KS * ચંદ્રકાંત શેઠ ~ ઉછાળ દરિયા * Chandrakant Sheth

વરસે વ્હાલ પ્રચંડ

ઉછાળ દરિયા, ઉછાળ પ્હાડો, ઉછાળ માટી-પંડ;
ઉછાળ મનવા, મુઠ્ઠી ખોલી સકળ બ્રહ્મનું અંડ !

હોય હવે નહીં બંધન-બાધા, ધોધે ધસમસ ધસવું;
એકીશ્વાસે ચડી હવે તો મેરુ-માથે વસવું !
હૈયે બારે મેઘ ઊમટ્યા, વરસે વ્હાલ પ્રચંડ !

નાવે નાવે પાંખ ઊઘડે, ગગન ઊઘડે દરિયે !
ગ્રહ-તારાની ભીડ મચી શી ! ચાંદ-સૂરજ આ ફળિયે !
વાટઘાટ-ઘર-ગામ ડૂબતાં પામું બધું અખંડ !

વામનજીના કીમિયા કેવા ! કણ કણ વિરાટ ખૂલે,
શેષનાગની શય્યા છોડે અનંત અંદર ઝૂલે,
છોળે છોળે છંદ છલકતા જલ જલ ચેટીચંડ ! 

~ ચંદ્રકાન્ત શેઠ

લયનું સંગીત ~ લતા હિરાણી * કાવ્યસેતુ 452 > દિવ્ય ભાસ્કર > 12.9.2023

1986માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને 2005માં નરસિંહ મહેતા એવોર્ડ મેળવી ચૂકેલા કવિ શ્રી ચંદ્રકાંત શેઠનું આ ગીત. ગુજરાતી કાવ્યસાહિત્ય આવા કવિઓથી રળિયાત છે.

મન કેટલું આનંદ સાગરમાં નહાતું હશે કે આમ ધસમસ શબ્દો છલકાય ! ભાવભર્યા શબ્દો જાણે ઉછળી ઉછળીને આપણી પર વરસે છે. અનંતમાંથી પ્રચંડ વ્હાલ વરસે છે. ગ્રહતારાની ભીડ જે ભાળી જાય અને ચાંદ-સૂરજનો વસવાટ પોતાને ફળીયે અનુભવાય એની એ સુખદ અનુભૂતિ કેટલી વિરાટ અને પ્રચંડ હશે ! પ્રેમને ખૂલતાં વાર લાગે છે પણ એકવાર આ ઘડીઓ જીવનમાં રેલમછેલ થઈ વળે એની ધન્યતા કદી ન ભૂલી શકાય. પ્રેમની અનુભૂતિનો આ પ્રતાપ છે. સ્વને સમષ્ટિ સાથે જોડતા એને જરાય વાર નથી લાગતી. પળમાં એ ખલકમાં પથરાઈ જાય છે. લોકને આ અમીરી નયે સમજાય પણ એ તો ઝીણી આંખે વામન સ્વરૂપને જોનારા ! કણ કણની ગણતરી કરનારા ! વામનમાંથી વિરાટને ઓળખવાનું એમનું ગજું નહી.  

ક્યારેક એ વિચાર આવે કે ઈશ્વરે પૃથ્વી શા માટે સર્જી ? એના પર માનવને શા માટે સર્જ્યો ? જીવનનો મૂળભૂત ઉદ્દેશ આનંદ ખરો ને ! આત્માનો અવાજ કહે છે, ‘હા’. આખરે દરેક દોડે છે તો એ જ દિશામાં ! પણ કદાચ પોતે જ ઊંચકેલા દુખણાં પોટલાં છૂટતા નથી અને આખરે માનવી હાંફી જાય છે. આનંદ તો વરસ્યે જ જાય છે પણ માનવીની હથેળીઓ કે આંગળીઓ કશું નવું ઝીલવા કે પકડવા ક્યાં ખાલી હોય છે ? પોતે જ ઊભા કરેલા કે શોધી કાઢેલા દુખો એની પાસે ઓછા નથી. કર્મફળે મળેલા દુખોને સ્વીકારી નિજાનંદમાં વસવાની એની આવડત નથી. ત્યારે કોઈકમાં આ અમૂલખ ઘડીઓ અવતરી જાય અને એ ગાઈ ઊઠે એ કેટલું સુખદ ! કેટલું પાવન ! કેટલું મંગલમય !

મોટેભાગે સુખ પરાવલંબી હોય છે. આમ થાય તો સુખ અને તેમ થાય તો સુખ. કશું સ્થાયી ન હોય અને સુખ હાથમાંથી સરકતી રેત જેવું બની રહે. ભલે થોડી ક્ષણો પણ પરમનો એક સહવાસ અનુભવ્યો હોય, શબ્દો અને અર્થોના સાગર મધ્યે પણ મૌનનો ટાપુ સેવ્યો હોય ત્યારે આનંદની જાહોજલાલી પ્રાપ્ત થાય. અખૂટ ધીરજ અને ભાગ્યે જ સાંપડતી સમજણનો દોર ક્યાંક પકડાયો હોય ત્યારે આવી અનુભૂતિ પ્રસવે. આનંદ પછી પરાવલંબી નથી રહેતા સ્વયંભૂ બની જાય. નાવને હલેસાની જરૂર ના રહે, એને પાંખ મળી જાય.

આખાયે ગીતના અવતરેલા શબ્દોમાં લયનો દરિયો હિલ્લોળે છે, નાદનું સંગીત છલકાવે છે. આ ગીત વાંચવું અઘરું પડે પણ ગાવા માટે મન તલપાપડ થઈ જાય.   

આ જ કવિ આવું લખી શકે.

તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું !

તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક – વાંસમાં ફૂંટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું !

11 Responses

  1. માધવી ભટ્ટ says:

    વાટ ઘાટ ઘર ગામ ડૂબતાં..બહુ સરસ રચના અને એવું જ સરસ રસદર્શન.

  2. માધવી ભટ્ટ says:

    વાટ ઘાટ ઘર ગામ ડૂબતાં..બહુ સરસ રચના અને એવું જ સરસ રસદર્શન લતાબેન

  3. Minal Oza says:

    કાવ્ય તો સરસ જ છે એનું રસદર્શન પણ એક કવયિત્રી કરાવે ત્યારે આપણુંય ભાવવિશ્વ વિસ્તરતું અનુભવાય છે. ધન્યવાદ.

  4. ખુબ સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ અભિનંદન કાવ્ય વિશ્વ

  5. 'સાજ' મેવાડા says:

    ખૂબજ સરસ ગીત, અને આપનો આસ્વાદીક લેખ.

  6. ખુબ સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: