થયું, તમારી નોંધથી ચમકી જવાયું. ખરી કમાલ કવિ શ્રી ‘શેષ’ની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: