અનિલ ચાવડા * આસ્વાદ ~ લતા હિરાણી Anil Chavda * Lata HIrani
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ
ઠૂંઠવતા જીવતરની ઉપર આવીને તમે
ઓઢાડો ચાદર કે વ્હાલ ?
ક્યારની કરું છું હું એવી રે અટકળ કે
મહેક્યાં છે પુષ્પો કે શ્વાસ ?
સ્હેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો
સાવ નાનકડું લાગ્યું આકાશ
ગાલ ઉપર ફરતું’તું પીંછું કે
પીંછા પર ફરતા’તા ગાલ ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ
ક્યારે આવીને તમે પ્રગટાવી દીધો રે
છાતીના કોડિયામાં દીવો
સરબતની જેમ મારા હોઠ લગી આવીને
હળવેથી બોલ્યા કે ‘પીવો !’
શરમે રતુંબડા છે ગાલ થયા મારા
કે ઉડ્યો છે સઘળે ગુલાલ
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ……….
~ અનિલ ચાવડા
મીઠી મૂંઝવણ – લતા હિરાણી
કવિએ એક સ્ત્રીની સંવેદનાને, સ્ત્રીની પ્રેમની કોમળ કોમળ અનુભૂતિને એમણે અજબ રીતે સંવેદી છે ને શબ્દોમાં વહાવી છે !! આ સરસ મજાના ગીતના ઉપાડમાં જ એક સ્ત્રીની વિસ્મયાનુભૂતિ ભાવકને સ્પર્શી જાય છે. એકદમ વાતચીતનો લય અને સ્ત્રીના મુખમાંથી સહજ રીતે સર્યા કરતા શબ્દો, ‘મને સ્હેજે રહ્યો નહીં ખ્યાલ’ અને પછી ‘ઠૂંઠવતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડો ચાદર કે વ્હાલ!’ વાંચતાં જ જાણે પ્રિયતમના પ્રેમને ઝંખતી પ્રેમિકાઓના હૈયાને શાતા મળે એવી મજાની રજૂઆત !!
પછીની પંક્તિઓમાં ઝાકળભીનાં ફૂલની એક પછી એક પાંખડીઓ જાણે ખુલતી જાય છે. સ્પર્શની આછેરી વાછટ શ્વાસમાં છલકાતી સુગંધ ભરી દે છે, ગાલ પર પ્રિયતમનો નાજુક સ્પર્શ પીંછા જેવો મુલાયમ ભાસે છે અને આ અસીમ સુખની અનુભૂતિ હૈયાને એવું તો સભર બનાવી દે છે કે આંખો બંધ કરતાં આખું આકાશ નાનકડું લાગે છે..
છાતીના કોડિયામાં દીવો પ્રગટાવવાનું કલ્પન પ્રેમની અનુભૂત ક્ષણોની આબાદ કોતરણી છે તો ‘સરબતની જેમ મારા હોઠ લગી આવીને હળવેથી બોલ્યા કે પીવો !’ પંક્તિમાં રોમાન્સ અત્યંત નાજુકાઇથી સોળે કળાએ ખીલ્યો છે. ‘દીવો’’ અને ‘પીવો’ પ્રાસની સહજ અને સ્વાભાવિક ગુંથણી સાથે આખીયે પંક્તિનું ભાવઝરણ એટલું તો મધુર લાગે છે કે ભાવકનું મન ગુલાલ થઇ જાય !
કાવ્યના શબ્દે શબ્દમાંથી પ્રેમની ભીનાશનો નમણો ગુલમહોર કોળી ઉઠે છે, મ્હોરી ઉઠે છે.. કલ્પનો અને શબ્દોની પસંદગીની એવી નજાકતથી ભરી ભરી છે કે આ કાવ્ય કોઇ પુરુષે લખ્યું છે એ માનવા જલ્દીથી મન તૈયાર ન થાય અને આ જ તો આ કાવ્યની ખૂબી છે. પ્રેમના અદભુત અનુભવથી ચકિત થયેલી અને છલકાયેલી સ્ત્રી આમાં વહે છે, બેય કાંઠે…
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 53 > 18 સપ્ટેમ્બર 2012
અનિલ ભાઈની અદભુત રચનાનો અલૌકિક આસ્વાદ
સરસ રચના અને અેટલોજ સરસ આસ્વાદ
રચના અને આસ્વાદ બંને અભિનંદનિય. 🌹
ગીત રચના અને આસ્વાદ બંને માણ્યા, વાહ
આભાર દિલીપભાઈ, છબીલભાઈ, કિશોરભાઈ, મેવાડાજી.
છાતીના કોડિયાં માં દીવો પ્રગટાવવાની અદ્ભુત વાત, સરસ મજાનું ગીત અને એટલોજ સરસ લતાબેન નો આસ્વાદ…
આભાર તનુજી