મનોજ્ઞા દેસાઈ ~ એક મારો વરસાદ * Manogna Desai

વરસાદ

એક મારો વરસાદ, એક તારો વરસાદ
અને પેલો વરસાદ જરા નોખો…
સૌ સૌના હૈયામાં સૌનો વરસાદ લઈ
જોને વહેતા જાય લોકો…

મારા વરસાદને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે?
પાછો દેતા એને રાખી લઉં થોડો
તો કેટલો લીધો તે કેમ માપશે?
વરસાદી આપ-લેના ભીના સંબંધનો
જોજે વહી ન જાય મોકો…

મારો વરસાદ ઝૂલે જાંબલીયા ઝૂલણે
તારો વરસાદ રંગ રાતે
એક પછી એક રંગ રસ્તા ઓળંગીને
વળગીશું લીલેરી વાતે
આપણું એ મેઘધનુ એવું તો ઝૂલશે
કે વાદળાય કહેશે કે ‘રોકો’

~  મનોજ્ઞા દેસાઈ

વરસાદ જુદો હોય ? હોય. કારણ કે વરસાદ છે. ઉંમર પ્રમાણે જોવાની દૃષ્ટિ પણ બદલાય. વરસાદ જુદો લાગે પણ વાતાવરણ એનું એ જ, ભીનું! અહીંયા વરસાદને ખાનામાં વહેંચીને નથી બતાવ્યો! સરવૈયું પણ નથી કાઢ્યું ! પણ પ્રેમની મોસમના વરસાદને માણવાનું ઈજન આપ્યું છે. પ્રેમ બંને બાજુ સરખો જ હોય તોય બંને નજરથી જુદો દેખાય. એનું નામ જ પ્રેમ! પ્રેમમાં એક લાગતો વરસાદ જુદો લાગે! બીજ ધરતી વાવે અને વરસાદ ઉગાડે. એકના હૃદયનો વરસાદ ગમતી વ્યક્તિના હૃદયમાં ઘેરાય. આવું અરસ-પરસ થાય ત્યારે આભમાંથી પડતો વરસાદ નોખો લાગવા માંડે! બે વ્યક્તિ એકબીજાંમાં પરોવાય પછી ઘેરાયેલાં વાદળાને પણ વરસવાની શરમ આવે! ~ અંકિત ત્રિવેદી

3 Responses

  1. સરસ રચના

    પાછો દેતા એને રાખી લઉં થોડો
    તો કેટલો લીધો તે કેમ માપશે?
    – વાંચતા મનહર મોદીનું મુક્તક યાદ આવી ગયું-

    પામતાં પાછું અમે માપી લીધું.
    માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
    ચોતરફથી કેટલું કાપી લીધું !

  2. દિલ તમોને આપતાં આપી દીધું – આ પંક્તિ ઉપરની કમેન્ટમાં લખવી રહી ગઈ

  3. સરસ રચના નો ઉત્તમ આસ્વાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: