પ્રફુલ્લા વોરા ~ માણસ * Prafulla Vora

માણસમાંથી માણસ ખૂટ્યો
માણસ થઇને માણસ લૂંટ્યો

ચહેરો જોવા દર્પણ ધરતાં
તડાક તડ તડ માણસ તૂટ્યો

શ્વાસોના પડછાયા જેવો
ફુગ્ગા જેવો માણસ ફૂટ્યો

ટોળા સાથે ટોળું થઇને
ખુદને ભૂલી માણસ છૂટ્યો.

જીવતરના ઓરસિયા ઉપર
આખેઆખો માણસ ઘૂંટ્યો…..

~ પ્રફુલ્લા વોરા

આઘાત પ્રત્યાઘાત – લતા હિરાણી

પ્રફુલ્લા વોરાની આ ગઝલ એક આઘાત – પ્રત્યાઘાતને લઇને આવી છે. માણસજાતમાંથી વિશ્વાસ ખૂટે એવું કશુંક બને અને એનો કોઇ ઉપાય પણ નજરે ન ચડે એવી પરિસ્થિતિમાંથી જન્મી છે. માણસમાંથી માણસાઇ જ ખૂટી જાય ત્યારે કેવી વેદના જન્મે એનું વર્ણન છે.

માણસ માણસ નથી રહેતો અને જંગલિયત પર ઊતરી આવે છે ત્યારે આવું વેદનાજગત જન્મે છે. આપણા સ્મરણમાં અનેક એવાં દૃશ્યો, ઘટનાઓ તરવરે અને એમ થાય કે માણસ થઇને માણસને કેમ લૂંટી શકે ? એક માણસ બીજા માણસને કેમ છળી શકે ? સહુના લોહીનો રંગ લાલ છતાં એક માણસ બીજાને છુરી કેમ હુલાવી શકે ? આટઆટલા ધર્મ, સંપ્રદાયો અને ધર્મગુરૂઓનો રાફડો હોવા છતાં માણસમાં માણસાઇ પ્રગટાવવામાં કેમ નિષ્ફળ જાય છે ? અને ક્યાંક ખૂણેખાંચરે કોઇ દિવાઓ પ્રગટે છે તોયે એને હોલવવા કેટલાયે વાવાઝોડાઓ ઊતરી આવે છે !! ક્યાંક ગાંધીને ગોળીએ દેવાય તો ક્યાંક ઇશુને વધસ્તંભે લટકાવાય !!

આ નાનકડી ગઝલમાં દર્પણ, ટોળું, ફુગ્ગો, ઓરસિયો જેવા ભાવપ્રતીકો દ્વારા કવયિત્રીએ વિસરાતી માણસાઇને અસરકારક રીતે રજૂ કરી છે. તડાક દઇને તૂટવું, ફૂગ્ગાની જેમ ફૂટવું ને ટોળામાં ખુદને ભૂલી સહિયારી માનસિકતામાં સરી ડવું માણસનું અધ:પતન દર્શાવાયું છે. અહીં જવાહર બક્ષી યાદ આવ્યા વગર ન રહે, ‘ટોળાની શૂન્યતા છું, જવા દો, કશું નથી..’

આખરી શેર ‘જીવતરના ઓરસિયા ઉપર, આખેઆખો માણસ ઘૂંટ્યો’ એ કંઇક જુદી વાત કહી જાય છે. આખીયે ગઝલ માણસમાંથી મૂલ્યો છૂટી ગયાની વાત છે પણ આ છેલ્લા શેરમાં કંઇક હકારાત્મકતા પણ પ્રગટે છે એવું મને લાગે છે. અલબત્ત કવયિત્રીને શું અભિપ્રેત છે એ તો એ જ જાણે. અને કાવ્યની આ જ ખૂબી છે. એમાંથી અનેક અર્થોની આભા પ્રગટે.. ઓરસિયા પર કોઇ ચીજને ઘૂંટવાથી એનો અર્ક નીકળે છે અને કામની, ઉપયોગી, કે મૂલ્યવાન ચીજોને જ ઘુંટાય. એનો અર્ક તો એથીયે મૂલ્યવાન હોય !! કોઇ પણ વ્યક્તિ બદામ ઘૂંટશે, બાવળ નહીં જ..

માણસને સમયની ખરલ ઘૂંટ્યા કરે છે. જે ઘૂંટાય છે એનું સત્વ બહાર આવે છે, બાકીના છલકાઇને બહાર ઢળ્યા કરે છે એના હોવા ન હોવાનો કોઇ અર્થ નથી હોતો. કદાચ કવયિત્રી પણ એ જ કહેવા માગે છે કે સૂકા પાંદડાના ઢગ નીચે લીલાં તરણાં ઊગ્યા છે. હું તો એમ પણ કહીશ કે આશાની ટમટમતી જ્યોત સ્ત્રીના દિલમાં હંમેશા જલતી જ રહે છે એટલે જ એ ગમે તેવા દુખ સહી શકે છે. અહીં એ જ આશાનું પ્રતિબિંબ મને દેખાય છે… તમે પણ આંખ ઝીણી કરીને જોજો !!

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  67 > 25 ડિસેમ્બર 2012 (ટૂંકાવીને)

3 Responses

  1. સરસ રચના અને અેટલોજ સરસ માણવા લાયક આસ્વાદ

  2. 'સાજ' મેવાડા says:

    ખૂબ સરસ, માણસ રદિફ સાથેની નવી ગઝલ.

  3. Tanu patel says:

    આખેઆખો માણસ ઘુંટ્યો,,,,વાહ..
    સરસ ગઝલ અને એટલો જ ઉત્તમ લતાબેન નો આસ્વાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: